ભુજ, તા. 23 : ભાદરવો તેની મધ્યાહ્ને છે ત્યારે
કચ્છમાં ઉનાળાએ જાણે કે પુનરાગમન કર્યું હોય તેમ મહત્તમ પારો 40 ડિગ્રી નજીક પહોંચતાં સરહદી
જિલ્લાનું જનજીવન કાળઝાળ બન્યું છે. ચોમાસાની વિદાયની ગણાતી ઘડીઓ વચ્ચે હજુ નજીકના
સમયમાં આ આકરી ગરમીમાંથી રાહત મળે તેવા કોઇ એંધાણ દેખાતાં નથી. ભુજમાં મહત્તમ પારો
એક ડિગ્રી ઊંચકાઇને 39.5 ડિગ્રીએ પહોંચતાં
કચ્છનું મુખ્ય મથક સતત ત્રીજા દિવસે રાજ્યમાં ગરમ મથકમાં મોખરે રહ્યું હતું. સવારના
દસ વાગ્યાથી શરૂ થયેલો સૂર્ય પ્રકોપ સૂર્યાસ્ત સુધી યથાવત્ રહ્યો હતો. રાત્રિના સમયે
પણ તાપમાન 26થી 27 ડિગ્રી જેટલું ઊંચું નોંધાતાં ઉકળાટમાંથી નામમાત્રની રાહત મળી
નહોતી. નોંધનીય એ પણ છે કે ભૂતકાળમાં સપ્ટેમ્બરમાં
જિલ્લા મથકે ગરમીનો પારો 40 ડિગ્રીના આંકને પાર થઇ ચૂકયો
છે. અંજાર-ગાંધીધામને આવરી લેતા કંડલા (એ.)માં પણ મહત્તમ તાપમાન ઊંચે ચડી 38.4 ડિગ્રી પહોંચ્યો હતો. ભુજ અને
ડિસા પછી કંડલા (એ.) ત્રીજું ગરમ મથક બન્યું હતું. નલિયામાં 35 અને કંડલા પોર્ટમાં 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
પવનની ઝડપ મંદ પડવાના કારણે તાપની તીવ્રતા વધુ જોવા મળી હતી. બપોરના સમયે લોકોને ગરમીથી
બચવા માટે તાપરક્ષક સાધનોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગના જણાવ્યાનુસાર
દેશમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઇ છે. કચ્છમાંથી ચોમાસું વિદાય લે તે માટેનાં
પરિબળો સાનકૂળ બન્યા છે, તો હવામાન
વિભાગે આગામી સપ્તાહ દરમ્યાન કચ્છમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. જો કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતી
સિસ્ટમના પ્રભાવથી સંભવત: રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. તીવ્ર તાપના કારણે લોકલ
સિસ્ટમ વિકસિત થતાં વરસાદી ઝાપટાં વરસી શકે તેવી સંભાવનાને નકારી શકાય તેમ નથી.