• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

સામખિયાળીમાં જુગાર રમતા ચાર ખેલી ઝડપાયા

ગાંધીધામ/ભુજ, તા. 29 : ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે જાહેરમાં પત્તા ટીંચતા ચાર ખેલીઓને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 35,100 જપ્ત કર્યા હતા. બીજી તરફ ભુજમાં ગઇકાલે મધ્ય રાત્રે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ખેલીને એલસીબીએ ઝડપી લીધા હતા. જ્યારે નલિયામાં પણ પત્તા ટીંચતા ચાર જુગારી ઝડપાયા હતા. સામખિયાળીના મહેસાણા નગર વિસ્તારમાં બાવળની ઝાડી પાસે આવેલી શેરીમાં આજે વહેલી પરોઢે અમુક શખ્સો પત્તા વડે નશીબ અજમાવી રહ્યાં હતાં તેવામાં અચાનક પોલીસ આવી પહોંચી હતી અને અહીંથી શૈલેષ વિરમ કોળી (મકવાણા), રણજીત વિરક કોળી (મકવાણા), પ્રવિણ મોઇન કોળી (મકવાણા) તથા જયસુખ રામજી કોળી (તાલાણી) નામના શખ્સોને ઝડપી પાડયા હતા. અહીં ગંજીપાના વડે જુગાર રમતા અને પોલીસના હાથે ઝડપાયેલા આ શખ્સો પાસેથી રૂા. 35,100 હસ્તગત કરવામાં આવ્યા હતા. દરમ્યાન ગઇકાલે રાત્રે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ઇકરા સ્કૂલ પાસે આશાપુરા નગરીમાં રહેતા સુલતાન નુરમામદ સિદીના રહેણાંક આગળના આંગણામાં ગંજીપાના વડે તીન પત્તીનો જુગાર રમાઇ રહ્યો છે. બાતીમના પગલે અડધી રાત્રે દરોડો પાડતા જુગાર રમતા સુલતાન ઉપરાંત ઇકબાલ મામદ ખત્રી, જુશબ વલીમામદ સુમરા (રહે. ત્રણે ભુજ)ને રોકડા રૂા. 19,050ના મુદ્માલ સાથે ઝડપી એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. બીજી તરફ નલિયાના મફત નગરમાં કિશન કેશુભાઇ રાજગોરના ઘરના ખુલા આંગણામાં આજે સાંજે ગંજીપાનાવડે જુગાર રમતા કિશન ઉપરાંત કારુભાઇ વિશન દેવીપૂજક, જગદીશ સોમાભાઇ દેવીપૂજક, ચુનીલાલ જેસલભાઇ દેવીપૂજક (રહે. તમામ મફતનગર, નલિયા)ને રોકડા રૂા. 10,260ના મુદ્માલ સાથે નલિયા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

Panchang

dd