તંત્રી સ્થાનેથી.. દીપક માંકડ : પહેલી મેના ગુજરાતનો સ્થાપના દિવસ. એના
બે દિવસ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કેસરિયો
લહેરાવીને જાણે આગોતરી ઉજવણી કરી છે. મતદારોનો મિજાજ છે જય જય કેસરિયો ગુજરાત... મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા પંચાયતો
અને નગરપાલિકામાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું છે. કોંગ્રેસ હંમેશ મુજબ ધોવાઈ ગઈ
છે, તો આમ આદમી પાર્ટીના મનોરથ પર ઠંડું પાણી ફરી વળ્યું છે.
પરિણામોને સંબંધ છે ત્યાં સુધી કચ્છ પણ રાજ્યના પ્રવાહોની સાથે છે. જાહેર થયેલાં પરિણામોમાં
કચ્છ જિલ્લા પંચાયત, ગાંધીધામ મહાનગરપાલિકા ઉપરાંત નવ તાલુકા
પંચાયત અને પાંચ નગરપાલિકા એમ તમામ સંસ્થાઓ પર ભવ્ય વિજય સાથે કબજો જમાવ્યો છે. જિલ્લા
પંચાયતના ઈતિહાસમાં સૌથી વધુ બેઠક સાથે ભાજપે સત્તા મેળવી છે. 40 બેઠક પૈકી ભાજપના ફાળે 34 બેઠક આવી છે. માંડવી નગરપાલિકાના
ઈતિહાસમાં પહેલી જ વાર તમામે તમામ બેઠક ભાજપને ફાળે ગઈ છે. એક સમયે વિરોધપક્ષનો અવાજ
મજબૂત રાખનારી નગરીએ સુધરાઈને વિપક્ષ વિહોણી કરી નાખી છે. સમય બળવાન છે. જૂના વખતમાં
કોંગ્રેસનું વર્ચસ્વ હતું અને ભાજપ-જનસંઘ વિરોધપક્ષમાં હતા. ગાંધીધામ મહાનગરપાલિકામાં
પ્રથમ ચૂંટણીમાં બાવન પૈકી 41 બેઠક સાથે
પ્રચંડ જીત મળી છે. આ ભવ્ય જીત સાથે મતદારોએ ભાજપ પર ફરી વિશ્વાસ મૂક્યો છે. અલબત્ત, નાગરિકો કેસરિયા પક્ષની કામગીરીથી એકસો ટકા
સંતુષ્ટ છે એવું લગીરે નથી. શહેર કે ગામ સ્તરના પ્રશ્નો પારાવાર છે. દબાણ, રસ્તા, પાણી, ગટર, સાફસફાઈ અંગેની રાવ ઉપરાંત ભ્રષ્ટાચાર જેવાં દૂષ્ણથી કચ્છની નાગરિક સંસ્થાઓને
મુક્ત નથી. કચ્છની જનતા ફરી ફરીને ભાજપ ઉપર જ પસંગદગીનો કળશ ઢોળે છે એની પાછળ નરેન્દ્ર
મોદીનો ચહેરો ઉપરાંત રણનીતિ અને બૂથ વ્યવસ્થાપનની કુશળતા સાથે સબળ વિરોધપક્ષનો અભાવે
કારણભૂત જણાય છે. કચ્છની કુલ 448 બેઠકમાંથી 26 બિનહરીફ થઈ હતી. બાકી 422 બેઠકમાંથી ભાજપના ફાળે 317 બેઠક ગઈ છે. 102માં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. એક આપને, ત્રણ એઆઈએમઆઈએમને પ્રાપ્ત થઈ છે. જિલ્લા અને
તાલુકા પંચાયત પર શાસન જાળવી શકાયું છે. શહેરી મતદારો વસે છે એવી ગાંધીધામ મહાપાલિકા
અને પાંચ નગરપાલિકામાંથી અમુક પરિણામ દિલચશ્પ છે. ભુજમાં ભાજપની બેઠકોમાં ગાબડું પડયું
છે. કુલ 16નાં સંખ્યાબળ
સાથે વિરોધપક્ષે સબળ હાજરી નોંધાવી છે. આ કોઈ સામાન્ય અપસેટ નથી. પાર્ટીના વડેરાઓએ
તેનાં કારણોની ભીતર જઈને ડેમેજ કન્ટ્રોલ કરવો પડશે. ટિકિટ ફાળવણી વખતે પક્ષના વડેરાઓની
મનમાનીનું પરિણામ સારું ન આવે. જનતાએ ભાજપને ચેતવણી આપી છે કે, જરૂર પડયે બીજા વિકલ્પ અજમાવી શકાય તેમ છે. ભાજપના શાનદાર દેખાવ પર થોડા દિવસ ઉજવણીના દોર ચાલશે.
પ્રમુખ, કારોબારી અને સમિતિઓની નિમણૂક થશે એ પછી નવા ચૂંટાયેલા
પદાધિકારીઓ શાસન સંભાળશે. તેમ છતાં ભાજપના નેતાઓ માટે પણ આંતરખોજનો, પરીક્ષાનો કઠિન સમય અહીંથી શરૂ થશે. મતદારોએ મૂકેલો અપાર વિશ્વાસ સાર્થક ઠેરવવો
પડશે. મતદાનની પેટર્ન જોઈએ તો જ્ઞાતિવાદના ધોરણે મતો પડયા છે. ક્રોસ વોટિંગ થયું છે.
એની ભીતરમાં આંતરિક હુંસાતુસી અને અંટસ પણ જવાબદાર હોવાનું સમજાય છે. ભવ્ય જીતમાં નાના
ગુણદોષ-ભૂલો તરફ આંખમિંચામણા થઈ જતા હોય એ સ્વાભાવિક છે. કચ્છમાં ભાજપની આણ વર્તાવામાં
સફળતા બદલ ટીમ કચ્છ ભાજપને અભિનંદન આપીએ. કચ્છમાં ચૂંટાયેલા ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને અન્ય પક્ષના તમામ વિજેતાઓને અભિનંદન
આપવાની સાથે એટલું જ કહેવાનું કે, લોકોએ ચૂંટીને ભરોસો મૂક્યો
છે એ જાળવીને જનતાની સેવામાં લાગી જજો. એક વર્ષમાં જ ગુજરાતની વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની
છે એ રખે ભુલાતું.