• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

બાળવિવાહનું દૂષણ

રાજા રામમોહનરાય અને ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજ સુધારકોએ 19મી સદીમાં સામાજિક સુધારા માટે ચળવળ ચલાવી હતી. સતી પ્રથા ઉપરાંત બાળવિવાહનું દૂષણ વ્યાપક હતું, એવા યુગમાં તેમણે સામાપૂરે તરવા જેવી કઠિન જહેમત લીધી હતી. સમયાંતરે શિક્ષણનો વ્યાપ વધ્યો, સમજણે વિકસતી થઇ એટલે આ બંને સામાજિક બદી પર ઘણે અંશે લગામ આવી શકી. શિક્ષણ એવો દીપક છે જે ગમે તેવા અંધકારને અજવાશથી ભરી દે, તેમ છતાં બાળવિવાહની પ્રથા આજે પણ ખતમ ન થઇ શકી. કચ્છ-ગુજરાત અને બીજાં રાજ્યોમાં સમયાંતરે આવા કિસ્સાઓ બનતા રહે છે. આ વાતની ચર્ચા અને ચિંતા કરવાનું નિમિત્ત પૂરું પાડયું છે મહારાષ્ટ્રની ઘટનાએ... છેલ્લાં બે વર્ષમાં મહારાષ્ટ્રના સોલાપુરમાં પાલિકા આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં 85 જેટલી સગીર વયની છોકરીઓને પ્રસૂતિ થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસખાતાએ તરત હરકતમાં આવી કામગીરી હાથ ધરી અને સોલાપુર, કોલ્હાપુર અને પૂણેની હોસ્પિટલોમાં નાની વયે માતા બનનાર 34 છોકરી વિશેની માહિતી સંતાડનારા ડોક્ટરો સામે ગુના નોંધી છોકરીઓનાં માતા-પિતા-સંબંધીઓ વિશે તપાસ હાથ ધરી છે. આના પગલે બાળ અધિકારોનાં સંરક્ષણ માટેનાં રાજ્યનાં કમિશને રાજ્ય સરકારને ભલામણ કરી છે કે, કંકોતરીમાં વર અને કન્યાની જન્મતારીખ લખવાનું ફરજિયાત કરવાનો આદેશ આપો. સ્પષ્ટ છે કે, મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યમાં પણ બાળવિવાહનું પ્રમાણ કેટલું વ્યાપક છે. હાલ, નાસિક તથા અન્ય સ્થળોએ ઢોંગી બાબાઓ દ્વારા મહિલાઓના થતાં જાતીય શોષણના સમાચારો મથાળાંમાં છે, સ્ત્રીઓ પર થતા અત્યાચાર અને માનસિક-શારીરિક સતામણીના કિસ્સા પણ સતત બન્યા છે. આવામાં, બાળવિવાહ અને કુમળી વયે માતા બનતી કન્યાઓનું દૂષણ ચિંતાજનક છે. મહિલા અને બાળકલ્યાણ વિભાગના આંકડા મુજબ છેલ્લાં વર્ષમાં બાળવિવાહ અટકાવવાના કિસ્સામાં 566 ટકા જેટલો વધારો થયો છે અને એકલા 2024-25ના વર્ષમાં 1246 બાળલગ્ન રોકવામાં આવ્યાં હતાં. જો કે, આ બાળલગ્નો સાથે સંકળાયેલો ગંભીર મુદ્દો છે સગીર વયની છોકરીઓનું પ્રસૂતા થવું. માતા-પિતા અંધશ્રદ્ધા કે સામાજિક દબાણને કારણે દીકરીઓને કાચી વયે પરણાવી દે, પણ ડોક્ટરો હોસ્પિટલમાં આવી બાળાઓની પ્રસૂતિ કરાવે અને પાછી આ વાત સંતાડે એ ગંભીર બાબત છે. આ દૂષણ રોકવા માટે કંકોતરીમાં વર અને કન્યાની જન્મતારીખ લખવાનું ફરજિયાત કરવાનું સૂચન યોગ્ય છે. જો કે, આવાં લગ્નો કરાવતાં માતા-પિતા તથા સંબંધીઓ અને પવિત્ર વ્યવસાયને બટ્ટો લગાડનારા ડોક્ટરો સામે કડક કાર્યવાહી થાય એ વધુ મહત્ત્વનું છે. બાળવિવાહ સંબંધી કાયદામાં કડક જોગવાઈઓ છે, પણ તેના પર વાસ્તવમાં કેટલો અમલ થાય છે, એ બાબત શંકાના ઘેરામાં છે. આથી, આ દિશામાં સૌથી પહેલાં સુધારા થાય તો જ કંઈક નક્કર પરિણામ આવી શકે. ભારતમાં લગ્નની લઘુતમ વય પુરુષ માટે 21 વર્ષ અને મહિલા માટે 18 વર્ષ નિર્ધારિત કરાઇ છે. સમાજમાં શિક્ષણનો અભાવ, અજ્ઞાનતા, ગરીબી, પરંપરાનાં નામે બાળવિવાહનું દૂષણ નાબૂદ નથી થયું. સરકારે `બેટી બચાવોબેટી પઢાઓ'ના નારા સાથે અભિયાન હાથ ધર્યું છે. બાળવિવાહ રોકવા એ માત્ર સરકારની જ જવાબદારી નથી, બલકે, જાગૃત સમાજના રૂપમાં સામૂહિક કર્તવ્ય છે એ રખે ભુલાતું. 

Panchang

dd