ગાંધીધામ, તા. 30 : પૂર્વ કચ્છના લાકડિયા તથા ગાંધીધામ
બિ-ડિવીઝન પોલીસે જુદા-જુદા બનાવોમાં જપ્ત કરેલા રૂા. 40 લાખના દારૂ ઉપર બુલડોઝર ફેરવી
દેવામાં આવ્યું હતું. આ દૃશ્ય જોઇને દારૂ પ્યાસીઓના હૃદય કકડી ઊઠયાં હતાં. લાકડિયા
પોલીસે વર્ષ 2024-25 દરમ્યાન દારૂના જુદા-જુદા 10 ગુનાઓમાં જપ્ત કરેલા શરાબનો
નાશ કરવા કોર્ટના આદેશ બાદ આ જથ્થો લાકડિયા વિસ્તારની સરકારી જમીન પર લઇ જવામાં આવ્યો
હતો. અહીં ભચાઉ પ્રાંત જે.આર. ગોહિલ, ડીવાય.એસ.પી. સાગર સાંબડા, પી.આઇ. જે.એમ. જાડેજા,
નશાબંધી આબકારી અધિકારી ડી.આર. ધોબી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ અધિકારીઓની
હાજરીમાં 5458 બોટલ, 141 ટીન બિયર, 388 કવાર્ટરિયા
ઠાલવી દેવાયા હતા. રૂા. 36,84,545ના
આ શરાબ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેના કારણે દારૂની નદી વહી નીકળી હતી.
અને દારૂ પ્યાસીઓનાં હૃદય કકડી ઊઠયાં હતાં. બીજી બાજુ ગાંધીધામ બિ-ડિવિઝન પોલીસે ત્રણ
મહિનામાં દારૂના આઠ ગુનાઓમાં રૂા. 3,02,02,818નો દારૂ ઝડપી પાડયો હતો. કોર્ટની પરવાનગી બાદ અંજાર પ્રાંત એસ.જે.
ચૌધરી, ડીવાય. એસ.પી. મુકેશ ચૌધરી, પી.આઇ. એસ.વી. ગોજિયા, નશાબંધી અધિકારી એ.એસ. ગોહિલની
હાજરીમાં સરકારી જમીન પર લઇ જઇ આ તમામ બોટલો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.