• રવિવાર, 16 જૂન, 2024

રાજ્યો પાણીની ફાળવણીને રાજકીય મુદ્દો ન બનાવે

ઉનાળો ચરમસીમાએ છે ત્યારે દેશના મોટાભાગના રાજ્યોમાં પાણીની ભારે અછત ઊભી થઇ છે. લોકોની જરૂરત મુજબ પાણીનો પુરવઠો મળતો ન હોવાથી નદીઓ પર ડેમોમાં સંગ્રહાયેલા પાણીના જથ્થાની વહેંચણીના મામલે રાજ્યો વચ્ચેનો વિવાદ વકરતો રહ્યો છે. રાજ્યો વચ્ચે આવો વિવાદ નવી બાબત નથી, પણ દિલ્હી અને હરિયાણા સરકારો વચ્ચે આવા વિવાદના મામલે સર્વોચ્ચ અદાલતે ઉકેલ આપતો ચુકાદો જાહેર કર્યો છે, પણ મહત્ત્વની બાબત એ છે કે, અદાલતે રાજ્યોને આ મામલે રાજકારણ ન કરવાની ખાસ સૂચના આપી છે. ભારત જેવા વિશાળ દેશમાં રાજ્યો વચ્ચે અમુક બાબતોના વિવાદ સતત ચાલતા રહેતા હોય છે. આમાં નદીઓના જળની વહેંચણીના મામલે વિવાદની યાદી સતત લાંબી થતી રહી છે. આ મુદ્દે સંખ્યાબંધ કેસ અદાલતો સમક્ષ ચાલી રહ્યા છે. આવામાં દિલ્હીને યમુનાનાં જળ મળી રહે તે માટેના વિવાદમાં સર્વોચ્ચ અદાલતે દરમ્યાનગીરી કરી છે. દિલ્હીમાં ઉનાળના તાપ વચ્ચે જળ સંકટ પણ ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે, ત્યારે ગુરુવારે દિલ્હી સરકારની અપીલ પર સર્વોચ્ચ અદાલતે વ્યવસ્થા ગોઠવી આપી છે કે, હિમાચલ પ્રદેશ 137 ક્યુસેક પાણીનો જથ્થો વધુ છોડશે અને હરિયાણા આ પ્રવાહને અંતરાય વગર દિલ્હી પહોંચડવાની વ્યવસ્થા ગોઠવશે. આમ તો હથિનીકુંડ ડેમના પાણીના જથ્થાની ફાળવણીના મુદ્દે દિલ્હી અને હરિયાણા સરકાર વચ્ચે સતત તાણ-ખેંચ રહી છે. આ વખતે દિલ્હી સરકારે સર્વોચ્ચ અદાલતમાં ધા નાખતાં અદાલતે હરિયાણા, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશને પૂછયું હતું કે, તેઓ દિલ્હીને કેટલું પાણી આપી શકે છે.  હિમાચલે પાણી આપવાની સંમતિ વ્યક્ત કરી છે. હવે હિમાચલ પ્રદેશ આગતોરી જાણ કરીને પાણી છોડશે ત્યારે હથિનીકુંડમાં આવનારા વધારાના જથ્થા પર નજર રખાશે અને તેને માપવામાં આવશે, જેથી આ વધારાનું પાણી દિલ્હી અને વઝીરાબાદ સુધી પહોંચાડી શકાય. હવે મહત્ત્વની બાબત એ છે કે, આ આખી પ્રક્રિયા દરમ્યાન હરિયાણા દિલ્હીનાં આ પાણીને રોકે નહીં તેની દેખરેખ ખુદ સર્વોચ્ચ અદાલત કરશે. આશા રાખી શકાય કે સર્વોચ્ચ અદાલતની આ દેખરેખથી આખા મામલમાં કોઇ અંતરાય આવશે નહીં. પરિણામે લોકોને જરૂરત મુજબનું પાણી મળી શકશે. વક્રતા એ છે કે, લોકોને સ્પર્શતા આવા મુદ્દામાં સર્વોચ્ચ અદાલતને દરમ્યાનગીરી કરવાની ફરજ પડી છે. કોઇ રાજ્ય પાસે વધારાનો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય તો તેણે રાજકીય વિચાર કરવાને બદલે અન્ય રાજ્યોના લોકોની તરસ બુઝાવવામાં જરા પણ ખચકાટ અનુભવવો જોઇએ નહીં, જો લોકહિત અને દેશહિતની આ વિચારધારા રાજ્યો અપનાવે તો અદાલતોને વિવાદમાં વચ્ચે પડવાની જરૂરત જ ઊભી થાય નહીં. ખરેખર તો અદાલતે દેશમાં પાણી બચાવવા લોકોની સામૂહિક જવાબદારી નક્કી કરવાના મુદ્દે પણ ધ્યાન આપવાની જરૂરત છે. આ માટે પાણીનો બગાડ રોકવા અને સંગ્રહ વધારવાની પહેલ માટે સરકાર, સંસ્થાઓ અને લોકોને પ્રેરવાની કાયમી વ્યવસ્થા બરાબર કામ કરે તે માટે અદાલત સૂચના આપે તેની પણ વધુ જરૂરત છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang