• રવિવાર, 05 એપ્રિલ, 2026

`પોઝીટીવ' ડાયાલીસીસ મશીન મુંદરામાં

મુન્દ્રા, તા.  4 :  પોર્ટની સાથે સાથે વધતો ઔદ્યોગિક વિકાસ અને વસ્તી ઝડપી વધે છે તેવા મુન્દ્રા શહેરમાં સરકારી સ્તરે આરોગ્યની અપૂરતી સુવિધાઓની વારંવાર ઉઠતી ફરિયાદો વચ્ચે અહીંની સીએચસી સ્તરની હોસ્પિટલમાંથી સારા સમાચાર આવ્યા છે. લગભગ 10 વર્ષ પછી આ સરકારી હોસ્પિટલને સર્જનની સેવા મળતી શરૂ થઈ છે અને ગત અઠવાડીયા પહેલાં જ એક ગાંઠનું જટિલ ઓપરેશન સફળ થયું હતું. આ સાથે ગાયનેકની જગ્યા પણ ભરાઈ ગઈ છે તેમજ ડાયાલિસિસ માટે `પોઝિટિવ' મશીનની સુવિધા મળી છે. જે કચ્છભરમાં આ પ્રકારની બીજી સુવિધા છે. જોકે, સોનોગ્રાફી મશીનની ઉણપ હજુ યથાવત છે અને વધતી જરૂરિયાતોને લઈને 'સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ'નો દરજ્જો મળે એવી માગણી હજુ અપૂર્ણ જ છે. - દાયકા બાદ જટિલ સર્જરી : મુન્દ્રા તાલુકામાં પચરંગી વસ્તી સાથે સમગ્ર ભારત વસે છે અને વસ્તી હજુ વધી રહી છે ત્યારે અહીંના સામુહિક આરોગ્ય કેન્દ્રની કચ્છમિત્રએ તાજેતરમાં મુલાકાત લીધી હતી. જ્યાં આ ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં મળતી વિગતો મુજબ, દસ વર્ષ પછી એમએસ સર્જનની જગ્યા  ભરાવા સાથે ડો. જિજ્ઞેશ ફફલની નિમણૂક થઈ છે.  જેઓએ ગત 27મીના જ પ્રથમ આંતરિક ગાંઠનું જટીલ ઓપરેશન  સંપન્ન કર્યું હતું. આ પ્રકારનું મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં લગભગ એક દાયકાના સમય પછીનું પ્રથમ ઓપરેશન સંપન્ન થયું હતું.  આ સાથે ગાયનેક સર્જનની બે મહિનાથી ખાલી રહેલી જગ્યાએ પણ ડો. તીર્થ પટેલની નિયુક્તિ થતાં મહિનાની લગભગ 65 થી 70 જેટલી ડીલેવરીઓ સીએચસી કક્ષાએ થવા સાથે કોથળી કાઢવા જેવી શત્રક્રિયા  થાય છે અને આર્થિક જરૂરિયાતમંદ પરિવારોને લાભ પહોંચે છે. - બેડની સંખ્યા વધવી અનિવાર્ય : જોકે, કેટલાક દર્દીઓએ જણાવ્યું હતું કે સોનોગ્રાફી માટે બહાર જવું પડે છે. સીએચસીના દર્દીઓ હોવાને કારણે એક રિપોર્ટ વિનામૂલ્ય થઈ જાય પરંતુ બાકીમાં તગડી રકમ ચૂકવવી પડે છે અને વધારામાં ધક્કો થાય એ અલગ, સામાન્ય સ્થિતિ સિવાય રોગચાળો કે તાવનો વાસરોકેસો વધતા હોય ત્યારે બેડની સંખ્યા પણ અહીં ઓછી પડતી હોવાનું જાગૃત નાગરિકોએ ધ્યાન દોર્યું હતું. આ સિવાય હોસ્પિટલમાં આઈસીયુની સુવિધા નથી. સર્જરી બાદ અને ક્યારેક ફિઝિશિયનના કેસોમાં વધુ સારવાર માટે ભુજ કે અન્ય ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને મોકલવાની સ્થિતિ સર્જાય છે. - દર્દી - બરદાસીને ભોજન સેવા : મુંદ્રાની સરકારી હોસ્પિટલમાં શુભમ શાપિંગના સુરેશભાઈ ઠક્કર પરિવારના સૌજન્યથી દરરોજ દર્દી તેમજ બરદાસીઓને ભોજન સેવા ઉપલબ્ધ કરાવાય છે. જે ખાસ કરીને બહારગામથી આવતા દર્દીઓ માટે બહુ ઉપયોગી નીવડે છે. આમ તો, આ સરકારી હોસ્પિટલો માટે `રેન બસેરા' નામની સરકારી યોજના છે. જેમાં દર્દીઓને ભોજન સુવિધા હોસ્પિટલમાં પૂરી પડાય છે. પરંતુ, એ યોજનાનો લાભ લેવા માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કે તેથી ઉપરની હોસ્પિટલનો દરજ્જો જરૂરી છે. જોકે, મુન્દ્રામાં શુભમ શીપીંગ દ્વારા દર્દીઓને લાંબા સમયથી આ ભોજન સેવા ઉપલબ્ધ કરાવાય છે, એમ હોસ્પિટલ અધિક્ષક ડો. મંથન ફફલે જણાવ્યું હતું. - ગાંધીધામ પછી મુન્દ્રામાં કચ્છનું બીજું મશીન હોસ્પિટલ : અધિક્ષક : આ સંદર્ભે મુન્દ્રાના વતની અને લગભગ એક દાયકાથી સીએચસી હોસ્પિટલમાં સેવારત અધિક્ષક ડો.  મંથન ફફલનો સંપર્ક કરતાં તેમણે આરોગ્ય તંત્ર દ્વારા સર્જન અને ગાયનેકની નિયુક્ત થઈ ચૂક્યાની વાતને સમર્થન આપતાં ઉમેર્યું કે, ત્રણ  મેડિકલ ઓફિસરની તેમજ ફિઝિશિયન અને ડેન્ટીસ્ટ તબીબની  સેવાઓ તો અગાઉથી જારી જ છે. ફિઝિયોથેરાપીનો પણ મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લે છે.  ડાયાલીસીસના મશીનની પણ સંખ્યા બેમાંથી વધીને ચાર થઈ ચૂકી છે.  જેમાં એક નવું મળેલું મશીન એ 'પોઝિટિવ' મશીન છે. આ  શરૂ થયેલું 'પોઝિટિવ' મશીન એચઆઇવી, કમળો જેવા સંક્રમક દર્દીઓ માટે ઉપયોગમાં લેવાય છે. જેથી સામાન્ય દર્દીઓને અલગ અને ચેપી રોગ વાળા દર્દીઓને અલગ મશીન પર ડાયાલીસીસની સુવિધા આપી શકાય. આ પ્રકારનું પોઝિટિવ મશીન કચ્છમાં ગાંધીધામ બાદ બીજું માત્ર મુન્દ્રાને ઉપલબ્ધ બન્યું છે અને ત્રણ મહિનાથી આ વિશિષ્ટ સેવા જારી છે.  મહિલાઓની ડિલિવરીનો તો મુન્દ્રાની તમામ હોસ્પિટલમાંથી સીએચસીમાં વધુમાં વધુ લાભ લેવાય છે એટલે કે મહિને લગભગ 60 થી 70 ડીલેવરી થાય છે. સોનોગ્રાફીની સેવાના પ્રશ્ને તેમણે કહ્યું કે, દરખાસ્ત મુકાઈ છે અને લોક પ્રતિનિધિઓ દ્વારા પણ પ્રયાસ જારી છે.  બેડની સંખ્યા સંદર્ભે તેમણે કહ્યું કે સીએચસીના સ્તર મુજબ 30 બેડની સંખ્યા છે પણ જો સબ ડિસ્ટ્રિક હોસ્પિટલનો દરજ્જો મળે તો એ મુજબ 100  બેડ ઉભા થઈ શકે અને એ પ્રમાણે સ્ટાફ મહેકમની સંખ્યા પણ વધે. 

Panchang

dd