• રવિવાર, 05 એપ્રિલ, 2026

પુત્રનો મરણદાખલો લેવા ગયેલા પિતાનું અકસ્માતમાં મરણ

ભચાઉ, તા. 4 : ભચાઉથી ગાંધીધામ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર અણુશક્તિ કંપની સામે રોડ ઉપર પડેલા માટીના ઢગલામાં છકડો-રિક્ષા અથડાયા બાદ પલટી મારી જતાં પનારામ શંકરરામ ભીલને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું અને એકને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  આ બનાવ બપોરના અઢી વાગ્યાના અરસામાં બન્યો હતો. કેશારામ ઉર્ફે કિશોરભાઈ મોતીરામ સોલંકી અને હતભાગી પનારામ ભીલ બંને છકડો રિક્ષા નંબર જીજે-07-વાયઝેડ-0126 ભાડે કરીને વિરાત્રા હોટેલ વરસાણા જતા હતા. આરોપી રિક્ષાચાલકે રિક્ષા પૂરઝડપે અને બેદરકારીથી ચલાવતાં રિક્ષા પલટી મારી ગઈ હતી. રિક્ષામાં સવાર પનારામ ભીલનું મૃત્યુ થયું હતું. ભોગ બનનારના પુત્રનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું, તેનો મરણનો દાખલો લેવા ભચાઉ નગરપાલિકામાં આવ્યા હતા.  અઠવાડિયાં પછી પ્રમાણપત્ર અપાશે તેવું કહેતાં બંને પીએમ રિપોર્ટ લેવા સરકારી હોસ્પિટલથી પોલીસ સ્ટેશન ગયા હતા અને ત્યાંથી રિપોર્ટ લઈને બંને રિક્ષામાં બેસીને પાછા વરસાણા હોટેલ જતા હતા, ત્યારે ભચાઉ નજીક અણુશક્તિ કંપની પાસે આ અકસ્માતમાં બનાવો બન્યો હતો. ભચાઉ પોલીસે છકડાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

Panchang

dd