નવી દિલ્હી, તા. 23 : ભારતની અંડર-19 ટીમે બુધવારે રાજકોટના નિરંજન
શાહ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજા વન-ડે મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું
હતું. આ જીત સાથે ભારતે અનૌપચારિક ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.
શ્રેણીની પહેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સાત રને હરાવ્યું હતું. ત્યારબાદ બીજી વન-ડેમાં
ભારતીય ટીમે 103 રને મોટી જીત નોંધાવી હતી.
ત્રીજી મેચમાં પણ ભારતે શાનદાર પ્રદર્શન કરતાં ઓસ્ટ્રેલિયાને શ્રેણીમાં એક પણ જીત મેળવવાની
તક આપી નહોતી. ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા
ઉતરેલી ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ 49.3 ઓવરમાં 254 રને ઓલઆઉટ થઈ હતી. જેડ હોલિકે
ચાર્લી હેંડરસન સાથે પહેલી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ હોલિકે નીલ પટેલ સાથે બીજી
વિકેટ માટે 62 રન જોડીને ટીમને મજબૂત સ્થિતિમાં
પહોંચાડી હતી. હોલિકે 88 બોલમાં 87 રન કર્યા હતા. જ્યારે નીલ પટેલે
71મા 51 રન કર્યા હતા. 255 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 41.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને
મેચ પોતાનાં નામે કરી હતી. કેપ્ટન લક્ષ્ય રાયચંદાણીએ એક છેડો સંભાળીને સદી કરી હતી
અને ટીમને જીત સુધી પહોંચાડી હતી. લક્ષ્યએ આર્યવીર સહવાગ સાથે મળીને પહેલી વિકેટ માટે
58 રન જોડયા હતા. આર્યવીરે 34 રનનું યોગદાન આપ્યું હતું.
બાદમાં લક્ષ્યને કુશાગ્ર ઓઝા સાથે મળીને ત્રીજી વિકેટ માટે 96 બોલમાં 85 રનની મહત્ત્વની ભાગીદારી કરી
હતી. આ ઉપરાંત લક્ષ્ય અને રજત બધેલ વચ્ચે પાંચમી વિકેટ માટે 80 રનની નોટઆઉટ ભાગીદારી થઈ હતી, જેની મદદથી ભારતીય ટીમ જીત સુધી પહોંચી હતી. રાયચંદાણીએ 106 બોલમાં નવ ચોગ્ગા અને ત્રણ
છગ્ગાની મદદથી અણનમ 110 રન કર્યા
હતા.