• રવિવાર, 05 એપ્રિલ, 2026

કોટેશ્વરના પ્રતિબંધિત ક્ષેત્રમાંથી ત્રણ શંકાસ્પદ જબ્બે

ભુજ, તા. 4 : કચ્છ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો હોવાથી દેશની આંતરિક સુરક્ષા માટે સંવેદનશીલ ક્ષેત્ર છે. કચ્છમાં ઔદ્યોગિક અને પર્યટનના વિકાસને લઈને પરપ્રાંતીય ઈસમોની અવર-જવર વધી છે. કચ્છના સરહદી ક્ષેત્રના પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વિના કોઈ જ ન આવે તેની ચુસ્તપણે અમલવારી કરવા તથા ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહીની ઉચ્ચ પોલીસ અધિકારીની સૂચનાનાં પગલે ગઈકાલે એલસીબીએ કોટેશ્વરના બીએસએફના પ્રતિબંધિત ક્ષેત્રમાંથી ત્રણ શંકાસ્પદ ઈસમને ઝડપી લીધા હતા. ગઈકાલે નારાયણ સરોવર વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી કે, કોટેશ્વરના બીએસએફ વિસ્તારમાં ત્રણ ઈસમની હિલચાલ શંકાસ્પદ છે, આથી પંચોને સાથે રાખીને આ ત્રણે ઈસમ રોહિતકુમાર સંતોષ મોદી (રહે. અસના, ઈન્દરવા, ઝારખંડ), અંકિત કમલેશ તિવારી (રહે. ગોપાલપુર, ઉત્તરપ્રદેશ) અને અભિષેક કુમાર રવીન્દ્રસિંહ (રહે. મનકરિયા, બિહાર)ને ઝડપી તેની તલાશી લેતાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આ પ્રતિબંધિત ક્ષેત્રમાં તેઓની હાજરી અંગે પૂછતાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને ગલ્લા-તલ્લા કર્યા હતા. પ્રતિબંધિત ક્ષેત્રમાં કોઈ અધિકૃત અધિકારીની પરવાનગી વિના પ્રવેશ બદલ ત્રણે વિરુદ્ધ નારાયણ સરોવર પોલીસ મથકે ગુનો દાખલ કરાવી આ ત્રણે ઈસમની છાનબીન પોલીસે આદરી છે.  આ કામગીરીમાં એલસીબીના પીએસઆઈ એમ. એમ. શિણોલ, એ.એસ.આઈ. વિકેશભાઈ રાઠવા, હે.કો. લાખાભાઈ રબારી, વિરમભાઈ ગઢવી જોડાયા હતા. - કચ્છની સરહદ પર નાપાક ડોળો ? : શંકાસ્પદ લોકો પકડાવાના બનાવ વધ્યા : કચ્છ દરિયાઈ અને જમીન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતું હોવાથી દેશની આંતરિક સુરક્ષા માટે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. આથી સરહદી ક્ષેત્રના આવા અમુક વિસ્તારમાં જવા પરવાનગી જરૂરી છે. આમ આવા ક્ષેત્રમાં પરપ્રાંતીયની અવર-જવરના બનાવો થોડા દિવસથી વધ્યા છે. આ વચ્ચે ગઈકાલે રાતે કોટેશ્વરના બીએસએફ ક્ષેત્રના આવા જ પ્રતિબંધિત વિસ્તારમાંથી શંકાસ્પદ ત્રણ ઈસમ ઝડપાયા છે, આથી કચ્છની સરહદ પર નાપાક ડોળો મંડરાયાની ચિંતા સેવાઈ રહી છે. ગઈકાલના કોટેશ્વર બનાવ પૂર્વે લખપતના અંતરિયાળ વિસ્તારમાં કાશ્મીરી યુવાનોની ચહલપહલ સામે આવી હતી. આ ઉપરાંત મધ્યપ્રદેશ બાજુના બે સગીર પણ ભુજમાં જ બે સપ્તાહ રોકાઈ તેના મોબાઈલમાં શહેરના પ્રતિબંધિત ક્ષેત્ર તથા પર્યટન સ્થળના વીડિયો ઉતારી સામે પાર મોકલાવ્યાની ચોંકાવનારી વિગતો મધ્યપ્રદેશ પોલીસને ઝડપેલા આ સગીરોના મોબાઈલમાંથી મળી હતી. અગાઉ પણ કાશ્મીરી પરિવારની પણ અવર-જવર મળતાં પોલીસે આવા શંકાસ્પદ ઈસમોને પકડી ઊંડી તપાસ આદરી છે. આમ સમયાંતરે આવા બનાવો સામે આવતાં નાપાક તત્ત્વોનો કચ્છની સરહદ પર ડોળો હોવાની ચિંતા સેવાઈ રહી છે.

Panchang

dd