ભુજ, તા. 30 : બોગસ શૈક્ષણિક પ્રમાણપત્રના
આધારે નોકરીએ લાગી જવાના અત્રેની મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીને સંલગ્ન
ભારે ચર્ચાસ્પદ કેસમાં આરોપી સુલેહમહંમદ અનવરહુસેન સુમરા માટે કરાયેલી જામીનની અરજી
અત્રેની ખાસ અદાલતે નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. છેલ્લા લાંબા સમયથી ભારે ચર્ચામાં
રહેલા આ પ્રકરણમાં અત્રેના એ-ડિવિજન પોલીસ મથકમાં ગુનો દાખલ થયા બાદ આરોપીની ધરપકડ
કરાઈ હતી. દરમ્યાન આરોપી સુલેહમહંમદ સુમરા માટે મુકાયેલી ફરી એકવારની જામીન અરજીની
સુનાવણી અહીંની ખાસ અદાલતમાં ન્યાયાધીશ અંબરીશ એલ. વ્યાસ સમક્ષ થઈ હતી, તેમણે બંને પક્ષને સાંભળી, કેસમાં મુખ્ય ભૂમિકા, બોગસ પ્રમાણપત્રના આધારે નોકરી
અને નાણાકીય ઉચાપત સહિતના પરિબળો કેન્દ્રમાં રાખીને જામીન અરજી નામંજૂર કરતો આદેશ કર્યો
હતો. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશભાઈ એ. મહેશ્વરી અને કેસના
ફરિયાદ પક્ષના વકીલ તરીકે જી.એન. ગઢવી રહ્યા હતા.