• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

આરસીબી પર લગામ કસવાનો ગુજરાત સામે પડકાર

અમદાવાદ, તા.29 : વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમ આઇપીએલ-2026 પ્લેઓફ દોડમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવા ગુરુવારે ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર આરસીબી અને જીટી વચ્ચેનો મેચ રોમાંચક બની રહેશે કારણ કે અહીંની કાળી માટીની પીચ બેટધરોને વધુ માફક આવે છે. જેથી આ મેચમાં મોટો સ્કોર જોવા મળી શકે છે. જો કે ગુજરાતના બેટધરોએ આરસીબીની કાતિલ બોલિંગથી સાવધ રહેવું પડશે. ભુવનેશ્વર-હેઝલવૂડની જોડીએ પાછલા મેચમાં અદ્ભુત સ્વિંગ બોલિંગ કરી દિલ્હી કેપિટલ્સની કમર તોડી નાખી હતી.  આરસીબીના 8 મેચમાં 6 જીતથી 12 અંક છે અને નેટ રન રેટ સૌથી વધુ 1.919 છે. પંજાબ કિંગ્સ પછી તે પોઇન્ટ ટેબલ પર બીજાં સ્થાને છે જ્યારે ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન આ સીઝનમાં ઉપર-નીચે થતું રહે છે. તેને 8 મેચમાં 4 જીત અને 4 હાર મળી છે. આથી તે પોઇન્ટ ટેબલ પર પાંચમા સ્થાને ફસાયેલી છે. તેનો નેટ રન રેટ પણ માઇનસમાં ચાલી રહ્યો છે. પ્લેઓફની રેસમાં આગળ વધવા માટે શુભમન ગિલની ટીમે હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવીને આરસીબીની વિજય રફતાર બ્રેક મારવી પડશે. ટાઇટન્સે પણ તેના પાછલા મેચમાં સીએસકેને હાર આપી છે. આરસીબીએ પાછલા મેચમાં દિલ્હી વિરુદ્ધ ફક્ત પાંચ ઓવરની અંદર 9 વિકેટે જીત મેળવી હતી. આ વિજયથી તેનો આત્મવિશ્વાસ આકાશને આંબી રહ્યો છે. વિરાટ કોહલી સહિતના તેના તમામ મુખ્ય બેટધરો અને બોલરો શાનદાર ફોર્મમાં છે.  

Panchang

dd