નવી દિલ્હી, તા. 30 : પહેલગામમાં
ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા
પરિષદ (યુએનએસસી) ના 7 અસ્થાયી સભ્ય
દેશોના વિદેશ મંત્રીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ભારત હવે પાકિસ્તાનને સંયુક્ત
રાષ્ટ્ર પરિષદમાં ઘેરી રહ્યું છે. દરમિયાન સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ અંગે ભારતના
દાવાને રશિયાએ સમર્થન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પાકિસ્તાન સામે મોરચાની જવાબદારી
વિદેશમંત્રી જયશંકરે સંભાળી છે. તેમણે સ્લોવેનિયા,
પનામા, અલ્જીરિયા, ગ્રીસ,
સિએરા લિયોન, સોમાલિયા, ગુયાનાના
વિદેશ મંત્રીઓ સાથે મંગળવારે અલગ અલગ વાતચીત કરી પહલગામ આતંકી હુમલા અંગે ચર્ચા કરી
હતી. ઉપરાંત અન્ય હંગામી સદસ્યો ડેનમાર્ક, કોરિયા ગણરાજ્ય તથા
પાકિસ્તાન સાથે વાત કરી હતી. પાકિસ્તાને નફટાઈની હદ વટાવતાં સંસદમાં નાયબ પ્રધાનમંત્રી
તથા વિદેશ મંત્રી ઈશાક ડારે શેખી મારી કે તેમણે યુએનએસસીના નિંદા પ્રસ્તાવમાં પહલગામ
હુમલાના જવાબદાર આતંકી સંગઠન ટીઆરએફનું નામ દૂર કરાવ્યું હતું. જયશંકરે યુએનના પ્રમુખ
એન્ટોનિયો ગુટરેસ સાથે પણ વાતચીત કરી પહલગામ હુમલામાં ગુનેગારો, ષડયંત્રકારો તથા મદદગારોને ન્યાયના કઠેડામાં લાવવા પર ભાર મૂક્યો હતો. ગુટરેસ
સાથે વાતચીત બાદ જયશંકરે સોશિયલ માડિયા પર લખ્યું કે, પહેલગામમાં
થયેલા આતંકવાદી હુમલાની સ્પષ્ટ નિંદા કરવા બદલ તેમની સરાહના કરું છું. તેમણે જવાબદારી
નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મૂકયો છે. ભારતના વિદેશ મંત્રીએ યુએનના સભ્ય દેશોના વિદેશ
મંત્રીઓ સાથે વાતચીતમાં આતંકવાદ પ્રત્યે બિલકુલ સહન ન કરવાની ભારતની નીતિથી અવગત કર્યા
હતા. તેમણે આતંકવાદ કોઈ પણ રુપમાં હોય તેને પહોંચી વળવાની જરૂરિયાત અંગે ચર્ચા કરી
હતી. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે દુનિયાના અનેક દેશોનો સંપર્ક કર્યો અને સરહદ
પારના આતંકવાદ અંગે માહિતી આપી હતી. ઉપરાંત અમેરિકા, ફ્રાન્સ,
ઈઝરાયલ, ઈજીપ્ત, જોર્ડન,
ઈટાલી, જાપાન, ઈરાન,
શ્રીલંકા, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા,
યુએઈ અને નેપાળ સહિત દેશોના રાષ્ટ્રપ્રમુખોએ વડાપ્રધાન મોદી સાથે વાત
કરી હુમલાની નિંદા કરી ભારતને સમર્થન આપ્યું હતું.