નવી દિલ્હી /ઈસ્લામાબાદ, તા.30 : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગ્યા છે. ગમે ત્યારે નવાજૂનીની આશંકાએ બન્ને દેશ લશ્કરી જમાવટ કરી રહ્યા છે. પાકિસ્તાનને આ વખતે પીઓકે અને કરાંચી ગુમાવવાનો ભય છે એટલે સરહદે સંપૂર્ણ તાકાત સાથે સેના ખડકી દીધી છે. પાકિસ્તાનમાં ભારતના હુમલાનો ગભરાટ તીવ્ર બન્યો છે. સૈન્ય અધિકારીઓ ઉંધામાથે થઈ ગયા છે ,તો નેતાઓ નિવેદનબાજીમાં લાગી ગયા છે. પાકના માહિતી અને પ્રસારણ મંત્રી અનાકરારે મંગળવારની મધ્ય રાત્રે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, ભારત તરફથી 36 કલાકમાં હુમલો કરી શકે છે, તેવી માહિતી ગુપ્ત સૂત્રો પાસેથી મળી છે. પાકિસ્તાને ભારત સાથે જોડાયેલી સરહદો ખાસ કરીને પીઓકેમાં યુદ્ધ વિમાનો ખસેડી હવાઇ સુરક્ષા ઉપકરણો સક્રિય કર્યાં છે. પાકિસ્તાન પાસે મોટાભાગના ચીનનાં શત્રો છે જેને પારખવા સૈન્ય અભ્યાસ હાથ ધર્યો છે. ભારત પણ સ્થાનિકથી આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ અને કૂટનીતિક સમર્થન મેળવવામાં લાગેલું છે. દરમ્યાન પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આશિફે શેખી મારી કે પાકિસ્તાનની સેના પણ જવાબ આપવા તૈયાર છે. સિયાલકોટ અને લાહોર ક્ષત્રોઁમાં રડાર સક્રિય કરાયાં છે. કરાંચીમાં પાકિસ્તાને પોતાની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ એચકયૂ-9/પી સક્રિય કરી છે. કરાંચીમાં ટેન્કો સહિત ભૂમિદળની મોટાપાયે જમાવટ કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાને કાર્યવાહીનો છૂટોદોર આપ્યા બાદ પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે. જેને પગલે પાકિસ્તાનની વાયુદળ હાઈએલર્ટ પર છે. નિષ્ણાતો અનુસાર ભારત જો પાકિસ્તાન પર યુદ્ધ છેડશે, તો આ વખતે કાર્યવાહી મર્યાદિત નહીં હોય. આતંકવાદીઓના ઠેકાણા નેસ્તનાબૂદ કરવા આયોજનબદ્ધ કાર્યવાહી હશે. સંભવિત મુખ્ય લક્ષ્યાંકોમાં હાફિઝ સઈદનું નિવાસસ્થાન, લશ્કરે તોઈબાનું હેડ કવાર્ટર, મસૂદ અઝહરનો ટેરર કેમ્પ અને સેના પ્રમુખ જનરલ મુનીરનું રાવલપિંડી સ્થિત હેડ ક્વાર્ટર, પીઓકેના આતંકી તાલીમ તથા લોન્ચિંગ પેડ હોઈ શકે છે. જનરલ મુનીર પહેલાં આઈએસઆઈના ચીફ હતા અને પુલવામા તથા પહેલગામ હુમલામાં તેમની સંડોવણીની આશંકા છે. પાક.મંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી કે, ભારત તરફથી કોઈ આધાર પુરાવા વિના ખોટા આરોપોને આધારે પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની યોજના ઘડાઈ રહી છે. પાકિસ્તાન કોઈ પણ હુમલાનો નિર્ણાયક જવાબ આપશે. તેમણે આરોપ લગાવ્યો કે, ભારત ખૂદને જજ, જ્યુરી અને જલ્લાદ માનવા લાગ્યું છે. તેનું આવું વલણ બેજવાબદાર છે.