ભુજ, તા. 4 : અહીં ટેક્નોલોજી અપનાવવાનો
સંદેશ પણ અપાય છે, તો પ્રકૃતિના
ખોળે ખેતીની શીખ પણ અપાય છે. એકવાર મુલાકાત લેશો તો એવું ઘણું જાણવા મળશે, જેની જાણ નહીં હોય, તેવું કિસાનોને આહ્વાન કરતાં હાઇટેક
કૃષિ મેળાની મુલાકાત લેનાર ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું
હતું. નર્મી-કચ્છમિત્ર યોજિત કૃષિ મેળાના મુખ્ય પ્ર્રાયોજક એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝને
ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કરતાં શ્રી છાંગાએ આ કૃષિપોષક પહેલની પ્રશંસા કરી હતી.
ગુજરાત સરકારમાં કચ્છનું મજબૂત પ્રતિનિધિત્વ કરતા કેળવણીકાર નેતાએ કહ્યું હતું કે,
ઓટોમેશન, ડ્રોન જેવી ટેક્નોલોજી તેમજ કેસર કેરી,
અંજીર જેવા પાકોના અવનવા પ્રયોગો ખેડૂતોને કંઇક નવું કરવાની પ્રેરણા
આપે છે. નર્મીના અધ્યક્ષ પ્રશાંત પટેલ, કાંતિલાલ વેલાણી સહિત
સભ્યોએ રાજ્યમંત્રીને આવકાર્યા હતા. આ અવસરે ભાજપ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પાચાણી, મહામંત્રી રવીન્દ્ર ગામી, વિરમભાઇ આહીર, ઉપપ્રમુખ ધીરજ રૂડાણી, મંત્રી કિરણ ભાનુશાલી, વિલ્સડન મંદિરના પ્રમુખ કરશનભાઇ
જેસાણી, રાજકીય, સહકારી અગ્રણી વાડીલાલ
પી. પોકાર સહિત આગેવાનો જોડાયા હતા.