• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

ભુજ સુધરાઇમાં હવે પ્રમુખ-ચેરમેન માટે અટકળો

ભુજ, તા. 29 : શહેર સુધરાઈની ચૂંટણીના ગઈકાલે પરિણામો જાહેર થતાંવેંત જ હવે પ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના મહત્ત્વના પદ માટેના સમીકરણો મંડાયા છે અને આ પદ પર ઉમેદવારો માટે ભાજપમાં લોબિંગ પણ શરૂ થઈ ગયું છે. સાથોસાથ ભુજવાસીઓ પણ સક્ષમ, જ્ઞાતિ, કામગીરી સહિતનાં કારણો સાથે અલગ-અલગ નામો જોડી ચર્ચામાં પરોવાયા છે. ગઈકાલે ભાજપે 28 બેઠકો સાથે ભુજ સુધરાઈનું શાસન કબજે કર્યું અને થોડા દિવસોમાં જ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત અલગ-અલગ સમિતિના ચેરમેન જાહેર કરાશે. ખાસ કરીને ત્રણ પદ માટેના નામોની રાજકીય પક્ષોમાં ભારે ચર્ચા છે.  ભુજ નગરપાલિકા પ્રમુખ, ઉ.પ્ર. અને કારોબારી ચેરમેનના પદ માટે રાજેન્દ્રસિંહ જાડેજા, જગત (જલધિ) વ્યાસ, શીતલ શાહનું નામ મોખરે લેખાય છે, તો ચૂંટણી દરમ્યાન ચર્ચામાં રહેલા વોર્ડ નં. આઠના ઉમેદવાર મનુભા જાડેજા પણ ઉપરોક્ત પદ માટે સક્ષમ લેખાઈ રહ્યા છે. ભુજમાં વિપક્ષ મજબૂત બન્યો છે ત્યારે આગામી પાંચ વર્ષ સત્તાપક્ષ માટે સહેલા નહીં હોય તેવી લોકચર્ચા છે. જો કે, ભાજપ આ બાબત ધ્યાને લેશે તો સશક્ત અને મજબૂત નેતા તરીકે ખ્યાતિ પામેલા રાજેન્દ્રસિંહ જાડેજા પર પસદગીનો કળશ ઢોળાઇ શકે. પોતાની આગવી કાર્યશૈલી, શાંત અને મિત્રતાભરી કામગીરીથી નામના મેળવનાર અને આ અગાઉની ટર્મમાં વોટર સપ્લાય ચેરમેન અને કારોબારી ચેરમેન રહી ચૂકેલા જગત (જલધિ) વ્યાસ પણ  પ્રમુખપદ માટે સબળ દાવેદાર કહી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપે અચાનક જ નગરસેવકની ચૂંટણી જંગમાં ઊતારેલા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ શીતલ શાહનું નામ પણ આ પદ માટે ચર્ચામાં છે. જો કેઆ નામો વચ્ચે વધુ એક નામ પર પણ ભાજપ મહોર મારી શકે છે અને એ છે શાંત પરંતુ રાજકીય ગણિતના માહેર લેખાતા મનુભા જાડેજા, તો કારોબારી ચેરમેનના પદ માટે અન્ય એક નામ મનીષાબેન સોલંકીનું પણ સામે આવી રહ્યું છે. અલબત્ત, ભારતીય જનતા પાર્ટીમાં કશું નક્કી નથી કહી શકાતું, અણધાર્યા આંચકા આવી શકે છે. અલબત્ત ઉપરોક્ત હોદ્દા અઢી વર્ષ પછી ફરી બદલશે  એટલે ચૂંટાયેલા 28 નગર સેવકોમાંથી અન્યોની આશા પણ કાયમ રહેશે. વિશેષમાં કચ્છની મહાપાલિકા, પાંચ નગરપાલિકામાં પ્રમુખપદ માટે ભાજપ દ્વારા સામાજિક ગણિત પણ વિચારમાં આવશે. ક્યાં કઇ જ્ઞાતિ છે, એટલે અત્યારે તો માત્ર ચર્ચા છે, પક્ષનું મોવડીમંડળ આખરે મત્તું મારશે. 

Panchang

dd