• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા કચ્છમાં મંદિર નિર્માણની જાહેરાત

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 29 : કચ્છના સુખ-દુ:ખના સાથી, કપરા સમયે આ સરહદી જિલ્લાના આંસુ લૂંછનાર મણિનગર ગાદી સંસ્થાન દ્વારા ભુજ ખાતે શિખરબદ્ધ નૂતન મંદિર નિર્માણની મંગળવારે જાહેરાત કરી નૂતન ઇતિહાસ આલેખવાનું મંગળાચરણ કર્યું હતું. આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી દાનની ગંગા વહી હતી. દરબારગઢ ખાતે કચ્છનું મુખ્ય સ્થાનક ધરાવતા મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ભુજ શહેરના હાર્દસમા વિસ્તારમાં ભૂમિ ખરીદીની પ્રક્રિયા શરૂ કરી હતી તે સાથે આચાર્ય મહારાજ જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજની પ્રેરણા-આશીર્વાદથી દેશ-વિદેશના દાતાઓએ મંગળવારે સાંધ્યસભામાં કરોડોનાં દાનની ગંગા ભગીરથની જેમ ઉતારી દેતાં હરિભક્તોમાં હરખોલ્લાસ વ્યાપ્યો હતો. એક સમયે બળદિયા ખાતેની અબજી બાપા છતરડી ખાતે મંદિર નિર્માણનો સંકલ્પ હતો, કારણ સત્સંગ શિરોમણિ મુક્તજીવન સ્વામીબાપાનું સ્વપ્ન આજે સાકાર થતાં કચ્છના સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળમાં પેઢીઓની આસ્થા પ્રતિઘોષિત થયાની હેલી વરસી હતી. આવતાં વર્ષોમાં ભુજ ખાતે નૂતન પાષાણ ત્રિશિખરીય મંદિર, આવાસ, ઉદ્યાન સહિતની મોટી સુવિધા ઊભી થવાની માહિતી ગાદી સંસ્થાનના વરિષ્ઠ સંત શાત્રી સ્વામી ભગવતજીવનદાસજી સ્વામીએ કચ્છમિત્રને આપી હતી. દેશ-વિદેશના હજારો હરિભક્તોની હાજરીમાં આચાર્ય સ્વામીજી મહારાજે મોટી જાહેરાત કરી કચ્છનું આસ્થાધરી કેન્દ્ર સર્જવાની લાગણી દર્શાવી હતી. આ મંદિરના નિર્માણ સાથે કચ્છ સ્વામિનારાયણ સંપ્રદાયનો મહાકુંભ બની શકશે. એકબાજુ મોટાં મંદિર, બીએપીએસ સહિત અન્ય સંસ્થાઓ પણ સત્સંગ વિકાસ કરી ચૂકી છે ત્યારે ગાદી સંસ્થાનનું મંદિર અજોડ રીતે ઊભું થશે તેવી વિગતો અપાઇ હતી. ગાદી સંસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી કીર્તિ વરસાણી, મંદિર સમિતિના ટ્રસ્ટીઓ, મુખ્યદાતાઓમાં માધાપરના વેલજીભાઇ ઝીણા ગોરસિયા પરિવાર, લાલજીભાઇ ભીમજી સેંઘાણી પરિવાર ઉપરાંત દેશ-વિદેશના અનેક દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાન દ્વારા વિશ્વભરમાં અનેક મંદિરો, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ સહિત વિશાળ સંકુલોનાં નિર્માણ થયાં છે તેમાં કચ્છનું સર્જન વિશ્વને આકર્ષે તેવું-તેટલું સર્જાવા સાથે જીવનપ્રાણ અબજી બાપાની અવતાર ભૂમિ અમરત્વ પામશે તેવી લાગણી સર્વે સંતોએ દર્શાવી હતી. 

Panchang

dd