ગાંધીધામ, તા. 29 : પોલીસ તંત્ર દ્વારા જુદા-જુદા મામલે સમયસર ફરિયાદ ન નોંધાતી હોવાના
આક્ષેપો વખતોવખત સપાટી ઉપર આવ્યા છે, ત્યારે દુષ્કર્મ પીડિતાની પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાના કથિત આક્ષેપો સાથે પીડિતાએ અંજાર પોલીસ મથકે ઊંઘની ગોળીઓ ગટગટાવી જીવન
ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલ સાંપડયા હતા. જો કે, આ બનાવ બાદ થોડા જ
સમયમાં પોલીસે વિધિવત રીતે ગુનો નોંધ્યો હતો. આરોપી ભરત નાથાભાઈ ખાંડેકા (રહે. કિડાણા,
તા. ગાંધીધામ)એ લગ્ન કરવાની લાલચ આપી 29 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ
કર્યું હોવાની ઘટના મામલે પીડિતા દ્વારા અંજાર પોલીસ સમક્ષ રજૂઆત કરાઈ હતી. પાંચ દિવસ બાદ પણ પોલીસતંત્ર
દ્વારા ફરિયાદી ન નેંધતી હોવાની આક્ષેપ સાથે આ યુવતીએ આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં
પોલીસ મથકના શૌચાલયમાં ઊંઘની ગોળીઓ ખાધી હતી. જેને પગલે પોલીસબેડામાં દોડધામ થઈ હતી.
અલબત્ત આ યુવતી સ્વસ્થ હોવાથી પોલીસે હાશકારો લીધો હતો. ભોગ બનનારે ફરિયાદ નોંધવા મુદ્દે
ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ કરી હતી. સમગ્ર મામલે વધુ વિગતો જાણવા માટે નાયબ પોલીસવડા મુકેશ
ચૌધરીનો સંપર્ક કરતાં તેમણે ફોન ન ઊંચકતાં વધુ વિગતો સાંપડી ન હતી. આ અંગે નોંધાયેલી
ફરિયાદને ટાંકીને અંજાર પોલીસ સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપી
ભરત નાથાભાઈ ખાંડેકા (રહે. કિડાણા, તા. ગાંધીધામ)એ લગ્ન કરવાની લાલચ આપી 29 વર્ષીય યુવતી ઉપર બળજબરીપૂર્વક
બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ ફરિયાદી પાસેથી
મકાનની લોન પેટે અને ગાડી લેવા પેટે
રૂા. ચાર લાખ લીધા હોવાના ફરિયાદમાં વર્ણવામાં
આવ્યું છે. આરોપીએ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે પોલીસે
વધુ તપાસ આરંભી છે.