રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : `જો ભારત અને અમેરિકા સાથે મળીને
સફળતા હાંસલ કરે તો એકવીસમી સદીને સમૃદ્ધ અને શાંતિપૂર્ણ બનાવી શકશે, પણ જો આપણે સાથે રહીને સફળ નહીં બનાવીએ તો એકવીસમી
સદી સમસ્ત માનવજાત માટે અંધકારમય બની જશે - એમ મને લાગે છે.' ઉપરોક્ત શબ્દો અમેરિકાના ઉપપ્રમુખ જે. ડી. વાન્સના છે. ટેરિફ સિસ્ટમ અને અમેરિકાનાં
આક્રમણના સંદર્ભમાં એમણે આ શબ્દો કહ્યા હશે, છતાં કેન્દ્રમાં
તો ભારત - અમેરિકાના સહયોગ ઉપર ભાર છે, ત્યારે સ્વાભાવિક રીતે
પાકિસ્તાન આતંકવાદી આક્રમણનો વિચાર કરવો જોઈએ. ન્યૂયોર્કના ટ્વિન ટાવર ઉપર આતંકવાદી
આક્રમણ થયા પછી કોઈ નવા હુમલા થયા નથી, જ્યારે યુરોપ અને કેનેડામાં
પણ ઇસ્લામને બદનામ કરનારા હિંસક આતંકવાદીઓ છે. આજે નહીં, તો આવનારા
દિવસોમાં અમેરિકામાં પણ માથું ઊંચકી શકે છે. આથી અમેરિકાએ વિશ્વમાં આતંકવાદ વિરોધી
કાર્યવાહી કરવી જ પડશે. આનો અર્થ એવો નથી કે આતંકવાદ સામે લડવા ભારત સક્ષમ નથી. ભારત
દૃઢ અને સક્ષમ છે જ, પણ `એકવીસમી સદી અંધારમય બને નહીં, અંધકાર યુગમાં ધકેલાઈ જાય નહીં - તે માટે સહકાર
આપવો જોઈએ.' પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જો ટેરિફનાં નામે વિશ્વને
ઝુકાવી શકતા હોય તો ભારત ટેરરના અંત માટે પાકિસ્તાનને કેમ ઝુકાવી શકે નહીં
? આતંકવાદી પાકિસ્તાનનો બહિષ્કાર
કરવાની હાકલ કેમ કરે નહીં ? આજે વિશ્વનું ચિત્ર અને સંબંધ બદલાયા
છે. ભારતના ભાગલા અને આઝાદી પછી બે મહાસત્તા - અમેરિકા અને સોવિયેત સંઘ સામસામે હતા.
નેહરુએ તટસ્થ વિદેશનીતિનાં નામે સોવિયેત રશિયા સાથે સંબંધ વધાર્યા હતા અને અમેરિકાએ
પોતાની છાવણીમાં પાકિસ્તાનને રાખ્યું હતું. પાકિસ્તાનમાં લોકતંત્ર ખતમ કર્યા પછી લશ્કરી
સરમુખત્યારો પણ અમેરિકાની કઠપૂતળીની જેમ નાચ્યા હતા. હવે ચીનના ઉદય પછી પાકિસ્તાને
પાલક પિતા બદલ્યા છે ! છતાં, અમેરિકાએ દાંત બતાવ્યા પછી ચીન પણ
ભારતને ખુશ રાખવાના પ્રયાસ કરે છે. જમ્મુ - કાશ્મીરમાં આતંકવાદી હુમલા પછી વિશ્વના
દેશોએ આતંકવાદને વખોડીને ભારતના પર્યટકોના પરિવારો પ્રતિ હમદર્દી વ્યક્ત કરી છે પણ
હમદર્દીથી સાંત્વન મળે છે, સલામતી નહીં ! આતંકવાદનું જન્મસ્થળ
પાકિસ્તાન હોવાનું સૌ જાણે છે, તો પાકિસ્તાનનો વૈશ્વિક બહિષ્કાર કેમ થાય નહીં ? રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કર્યા પછી આર્થિક - વ્યાપારી નાકાબંધી જાહેર થઈ
- એવાં પગલાં પાકિસ્તાન સામે પણ લેવાં જોઈએ. સિંધુ નદીનાં જળની ફાળવણીના કરાર 1960માં થયા હતા. તેના અમલ ઉપર
ભારતે રોક લગાવી છે. પાકિસ્તાનને સજા કરવાનો આ નવતર પ્રયોગ છે. નવ વર્ષ સુધી વાટાઘાટ
થયા પછી કરાચીમાં 19મી સપ્ટેમ્બરે
કરાર થયા હતા, જે મુજબ સતલજ, રવિ અને બિયાસ (વ્યાસ) નદીનાં જળ ઉપર માત્ર ભારતનો અધિકાર અને સિંધુ,
જેલમ અને ચિનાબનાં પાણી પાકિસ્તાનને મળી શકે. હવે કરારનો અમલ રોકવામાં
આવ્યા પછી ભારત સિંધુનાં જળનો ઉપયોગ ઠીક લાગે તે રીતે કરી શકે છે. ભારત પાકિસ્તાનને
મળતા જળપ્રવાહ તાત્કાલિક અમલથી બંધ કરી શકે. આ જળપ્રવાહના સંગ્રહ માટે વ્યવસ્થા કરી
શકે. જમ્મુ - કાશ્મીરમાં ભારતના બે જળવિદ્યુત પ્રોજેક્ટનું બાંધકામ જોવાની - તપાસવાની
મનાઈ પાકિસ્તાનને ફરમાવી શકે. આમ છતાં, પાણીનો પુરવઠો તાત્કાલિક
બંધ કરવાની વ્યવસ્થા નથી, પણ હકીકત છે! કુદરતી પ્રવાહ રોકાય નહીં,
તો પણ પાકિસ્તાનના બે જિલ્લામાં ખેતી માટે પાણી નહીં હોય. - ભારત આ નિયંત્રણનો મોરચો ખોલી
શકે છે. : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે
પાકિસ્તાને કલ્પના પણ નહીં કરી હોય એવી સજા મળશે. આતંકવાદીઓને ધરતીના છેડેથી પણ શોધી, પકડીને સજા થશે અને સિંધુનાં જળની વહેંચણીના
કરારનો અમલ રોકવાની જાહેરાત થયા પછી પાકિસ્તાન ધ્રૂજી ઊઠયું છે! હવે વળતી ધમકી આપી
છે કે ભારતનું કદમ યુદ્ધ - લડાઈ તરફ છે ! સિમલા કરાર રદ કરવાની ધમકી આપી છે. આમ,
સશત્ર લડાઈ પહેલાં આવી ડિપ્લોમેટિક - લડાઈ શરૂ થઈ છે, જે અહિંસક હોવા છતાં પાકિસ્તાનને પાયમાલ કરી શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન
અને અન્ય નેતાઓ જાણે છે કે ભારતે પાકિસ્તાનને ત્રણ ત્રણ યુદ્ધમાં હરાવીને નાક કાપ્યું
છે તેથી લડવામાં ભલીવાર નથી. હવે વાટાઘાટની ગુજારીશ કરે છે, પણ
આતંકવાદનો અંત આવે નહીં ત્યાં સુધી સંવાદની શક્યતા નથી. સિંધુનાં જળ પાકિસ્તાનને બંધ
કરવાનો નવતર પ્રયોગ ભારતે કર્યો છે. આ મેઘાસ્ત્ર છે. ભારતની ભૂમિ ઉપર ગંગા અવતરણ થયું.
સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબેટમાં છે - છતાં ભારતની નદી છે. તેના જળપ્રવાહના 80 ટકા પાણી પાકિસ્તાનને આપવાના
કરાર 1960માં નેહરુએ કર્યા હતા. હવે
આ જળસ્રોત બંધ થાય તો પાકિસ્તાનમાં હાહાકાર મચી જાય. ત્યાંની 68 ટકા વસતિ - ગ્રામ્ય વિસ્તારોમાં
છે અને વિશ્વમાં સૂકા - તરસ્યા દેશોમાં પાકિસ્તાન ત્રીજા નંબરે છે. આગામી પાંચ વર્ષમાં
2030માં આ સ્થિતિ વધુ વિકટ થવાનું
અનુમાન છે. સિંધુ, જેલમ અને ચિનાબનાં
જળ મળે નહીં તો ખેતી - ઘઉં અને ડાંગર - ચોખાનાં ઉત્પાદનને મોટો ફટકો પડે. અનાજ ઉત્પાદન
ઘટે, ભાવવધારો થાય તેની સાથે જળવિદ્યુત ઉપર ત્રીસ ટકા કાપ પડે
અને ઉદ્યોગો ઉપર ગંભીર અસર પડે. પાકિસ્તાન માટે અસ્તિત્વનો સવાલ જાગે. વર્ષ 2019માં પણ મોદીએ પાકિસ્તાનને ચેતવણી
આપી હતી કે લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં અર્થાત્ આતંકવાદી હુમલા બંધ કરો, પણ ત્યારે આતંકવાદીઓના માલિકોએ ધમકી આપી હતી
કે તમે પાણી બંધ કરશો તો અમે તમારા શ્વાસ બંધ કરીશું અને લોહી પીવા તૈયાર છીએ ! સિંધુના
જળસ્રોત બંધ કરવાનું એટલું આસાન પણ નથી, છતાં અશક્ય નથી. 2019માં નીતિન ગડકરીએ કહ્યું હતું
કે સિંધુનાં જળ અમે ભારતનાં રાજ્યો તરફ વાળી શકીએ એવી ક્ષમતા છે. તાત્કાલિક પ્રશ્ન
આ ત્રણે નદીના જળસંગ્રહ માટે સરોવર - બંધનો છે. વર્ષાઋતુ દરમિયાન જળપ્રવાહ અગાધ હોય
ત્યારે મુશ્કેલી સર્જાય. 2010માં કાશ્મીરમાં
ભારે પૂર આવ્યાં હતાં. પાકિસ્તાનમાં પણ પૂરનાં પાણી રોકવાની વ્યવસ્થા નથી. ઇંડસ રિવર
સિસ્ટમમાં પાણીને બદલે ભ્રષ્ટાચાર ખદબદે છે. આ વખતે જો ભારત પાણીનું વહેણ છોડે તો પાકિસ્તાન
તબાહ થઈ જાય ! ભારત સલામતી માટે આગળ વધી શકે છે,
પણ ચીન તિબેટમાં સિંધુ અને સતલજ ઉપર ઝડપથી બંધ બાંધીને ભારત સામે પાકિસ્તાનને
રક્ષણ આપે એવી શક્યતા છે. આવી શક્યતા - આશા હોવાથી પાકિસ્તાન કહે છે, પાણી રોકાય તે યુદ્ધની શરૂઆત ગણાશે! આ માટે જ શિમલા કરાર રદ કરવાની ધમકી આપી
છે - શિમલા કરાર 1972માં ઈન્દિરા
ગાંધી અને ભુતો વચ્ચે થયા હતા – ના - યુદ્ધ જેવા કરાર ફોક થાય તો પાકિસ્તાન યુદ્ધ છેડી શકે
- પણ આમ કહેવાની જરૂર નથી - ભારત પાકિસ્તાનની ભાષા સમજે છે અને તેના જવાબ આપવા તૈયાર
છે ! પાકિસ્તાન સામે આ રીતે અહિંસક આક્રમણની શરૂઆત થઈ રહી છે. પાકિસ્તાની સેનાના વડા
જનરલ આસીમ મુનીરે તાજેતરમાં આઝાદી પછી ભારતના ભાગલા ધર્મના આધારે થયા તે - ટુ નેશન
થિયરી -નાં ગુણગાન ગાયાં અને કાશ્મીર પણ આ રીતે અર્થાત્ મઝહબનાં કારણે પાકિસ્તાનને
મળશે - એવી શેખી કરી. આતંકવાદી હત્યારાઓએ લોકોનાં નામ અને ધર્મ પૂછીને હત્યા કરી -
તે ટુ નેશન થિયરીના સંદર્ભમાં છે : હત્યારાઓને હિન્દુધર્મીને મારવા જણાવાયું હતું.
આ પાકિસ્તાનનો હાથ હોવાની સાબિતી છે. પાકિસ્તાનમાં રોટી માટે રમખાણ થયાં છે - ભાવવધારા
સામે બળવાનો પોકાર છે. ટી.વી. ઉપર લોકો - આમઆદમી ભારત અને મોદીનાં ગુણગાન ગાય છે. ભારતના
કાશ્મીરમાં પર્યટન ઉદ્યોગથી લોકોને અમન - અમન છે,
તેની સરખામણી અને ઇર્ષ્યા થાય છે - આ દૃશ્યો પાકિસ્તાની સેનાએ પણ જોયાં
જ હોય. હકીકતમાં ભારત ઉપર ત્રણ ત્રણ વખત આક્રમણ કરીને માર ખાધા પછી પાકિસ્તાની અવામ
- લોકો મજાક ઉડાવી રહ્યા છે. વર્ષ 2024 - ફેબ્રુઆરીની ચૂંટણીમાં પણ સેનાનાં `હેડક્વાર્ટર્સ' દ્વારા ગરબડ થયાના આક્ષેપ છે. સામાન્ય માણસોને
સેનાના યુનિફોર્મ અને નામ ઉપર વિશ્વાસ અને માન હતું, તે છેલ્લાં
ઘણાં વર્ષોથી ગાયબ છે. ઇમરાન ખાને ભ્રષ્ટાચાર સામે જેહાદ જગાવી અને સોશિયલ મીડિયામાં
છવાઈ ગયા, ત્યારે જનરલ મુનીરને ભવિષ્યનો પડકાર - લોકો પાસે `િવકલ્પ'
મળ્યાની ચિંતા શરૂ થઈ. આખરે લોકલાગણી ભડકાવવા અને જીતી લેવા એમણે ઇસ્લામ
અને અલ્લાહનાં નામનો ઉપયોગ કરીને - કાશ્મીર મેળવવા માટે મઝહબનો આશરો લીધો છે ! ભારતના
હિન્દુઓને ટાર્ગેટ બનાવ્યા છે ! સદ્ભાગ્યે કાશ્મીરીઓને હવે ખાતરી થઈ છે કે દુશ્મન પાકિસ્તાન
જ છે. આતંકી હુમલા અને હત્યાના વિરોધમાં જમ્મુ - કાશ્મીર એક દિવસ સજ્જડ બંધ રહ્યું.
પર્યટન ઉદ્યોગને સૌથી મોટો ફટકો પડયો છે. વિપક્ષી છાવણીમાં મમતા બેનરજી અને સંજય રાઉત,
અખિલેશ યાદવને બાદ કરતાં સૌએ કેન્દ્ર સરકારને સમર્થન આપ્યું છે. કોંગ્રેસ
કારોબારીની વિશેષ બેઠકમાં ઠરાવ પસાર થયો, પણ રોબર્ટ વાડરાએ કહ્યું
કે મુસ્લિમોને હેરાનગતિ થાય છે. રસ્તા ઉપર નમાજ અને અજાનની મનાઈ છે, તેનું આ પરિણામ છે ! પાકિસ્તાની આતંકવાદને સજ્જડ જવાબ ભારતના મુસ્લિમ સમાજે
આપવો જોઈએ.