નવી દિલ્હી, તા. 4 : ભારતીય રિઝર્વ
બેંક (આરબીઆઇ) ખાતાધારકોનાં હિતમાં એક મોટી વ્યવસ્થા પર કામગીરી શરૂ કરી દીધી છે. નવી
વ્યવસ્થા મુજબ હવે બેંક ખાતાધારકો એકાઉન્ટ નંબર બદલ્યા વગર મોબાઈલ નંબર પોર્ટની જેમ
બેંક બદલી શકશે. આરબીઆઈની આ યોજના બેન્કિંગ ક્ષેત્રમાં એક મોટો ફેરફાર ગણવામાં આવી
રહ્યો છે. જો આ યોજના શરૂ થશે તો અનેક બેંક ખાતાધારકોને મોટી રાહત મળશે. બેંક ખાતાધારકો પોતાની ઈચ્છા મુજબ ખાતાં નંબર બદલ્યા
વગર સરળતાથી બેંક બદલી શકે અને બેંક બદલતાં જ આપોઆપ બધુ ટ્રાન્સફર થઈ શકે તે અત્યાધુનિક
સિસ્ટમ પર આરબીઆઇએ કામગીરી શરૂ કરી દીધી છે. પેમેન્ટસ વિઝન 2028 હેઠળ ગ્રાહકોને પોતાની મરજી
મુજબ બેંક પસંદ કરવાની આઝાદી મળી શકે તે હેતુથી આરબીઆઈએ નવી વ્યવસ્થા પર વિચારણા શરૂ
કરી દીધી છે. આનાથી બેંકોમાં સ્પર્ધા પણ વધશે અને તેનાં કારણે ગ્રાહકોને સારી સેવા
પણ મળશે. હાલના સમયમાં જો કોઈ ગ્રાહકે બેંક
બદલવી હોય તો તેમને નવો બેંક એકાઉન્ટ નંબર આપવામાં આવે છે, ત્યારબાદ દસ્તાવેજની પ્રક્રિયા શરૂ થાય છે,
જેમાં ઘણો સમય વેડફાઈ જાય ખાતા નંબર બદલ્યા વિના છે. આમાં ગ્રાહકોએ પોતાની
નવી બેંક વિગતોમાં પગાર, હોમ લોનના હપ્તા, મ્યુચ્યુઅલ ફંડ (એસઆઇપી), વીમા પ્રીમિયમ, ગેસ સબસિડી અને વીજળી-પાણી બિલની ચૂકવણી
સહિતની પ્રક્રિયા માટે વિગતો અપડેટ કરવી પડે છે. ઘણીવાર માહિતી ખોટી હોવાનાં કારણે
ચૂકવણી રદ થઈ જાય છે અને ગ્રાહકને માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. રિઝર્વ
બેન્કની નવી યોજના મુજબ ગ્રાહકનો વર્તમાન બેંક એકાઉન્ટ નંબર કાયમી બની જશે,
જ્યારે ગ્રાહક બેંક પોર્ટ કરાવશે તો નવી બેંક ગ્રાહકના જૂના એકાઉન્ટ
નંબરને પોતાની સિસ્ટમમાં સામેલ કરી દેશે. રિઝર્વ બેંક એ સુવિધા માટે એક સેન્ટ્રલ પ્લેટફોર્મ
તૈયાર કરી રહ્યું છે. તેમાં ગ્રાહકોના તમામ ઓટો-પેમેન્ટ્સ ઓપ્શન, ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ અને બિલ ચૂકવણીની માહિતી સુરક્ષિત રહેશે, જ્યારે ગ્રાહક બેંક બદલશે તો તેના એકાઉન્ટ સંબંધી તમામ બાબતો આપોઆપ નવા બેંકમાં
ટ્રાન્સફર થઈ જશે. આ સિસ્ટમ લાગુ થયા બાદ બેંકોની મનમાની પણ સમાપ્ત થઈ જશે. જો કોઈ
બેંક ગ્રાહકોને સારી સેવા પૂરી ન પાડે અને બિનજરૂરી ચાર્જ વસૂલે તો ગ્રાહક કોઈ પણ ચિંતા
કર્યા વગર પોતાનો એકાઉન્ટ અન્ય બેંકમાં પોર્ટ કરાવી શકે છે. આનાથી દેશની બેન્મિંગ સિસ્ટમમાં
પારદર્શીતા આવશે અને ડિજિટલ ટ્રાન્જેક્શન પણ મજબૂત થશે.