ગાંધીધામ, તા. 23 : આદિપુર નજીક મલયાલમ નગર ત્રણ રસ્તા પાસે ક્રેનચાલકને પકડી પાડી પોલીસે તેની
પાસેથી રૂા. 3,26,000નું હેરોઇન જપ્ત કર્યું હતું.
એક શખ્સ હાથમાં આવ્યો ન હતો. ગળપાદર-અંજાર ધોરિમાર્ગ થઇને જુમાપીર ફાટકવાળા માર્ગ પર આવતા ક્રેનચાલક પાસે માદક પદાર્થ હોવાની પૂર્વ બાતમીના
આધારે સ્થાનિક આદિપુર પોલીસે વોચ ગોઠવી હતી. મલયાલમ નગર ત્રણ રસ્તા પાસે પોલીસ ગોઠવાઇ
ગઇ હતી. દરમ્યાન બાતમીવાળું ક્રેન આવતાં પોલીસે સરકારી ગાડીથી આ વાહનને ઘેરાબંધી કરી
હતી. ક્રેન બંધ કરાવી ચાલકને નીચે ઉતારાયો હતો. તેની તપાસ કરતાં તેની પાસેથી પીળા, ક્રીમ રંગનો ગાંગડા જેવો પદાર્થ સેલોટેપમાં
વીંટળાયેલો મળી આવ્યો હતો. આ પદાર્થમાં ખટાશ પડતી વાસ આવતી હતી. આ શું છે તેવું પૂછતાં
ક્રેનના ચાલક પ્રભજિતસિંઘ અનુપસિંઘ મજબી (શીખ) (રહે. અજનાલા, અમૃતસર, પંજાબ) એ આ પદાર્થ હેરોઇન હોવાનું કહ્યું હતું.
તેને પકડી 4-એ પોલીસ ચોકી
લઇ જઇ ત્યાં એફ.એસ.એલ. અધિકારીને બોલાવી ખરાઇ કરાવતાં પ્રાથમિક પૃથકકરણમાં આ પદાર્થ
હેરોઇન હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સ પાસેથી રૂા. 3,26,000નું 16.300 ગ્રામ હેરોઇન તથા નાનો વજન
કાંટો, પર્સ, મોબાઇલ,
હાઇડ્રા ક્રેન વગેરે મળીને કુલ રૂા. 13,38,100નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
આ માદક પદાર્થ તેના કાકાનો દીકરો રેશમસિંઘ ચિમ્માસિંઘ લઇ આવ્યો હતો અને બંને સાથે જ
હતા. બાદ રેશમસિંઘ બાથરૂમ જવાનું કહી ઘણા સમય પહેલાં જતો રહ્યો હતો. હાથમા ન આવેલા
આ રેશમને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.