સ્વાતંત્ર્યનાં 80 વર્ષ પછી પણ `વંદે માતરમ્'ની રાષ્ટ્રભાવના - સ્થાન અને માન - સમ્માન સામે સવાલ ઉઠાવાય અને અનિશ્ચિતતા
હોય તે કમનસીબી છે. એનડીએ સરકારે `વંદે માતરમ્' ગાનને રાષ્ટ્રગીત જન ગણ મન - સમકક્ષ ગણતા અને રાષ્ટ્રીય માન - સમ્માન આપવા
અંગેના પ્રસ્તાવને કાયદાનું સ્વરૂપ આપ્યા પછી હવે આ વિષયનો કાનૂની વિવાદ સુપ્રીમ કોર્ટમાં
પહોંચ્યો છે. કાનૂનમાં એવી જોગવાઈ છે કે, જો કોઈ રાષ્ટ્રગાનનું
અપમાન કરે, ગવાતું હોય ત્યારે વિરોધ - અવરોધ ઊભા કરે તો તે ત્રણ
વર્ષ સુધીની જેલની સજા અથવા દંડ (ફાઇન) અથવા જેલવાસ તથા ફાઇન - બંને સજાને પાત્ર હશે.
આ કાનૂનનો અમલ શરૂ થયા પછી કેટલાક રાજકીય નેતાઓ તથા નાગરિકોએ સમ્માન નહીં બતાવ્યા છતાં
કોઈ કાનૂની કાર્યવાહી થઈ નથી, પણ 1971ના કાનૂનમાં જે સુધારા થયા
છે - અને અમલમાં આવ્યા છે તેની સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. ફરિયાદ માત્ર
સજા સામે નથી પણ વંદે માતરમ્ની પ્રથમ બે કડી ગાવી જોઈએ કે સમગ્ર - કડી સંપૂર્ણ `ગાન'
ગાવું ફરજિયાત છે - તે વિષયની ચર્ચા થઈ છે. ફરિયાદ પક્ષના સિનિયર વકીલ
- પૂર્વ જજ મૂરલીધરને સંવિધાનમાં `સેક્યુલરવાદ'નો સિદ્ધાંત છે તે મુદ્દો ઉઠાવીને કહ્યું છે કે, વંદે
માતરમ્ - ગીતની છેલ્લી કડીઓમાં દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીનાં
નામ આવે છે તે ફરજિયાત ગાવાનું જણાવાય તે નાગરિકોના ધાર્મિક સ્વાતંત્ર્યનો ભંગ કરે
છે અને સરકારનો આદેશ બિન-હિન્દુઓના સ્વાતંત્ર્ય તથા સંવિધાને બક્ષેલા સેક્યુલરવાદનો
ભંગ કરે છે. સુનાવણીની દલીલ વખતે એમ પણ કહેવાયું કે, સુધારેલા
કાયદામાં `રાષ્ટ્રગાન'નો ઉલ્લેખ છે અને સજાની જોગવાઈ છે, પણ રાષ્ટ્રગાનની વ્યાખ્યા અથવા કેટલી `કડી'
ગાવી જોઈએ તેનો ઉલ્લેખ નથી! મૂળ 1971ના કાનૂનમાં પણ `રાષ્ટ્રગાન'નો ઉલ્લેખ નથી. આ દલીલ સાંભળ્યા પછી ત્રણ ન્યાયમૂર્તિની
બેંચે સ્પષ્ટ કહ્યું કે, આપણા રિવાજ અને વપરાશમાં હંમેશાં વંદે
માતરમ્ `રાષ્ટ્રગાન' રહ્યું છે, પણ રાષ્ટ્રગાનમાં
નહીં જોડાનારા સજાપાત્ર હોવાનું જણાયું નથી. આમ છતાં રાષ્ટ્રીય ભાવનાનું પ્રમાણ નક્કી
કરવાની ભૂમિકા ન્યાયતંત્રની નથી. અલબત્ત, સજાની જોગવાઈનું વિશ્લેષણ
થઈ શકે. આ જોગવાઈ `રાજ્ય' - (સાંસદ) દ્વારા થાય છતાં પ્રામાણિકપણે વિરોધની
લાગણી પણ તપાસવી જોઈએ અને સજાની જોગવાઈ નહીં હોવી જોઈએ. સુનાવણી દરમિયાન કોર્ટે 1986માં આ વિષયમાં આપેલા ચુકાદાની
યાદ અપાવી. કેરળમાં એક સ્કૂલમાં ત્રણ બાળકે `અન્ય ધર્મી' હોવાથી રાષ્ટ્રગીત ગાવામાં જોડાવાને બદલે માત્ર શાંત ઊભા રહ્યાં હતાં,
તેથી બરતરફ કરવામાં આવ્યાં હતાં, ત્યારે સુપ્રીમ
કોર્ટનો ચુકાદો હતો કે શાંત ઊભા રહેવાથી રાષ્ટ્રગીતનું અપમાન નથી અને બાળકોને શાળામાંથી
બરતરફ કરી શકાય નહીં. આ ચુકાદાને હજુ સુધી પડકારવામાં નથી આવ્યો અને તે કાનૂની રીતે
અમલમાં છે. રાષ્ટ્રગાનના માન-સમ્માનનો સ્વીકાર કરવા સાથે સુપ્રીમ કોર્ટ સજાની જોગવાઈ
- વિશે કેવો ચુકાદો આપે છે તે જોવાનું છે. કેન્દ્ર સરકારના સોલિસિટર જનરલ તુષાર મેહતાએ
15 દિવસની મહેતલ માગી છે. આ વિવાદના
મૂળમાં `સેક્યુલરવાદ' છે! અમેરિકાનું રાષ્ટ્રગીત `ઋજ્ઞમ'
ઈશ્વરની પ્રાર્થના છે. અલબત્ત, ત્યાં સેક્યુલરવાદ
નથી! ભારતમાં `વંદે માતરમ્
કહો કે મા તૂઝે સલામ' કહો - કરો
- પણ હવે વિવાદ બંધ કરો.