ગાંધીનગર, તા. 17 (અમારા પ્રતિનિધિ દ્વારા) : ગાંધીધામના ધારાસભ્ય માલતી કિશોર મહેશ્વરી દ્વારા
મુન્દ્રા તાલુકામાં `મુંદરા જૂથ
સુધારણા પાણી પુરવઠા યોજના' બાબતે પૂછવામાં
આવેલા લેખિત પ્રશ્નના ઉત્તરમાં પુરવઠા મંત્રી (રાજ્યકક્ષા)એ જણાવ્યું હતું કે તા. 31/12/2025ની સ્થિતિએ મુંદરા તાલુકામાં
આ યોજનાનું અમલીકરણ હાથ ધરવામાં આવ્યું છે. ઉક્ત જૂથ યોજનામાં કુલ 58 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો
છે, જ્યારે કોઈપણ શહેરનો સમાવેશ કરવામાં આવેલ નથી.
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ મહિપતાસિંહ જાડેજા દ્વારા કચ્છ જિલ્લામાં ગૌચર જમીનની
ફાળવણી બાબતે પૂછાયેલા લેખિત પ્રશ્નના ઉત્તરમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તા.
31/12/2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ
દરમિયાન કચ્છ જિલ્લામાં ગુજરાત ગૌચર વ્યવસ્થાપન પોલિસીની જોગવાઈનો ભંગ કરીને ગૌચરની
કોઈ જમીન ફાળવવામાં આવી નથી. પરિણામે વૈકલ્પિક જમીન ગૌચર તરીકે નિમવાની બાબત પ્રશ્ન
ઉપસ્થિત થતો નથી તથા બાકી રહેલી વૈકલ્પિક જમીન અંગે પણ કોઈ કાર્યવાહી કરવાની સ્થિતિ
નથી. આ ઉપરાંત, ધારાસભ્ય દ્વારા કચ્છ જિલ્લામાં
ડીસેલીનેશન પ્લાન્ટ અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મુખ્યમંત્રી (મહેસૂલ)એ જણાવ્યું
હતું કે તા. 31/12/2025ની
સ્થિતિએ કચ્છ જિલ્લામાં દરિયાના ખારા પાણીને ડીસેલીનેશન દ્વારા મીઠું પાણી બનાવવાના
પ્રોજેક્ટ અંતર્ગત ગુંદિયાળી, માંડવી
તાલુકો ખાતે 100 એમ.એલ.ડી.
ક્ષમતાનો ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપિત કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરી મે.
શાપુરજી પાલૂનજી એન્ડ કંપની પ્રા. લિ., મુંબઈ અને એક્વાટેક સિસ્ટમ એશિયા પ્રા. લિ.ની સંયુક્ત સાહસ દ્વારા રચાયેલી
એસ.પી.વી. મે. કચ્છ સી વોટર ડી-સેલીનેશન પ્રા. લિ.ને સોંપવામાં આવી છે. કન્શેશનર દ્વારા
કામગીરી સત્વરે પૂર્ણ કરવા આયોજનબદ્ધ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં
પ્રોજેક્ટ માટે અંદાજિત રૂ. 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ તા. 31/12/2025 સુધી સરકાર દ્વારા કોઈ ખર્ચ
કરવામાં આવેલ નથી. વધુમાં, કચ્છ જિલ્લામાં
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના માર્ગો અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મુખ્યમંત્રીએ
જણાવ્યું હતું કે તા. 31/12/2025ની
સ્થિતિએ કચ્છ જિલ્લામાં રિસરફાસિંગ માટે કુલ 72 માંગણીઓ પ્રાપ્ત થઈ હતી. તેમાંમાંથી 34 માંગણીઓ મંજૂર કરવામાં આવી
છે, જ્યારે 38 માર્ગો રિસરફાસિંગ માટે બાકી
છે. તાલુકાવાર વિગતો મુજબ અબડાસા (4માંથી 1 મંજૂર, 3 બાકી),
નખત્રાણા (4માંથી 0 મંજૂર,
4 બાકી),
લખપત (6માંથી 1 મંજૂર,
5 બાકી),
અંજાર (8માંથી 3 મંજૂર,
5 બાકી),
ગાંધીધામ (6માંથી 1 મંજૂર,
5 બાકી),
ભુજ (15માંથી 14 મંજૂર, 1 બાકી), મુંદરા (20માંથી 14 મંજૂર, 6 બાકી),
ભચાઉ (0માંથી 0), માંડવી (7માંથી 0 મંજૂર, 7 બાકી) તથા રાપર (2માંથી 0 મંજૂર, 2 બાકી)નો સમાવેશ થાય છે.