નેપાળમાં ઝેન-જી વિદ્રોહમાં સત્તા પલટો થયા બાદ લોકશાહી ઢબે
યોજાયેલી ચૂંટણીમાં એક સમયના વિદ્યાર્થી નેતા બાલેન વિજેતા થયા અને રાષ્ટ્રની બાગડોર
સંભાળી ત્યારે ઉમ્મીદ જાગી કે, હવે આ હિમાલયન રાષ્ટ્રના સુખ-શાંતિના દિવસો
પાછા આવશે, પરંતુ એવું બન્યું નથી. બાલેન શાહે નવી સરકાર રચી
એને એક મહિનો માંડ થશે ને બબ્બે મંત્રીએ રાજીનામાં ધરી દેતાં સરકારના અનુભવ અને પરિપકવતા
મુદ્દે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. બાલેન શાહ સરકારમાં શ્રમમંત્રી દીપકકુમાર શાહે
પત્નીને સ્વાસ્થ્ય બોર્ડમાં સભ્ય નિયુક્ત કરતાં સૌના ભવાં તંગ થયાં હતાં અને દીપકકુમારનું
રાજીનામું લઇ લેવાયું ત્યારે વડાપ્રધાનની કડકાઇની પ્રશંસા થઇ હતી. એ પછી 26 દિવસના ગાળામાં બીજા મંત્રીએ
પણ પદ ત્યાગ કર્યો છે. કાળા નાણાંને સફેદ કરવામાં સંડોવાયેલા વિવાદાસ્પદ વ્યવસાયી દીપક
ભટ્ટ સાથે ધંધામાં ભાગીદારી, કમાણી
જેવા આક્ષેપો થતાં ગૃહમંત્રી સુડાન ગુરુંગે રાજીનામું આપી દીધું છે. ગુરુંગ સામે વિરોધ
પ્રદર્શન-દેખાવો શરૂ થયા હતા. ભ્રષ્ટાચાર બદલ પોલીસ ફરિયાદ નોંધીને ધરપકડ કરવાનીયે
માગણી ઊઠી હતી. એક તબક્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજીનામું દેવાનો ઇન્કાર કર્યા
પછી ગુરુંગે અચાનક પોતાનું રાજીનામું વડાપ્રધાનને પાઠવી દીધું હતું. આ બે ઘટના પછી
બાલેન શાહ સરકારની સ્વચ્છ છબી પર ડાઘ લાગ્યો છે. જનતાનો વિશ્વાસ તૂટે એ સારી વાત નથી. અહીં એ નોંધનીય છે કે, નેપાળમાં છાત્ર આંદોલન થયું અને એક પછી એક નેતાઓને ઘરભેગા કરાયા. તેમની સંપત્તિને
નુકસાન પહોંચાડવામાં આવ્યું એ આક્રોશની ભીતર ભ્રષ્ટાચાર અને સગાવાદ જ કારણભૂત હતો.
બાલેન શાહને સત્તા સોંપ્યા પછી નવી સરકારમાં એવું જ ચાલતું હોય તો તે ઘોર નિરાશાજનક
છે. ઝેન-જી આંદોલન દરમ્યાન સુડાન ગુરુંગની છબી ઓલી સરકારને દૂર કરવામાં ચાવીરૂપ ભૂમિકા
ભજવનાર નેતા તરીકે ઊપસી હતી. નેપાળમાં રાજાશાહીનો અંત આવ્યા પછી જેટલી સરકારો આવી એ
બધાની કાર્યરીતિ અને ભ્રષ્ટાચારથી જનતા ત્રસ્ત થઇ ચૂકી છે. આંદોલન દરમ્યાન ઓલી મારપીટમાંથી
માંડ બચ્યા અને ભાગીને સૈન્ય કેમ્પમાં ભરાઇ ગયા હતા. લગભગ તમામ પક્ષના નેતા-તેમના પરિવારજનોએ જનતાના ક્રોધનો ભોગ બનવું પડયું હતું. એ હિંસક આંદોલનમાં
76 જેટલા યુવાનોએ જીવ ગુમાવ્યો
હતો અને કાઠમંડુમાં મહત્ત્વપૂર્ણ ઇમારતો, માલ અને હિલ્ડન જેવી અબજો રૂપિયાની હોટેલોને આગને હવાલે કરી દેવામાં આવી હતી.
ચોમેર રાજકીય અફરાતફરી વચ્ચે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ સુશીલા કાર્કીના નેતૃત્વમાં
વચગાળાની સરકારની રચના થઇ. સરકારે છ મહિનામાં દેશમાં ચૂંટણી કરાવીને નવી સરકારને સત્તા
સોંપવાનું વચન આપ્યું હતું. અંતરિમ સરકારની રચના અને વડાપ્રધાનની પસંદગીમાં પણ ગુરુંગે
મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ચૂંટણી યોજાતાં જ જનતા બદલાવના મૂડમાં હતી અને રાષ્ટ્રીય
સ્વતંત્ર પાર્ટીને એકતરફી જીત મળી. શપથવિધિ પછી રોજ એક પછી એક ફરમાનોને જનતાએ વધાવી
લીધાં હતાં. ગુરુંગ અને બીજા મંત્રી સામે આંગળી ચીંધાઇ અને સત્તા છોડવી પડી એ બાલેન
સરકાર માટે કડક પગલું જરૂર લેખાશે, પણ ટૂંકાગાળામાં આવા બનાવોથી
બચવું જરૂરી છે. બાલેન શાહે પહેલાં દેશનો પૂરો વિશ્વાસ જીતવો પડશે.