ભુજ, તા. 4 : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની
સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ કચ્છ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ
થઈ ચૂક્યો છે. જિલ્લા, તાલુકા પંચાયતો
અને નગરપાલિકાની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન
થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. આ અનુસંધાને કચ્છ કલેક્ટર કચેરીના
સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી
સંભાળતા રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર,
નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું
કે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન થાય તેમજ તમામ વિભાગો દ્વારા સૂચારું સંકલન
સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. તેમણે ચૂંટણી પ્રક્રિયા
દરમિયાન આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ સુનિશ્ચિત કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. ચૂંટણી
વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ તેમજ માનવબળ વ્યવસ્થાપન, ઉમેદવારી પત્રોની
રજૂ કરવાની પ્રક્રિયા સંચાલન, ઉમેદવારી પત્રોની ચકાસણી,
પ્રતીક ફાળવણી, નામાંકન રદ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ,
પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટારિંગ,
ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મહત્ત્વના
મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે
માટે જરૂરી કાયદાકીય જોગવાઈઓની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ચૂંટણી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા અને જરૂરી
માહિતી નાગરિકો સુધી પહોંચાડવા માટે મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન
અને તથા સ્વીપ અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને સચોટ
ફરિયાદ નિવારણ વ્યવસ્થા અંગે યોગ્ય આયોજન કરવા જણાવાયું હતું. ચૂંટણી પ્રક્રિયામાં
જોડાનારા પાલિંગ સ્ટાફને તાલીમ, દિવ્યાંગ, કસ્ટમાઈઝ્ડ કિટ અને તાલીમ આયોજન અંગે પણ નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન
પૂરું પાડવામાં આવ્યું હતું.