ગાંધીધામ, તા. 23 : રાજ્યના મુખ્યમંત્રી 26મીના ગાંધીધામ આવવાના હોવાથી મહાનગરપાલિકાના
નિષ્ફળ અધિકારીઓ અને એન્જિનિયરો અચાનક જાગૃત થઈ ગયા છે અને જ્યાં મોટા મોટા ખાડાઓ છે
ત્યાં પેચ વર્ક શરૂ કર્યું છે ભલું થાય મુખ્યમંત્રી નું કે તે ગાંધીધામ આવી રહ્યા છે
અને નેહરુપાર્ક રોડ ઉપર ડામર નું પેચ વર્ક કરવામાં આવી રહ્યું છે નહીંતર તો લોકોને
ખાડા ખૂંદીને જ ગોપાલપુર રેલવે સ્ટેશન પહોંચવું પડત. પણ રાજ્યના મુખિયા અહીં આવી રહ્યા છે ત્યારે મહાનગર-પાલિકાની
કામગીરીની સમીક્ષા થાય તે અત્યંત જરૂરી છે. ગાંધીધામ આદિપુર જોડીયા શહેરોમાં ખરાબ રસ્તાઓના
કારણે લોકોની કમર તૂટી છે લોકોને શારીરિક નુકસાન પહોંચ્યા છે. વાહનોને નુકસાન પહોંચ્યા
છે પરંતુ કચેરીમાં બેસતા અને એસી આરામ ફરમાવતા સીટી ઇજનેર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર
ને લોકોની સમસ્યા બાબતે કોઈ નિસબત જ ન હોય તેમ પગલા ભરતા જ નથી.આંતરિક કલહ સપાટી ઉપર
છે.ટાટીયા ખેચ વધી છે. કચેરીનો વહીવટ ડામાડોળ થયો છે. ક્ષતિઓ છે અને ગુણવત્તા સાથે બાંધછોડ થઈ રહી છે
છતાં કોઈ પગલા ભરાતા નથી કરોડો રૂપિયા સરકારે વિકાસ માટે આપ્યા છે જેનાથી લોકોની સમસ્યાઓ
હલ કરવાની છે. પરંતુ અહીં ટકાવારીના ખેલ શરૂ થયા છે. તેના કારણે કોઈ પગલા ભરાતા નથી
તેવા ગંભીર આક્ષેપો જાગૃત નાગરિકો દ્વારા થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અને ભારત સરકારના મંત્રી ગાંધીધામ આવતા હોવાથી મહાનગર-પાલિકાનું વહીવટી તંત્ર અચાનક
જાગૃત થઈ ગયું છે અને જ્યાં જ્યાં ખાડાઓ છે ત્યાં મરામત કરે છે અને ટાગોર રોડ થી લઈને
સુંદરપુરી પાણીના ટાંકા અને ત્યાંથી નહેરુ પાર્ક થઈને ગોપાલપુરી તરફ જતા માર્ગ પરના
ખાડાઓની મરામત થઈ રહી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીનો જે રૂટ છે તેનું પણ ધ્યાન રાખવામાં
આવી રહ્યું છે ત્યાં પણ રોડ ઉપર જરૂરિયાત મુજબની કામગીરી કરવામાં આવી રહી છે. એરપોર્ટથી મુખ્યમંત્રી જે રોડ ઉપર આવવાના છે ત્યાં
એરપોર્ટ રોડ ઉપર જ પાણી નિકાલની વ્યવસ્થાનો અભાવ છે. સમયાંતરે મુખ્યમંત્રી અને મંત્રી
જો ગાંધીધામ આવતા રહે તો સ્થિતિ સુધરે તેવી સંભાવના છે.