ભુજ, તા. 30 : કચ્છમાં હાલ વિવિધ તંત્રો દ્વારા
દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ભુજ તાલુકાના માધાપર હાઈ-વેને જોડતા માર્ગ પર રાષ્ટ્રીય ધોરીમાર્ગને
નડતરરૂપ દબાણો હટાવી 800 ચો.મી.થી
વધુ જમીનને ખુલ્લી કરાવાઈ હતી. ભુજથી ધર્મશાળાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હાલ
રસ્તાના વિસ્તૃતિકરણ સાથે ઓવરબ્રીજ નિર્માણ સહિતની કામગીરી ચાલી રહી છે, ત્યારે નેશનલ હાઈ-વે ઓથોરિટી અને અન્ય તંત્રોએ
સાથે મળીને હિતેન ધોળકિયા પ્રાથમિક શાળાની સામેના ભાગે ગણેશ કાંટા પાસે સરકારી જમીનને
દબાણમુકત કરાવી હતી. આ માર્ગે ધંધાર્થીઓએ ઊભા કરેલાં કાચા પાકાં દબાણોને મશીનરી દ્વારા
દૂર કરી દબાણગ્રસ્ત જમીનને ખુલ્લી કરી દેવાઈ હતી. આ વિસ્તારના લોકોના જણાવ્યાનુસાર
દબાણનાં કારણે અહીં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી. આ બાબતે સ્થાનિક લોકોએ
તંત્રવાહકોનું વારંવાર ધ્યાન દોર્યા બાદ અંતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણની ટીમે
અન્ય તંત્રવાહકોને સાથે રાખી 800 ચો.મી.થી વધુની જમીનને દબાણમુકત કરી હતી. રસ્તા પહોળા કરવાની
કામગીરીના ચાલતા ધમધમાટ વચ્ચે આ દબાણ હટાવ ઝુંબેશમાં કિંમતી જમીન ખુલ્લી થતાં હવે વાહનો
નાગોર ફાટક બ્રીજ ઉપરથી સીધા ખાવડા માર્ગે નીકળી શકશે.