• ગુરુવાર, 01 મે, 2025

ભુજમાં ખોરાક-ઔષધ શાખાના લાંચિયા કર્મીને ત્રણ વર્ષની કેદ

ભુજ, તા. 30 : અહીંની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની શાખાના સિનિયર કલાર્ક વિજયભાઈ દયારામભાઈ ભીલ સાડા પાંચ વર્ષ પૂર્વે લાંચ લેતા ઝડપાયા હતા.  આ કેસમાં આરોપી વિજયભાઈને એ.સી.બી. સ્પે. કોર્ટે ત્રણ વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.  આ કેસમાં ફરિયાદ પક્ષે 28  દસ્તાવેજી પુરાવા તથા છ સાક્ષી તપાસીને આરોપી વિજયભાઈ ભીલને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવીને ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 5000 દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ મહિનાની સાદી કેદની સજાનો ધાક બેસાડતો હુકમ સ્પે. (એ.સી.બી.) કોર્ટના જજ શ્રી કાનાબારે ફરમાવ્યો હતો. વર્ષ 2019ના સપ્ટેમ્બર માસના આ કેસની ટૂંક વિગતો મુજબ ફરિયાદી છૂટક કેટરર્સનો ધંધો કરતા હોઈ પોતાના વ્યવસાય અર્થે નવો પરવાનો કરાવા માટે ખોરાક અને ઔષધ નિયમનતંત્ર શાખા ભુજમાં મિત્ર મારફતે અરજી કરી હતી અને તા. 5/11/19ના મિત્ર સાથે બહુમાળી ભવન ખાતેની ખોરાક અને ઔષધ નિયમનતંત્રની કચેરીએ પરવાના બાબતે  તપાસ કરવા જતાં ત્યાં આ કામના આરોપી વિજયભાઈ કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તેમને મળતાં કહ્યું  તમારુ ચલણ ભરાઈ ગયું છે. લાયસન્સ તૈયાર છે અને હાથના ઈશારા વડે રૂા. 5000નો વ્યવહાર કરવો પડશે તેમ કહી લાયસન્સ લઈ જવા વાયદો કરી ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી. ફરિયાદીએ એ.સી.બી. ભુજમાં ફરિયાદ આપતાં લાંચ રુશ્વત ગુનાશોધક શાખાએ છટકું ગોઠવી આરોપી વિજયભાઈને લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા  હતા અને તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ તળે ગુનો દાખલ કરી તપાસના અંતે અદાલતમાં ચાર્જશીટ દાખલ કરતાં આ કેસમાં ધાક બેસાડતો ચુકાદો અપાયો છે.  ફરિયાદ પક્ષે એ.સી.બી. કાયદાના ખાસ સરકારી વકીલ એચ. બી. જાડેજા હાજર રહી સાક્ષી તપાસીને દલીલો કરી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd