• બુધવાર, 22 મે, 2024

નક્સલવાદનો ઉકેલ શો ?

છત્તીસગઢના બીજાપુરમાં તાજેતરમાં એક અથડામણમાં સલામતી દળોએ દસ નકસલવાદીને ઠાર કર્યા  હતા. બનાવ સલામતી દળોની સજાગતા અને સફળતાને અંકિત કરે છે, પણ તેની સાથોસાથ નક્સલવાદનો પડકાર હજી યથાવત્ હોવાની ચિંતાજનક વાસ્તવિક્તા પણ છતી કરે છે. દાયકાઓથી દેશના અમુક રાજ્યેમાં નક્સલવાદીઓ સમયાંતરે માથું ઊંચકતા રહે છે. સલામતી દળો તેમની સામે બાથ ભીડતા રહે છે, પણ પડકારનો સાવ અંત આવી શકતો નથી. છત્તીસગઢમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકના સલામતી દળો સંકલિત પ્રયાસો કરીને કડક પગલાં લેતા રહ્યાં છે, પણ પગલાં નક્સલવાદીઓના મનોબળને હજુ સુધી તોડી શક્યા નથી. છત્તીસગઢના આદિવાસીઓમાં એવી લાગણી ઘર કરી ગઇ છે કે, સરકારોએ તેમના સંસાધનો પૂંજીપતિઓને હવાલે કરી દેવાના સતત પ્રયાસ કર્યા છે. આદિવાસીઓની આવી લાગણીને નક્સલવાદીઓ ઉશ્કેરાટ ફેલાવવા સતત ઉપયોગમાં લેતા હોય છે. બીજી તરફ સરકાર વિકાસના કાર્યક્રમોના અમલીકરણ અને આદિવાસી સમુદાયને મુખ્ય ધારામાં લાવવા માટે ઔદ્યોગિક એકમોની અનિવાર્યતા હોવાની દલીલ કરે છે. માટે સરકાર અને નક્સલી નેતાઓ વચ્ચે આરંભમાં વાટાઘાટો પણ યોજાઇ હતી, પણ કોઇ નક્કર ઉકેલ શોધી શકાયો હતો. તે પછી સરકારે આદિવાસી સમૂહોની અંદર નક્સલવાદની વિરુદ્ધ લાગણી જગાવવાના પ્રયાસ કર્યા તે પણ સફળ રહ્યા હતા. હવે સલામતી દળોએ નક્સલવાદીઓની સામે રીતસરનો જંગ છેડયો છે.  સાથેસાથ નક્સલવાદીઓને મળતી નાણાકીય મદદ તથા શસ્ત્રો અને અન્ય સામગ્રીનો જથ્થો મળતો રોકવાના પ્રયાસ હાથ ધર્યા છે. સ્થાનિક લોકોમાં નક્સલવાદ તરફે કુણી લાગણીને દૂર કરવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. પણ તાજેતરની અથડામણે બતાવી આપ્યું છે કે, નક્સલવાદ હજી સક્રિય છે અને ગમે ત્યારે હુમલો કરી શકવા સક્ષમ છે. અત્યાર સુધી નક્સલવાદીઓએ સંખ્યાબંધ અધિકારીઓ, રાજનેતાઓ અને સલામતી દળોની હત્યાઓ કરી છે. પડકારને દૂર કરવાના અત્યાર સુધીના તમામ વ્યૂહ બેઅસર રહ્યા છે. સરકારે સમાજિક સંસ્થાઓ અને સલામતી નિષ્ણાંતોને સાથે રાખીને સમસ્યાના કાયમી ઉકેલ માટે સતત મંથન કરવાની ખાસ જરૂરત છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang