ગાંધીધામ, તા. 4 : તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીની તારીખો જાહેર
થઈ છે, જેમાં કચ્છની સૌપ્રથમ મહાનગરપાલિકા બનેલી ગાંધીધામ મહાપાલિકાની પ્રથમ બોડીને શહેરીજનો ચૂંટશે. આઝાદી બાદ અસ્તિત્વમાં
આવેલાં ગાંધીધામ શહેરની સ્થાપના સમયથી જ કચ્છની
મોટી નગરપાલિકા રહેલી ગાંધીધામ નગરપાલિકામાં સત્તા માટે ઘણી ઊથલપાથલ ભરી રહી છે. એક સમયે તો પ્રમુખ બનેલા વિપક્ષના ઉમેદવારને હટાવવા ભાજપ અને
કોંગ્રેસે સાથે મળીને આ કામગીરી કરી હતી. - 25 બેઠકની પાલિકા : 1959માં રચાયેલી નગરપાલિકામાં શરૂઆતના તબક્કામાં કોંગ્રેસ ઉપરાંત
જનસંઘ અને સર્વોદય ગ્રુપના સભ્યો નગરપાલિકામાં ચૂંટાયા હતા, તે સમયે પાલિકાની 25 જેટલી બેઠક હતી. 70 અને 80ના દાયકામાં
નગરપાલિકામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષની બેઠકો વચ્ચે સાવ જ ઓછું અંતર રહેતું હતું. 1983માં જે-તે વખતે પ્રમુખની મુદ્દત
નગરપાલિકા બોર્ડ દ્વારા જ નક્કી કરાતી હતી, જેથી જે-તે સમયે કોંગ્રેસના નંદ હિંગોરાણી પ્રમુખ બન્યા હતા. - ધીરુભાઈ શાહ પ્રમુખ : આ દરમ્યાન પ્રમુખ પદ માટેની ખેચતાણનો લાભ
લઈને ભાજપના ધીરુભાઈ શાહે કોંગ્રેસના ત્રણ
સભ્યનો ટેકો મેળવ્યો હતો અને ત્રણ સભ્યના ટેકાથી 1984માં ભાજપના પ્રમુખ બન્યા,
ત્યાર બાદ બોર્ડ દ્વારા પ્રમુખની મુદ્દત ચાર વર્ષ કરાતાં ભાજપના પ્રમુખ
ચાર વર્ષ સુધી રહ્યા ત્યાર બાદ 1988માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી ત્યારે બોર્ડ દ્વારા પ્રમુખની મુદ્દત પાંચ વર્ષ કરાતાં પાંચ વર્ષ ભાજપના જ પ્રમુખ રહ્યા, ત્યાર બાદ મહત્તમ ભાજપની જ સરકાર નગરપાલિકામાં
બની છે. - '93ની રસપ્રદ ચૂંટણી : 1993માં ભાજપને 18 અને કોંગ્રેસને 17 બેઠક મળી
હતી. ભાજપનું શાસન આવ્યું, પરંતુ ભાજપના
પુષ્પેન્દ્ર શર્માએ કોંગ્રેસમાથી ફોમ ભર્યું અને પ્રમુખ પદ મેળવ્યું. તેમની સામે અવિશ્વાસની
દરખાસ્ત લાવવા માટે ભાજપ અને કોંગ્રેસ ભેગા થયા હતા અને બોર્ડમાં અવિશ્વાસની દરખાસ્ત
પસાર કરાવી હતી અને જે-તે સમયે દરખાસ્તમાં
સહયોગ આપનારા કોંગ્રેસના શૈલન્દ્રસિંહ જાડેજાને કારોબારી ચેરમેનનું પદ આપવામાં આવ્યું
હતું. જો કે, એક વર્ષ
બાદ તેઓ પરત કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ગાંધીધામમાં બે વોર્ડમાં બસપાના છ સભ્ય જીતતા હતા. આ વચ્ચે 90ના દાયકામાં ઉત્તરપ્રદેશની ફોર્મ્યુલા ઉપર
બસપાના ટેકો મેળવીને ભાજપે સત્તા મેળવી હતી. આ દરમ્યાન બસપાના જયશ્રીબેન ચાવડાને પ્રમુખ બનાવાયાં હતાં. - ભાજપનું વર્ચસ્વ : ત્યાર બાદ નગરપાલિકામાં ભાજપનું શાસન મજબૂત
બની રહ્યું છે. વર્ષ 2000 બાદ રાજ્યમાં
ભાજપની સરકાર બન્યા બાદ નગરપાલિકામાં ભાજપને રાક્ષસી બહુમતી જ આવતી રહી છે અને વિપક્ષના
ફાળે સિંગલ ડિજિટમાં જ બેઠકો આવે છે. 2010માં કોંગ્રેસને 11 બેઠક આવી
હતી. ત્યાર બાદ બેઠકોમાં ઘટાડો થયો છે. 2015માં સાત અને છેલ્લી બોડીમાં
વિપક્ષના ફાળે માત્ર પાંચ બેઠક જ હતી.