ગાંધીધામ, તા. 29 : આ શહેર અને સંકુલમાં ગુનેગારો
બેફામ બન્યા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. આદિપુરમાં એક મહિલાએ કારચાલક વેપારી પાસેથી
લિફ્ટ માગી પોતે પરેશાન હોવાનું કહી આગળ જઇ પોતાના સાગરિતને બોલાવી આ વેપારી પાસેથી
રૂા. 2,45,000ની મતાની છરીની અણીએ ધોળા દિવસે
લૂંટ ચલાવી હતી. વરસામેડીની બાગેશ્રી ટાઉનશિપ-બેમાં રહી ગાંધીધામ સુભાષનગર પાસે ડી.સી.-બેમાં
ગુપ્તા પ્લાયવૂડ નામની દુકાન ચલાવતા શનિ ગુપ્તા જોગીન્દ્ર પાલ ગુપ્તા નામનો યુવાન વેપારી
આ બનાવનો ભોગ બન્યો હતો. આ વેપારી ગત તા. 19/4ના બપોરે કાર નંબર એચઆર-05-એઝેડ-6170 લઇને પોતાના
ઘર બાજુ જવા નીકળ્યો હતો. આ ફરિયાદી આદિપુરમાં નર્મદા ભવન પાસે પહોંચતાં અચાનક ગાડી
આગળ મોઢે દુપટ્ટો બાંધેલી 25થી 30 વર્ષીય એક મહિલા આવી ગઇ હતી, જેથી ફરિયાદી યુવાને કેમ આવું કર્યું તેવું
કહેતાં મહિલા રડવા લાગી હતી અને ખૂબ પરેશાન છું. મારી પાસે ભાડાંના પૈસા નથી,
મને ઘરમાંથી કાઢી મૂકી છે અને જુમાપીર ફાટક ઉતારી દેવાનું કહેતાં વેપારીએ
માનવતા બતાવી તેને ગાડીમાં બેસાડી હતી અને જુમાપીર ફાટક આગળ મેદાન પાસે પહોંચી ઊતરી
જવાનું કહ્યું હતું. દરમિયાન, રસ્તામાં મહિલાએ કોઇને ફોન કર્યો
હતો. મેદાન પાસે ગાડી ઊભી રહેતાં એક શખ્સ બાઇક લઇને ત્યાં પહોંચી ગાડીમાં પાછળ બેસી
ગયો હતો અને છરી કાઢી વેપારીનાં ગળાં પર છરી રાખી દીધી હતી અને તેણે પહેરેલી સોનાની
ચેન ખેંચી લીધી હતી. વેપારીએ ગાડીને ટેસ આપતાં ગાડી ભગાડી હતી અને ત્યાં મેદાનમાં ક્રિકેટ
રમતા છોકરાઓને રાડારાડ કરી બોલાવતાં તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને એક મહિલા,
શખ્સે પોતાને લૂંટી લીધો હોવાની વાત કરી હતી. આ બંને ગાડીમાંથી ઊતર્યા
બાદ આરોપી શખ્સે ફરિયાદીનો મોબાઇલ તેની સામે ફેંક્યો હતો અને મારા વિશે કિડાણામાં કોઇને
પૂછી લેજે કે કાસમ ચાવડા કોણ છે. ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આવા કેટલાય ગુના મારા પર દાખલ થયેલા છે, તેવી ધમકી આપી હતી. દરમ્યાન
ફરિયાદીએ આ શખ્સની બાઇક નંબર જીજે-39-એચ-6552ના તથા આ
બંનેના ફોટા પાડી લીધા હતા. આ બેલડીએ વેપારી યુવાન પાસેથી સોનાની ચેન, રોકડ રૂા. 15,000 એમ કુલ 2,45,000ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.
10 દિવસ અગાઉ બનેલા આ બનાવ અંગે
આજે પોલીસે ગુનો નોંધતાં અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા. ધોળા દિવસે લૂંટના આવા બનાવને
પગલે ભારે ચકચાર પ્રસરી હતી.