નવી દિલ્હી, તા. 23 : હારુન ઇન્ડિયાએ
2026ના ધનિકોની જાહેર કરેલી યાદી
મુજબ અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ફરી એકવાર સૌથી ધનવાન ઉદ્યોગપતિ
બની ગયા છે. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીને આંતરીને ધનપતિઓની
યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. દેશમાં અત્યારે અબજોપતિઓ વધીને 391 થઇ ગયા છે. ગૌતમ અદાણીની સંપત્તિ
વાર્ષિક 13 ટકાના વધારા સાથે 9.23 લાખ કરોડ રૂપિયા થઇ છે, જ્યારે મુકેશ અંબાણીની મિલકતમાં 10 ટકાનો ઘટાડો નોંધાતાં 8.62 લાખ કરોડ નોંધાઇ હતી. આમ, ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને રૂા. 59,400 કરોડ વધુ કમાણી કરીને બીજા
ક્રમે ધકેલી દીધા હતા. બીજીતરફ દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનતાં ડોલર આધારિત અબજોપતિઓની
સંખ્યા વધીને 391ના આંકે પહોંચી ગઇ હતી. આ યાદીમાં
ઓછામાં ઓછા એક હજાર કરોડ રૂપિયાની વ્યક્તિગત સંપત્તિવાળા કુલ 1810 લોકોના સમાવેશ કરાયો છે. આ
બધા પૈસાદારોની સંયુક્ત મિલકત ગત વર્ષની સરખામણીએ 12.8 ટકા વધીને 187.5 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે,
જે દેશના કુલ જીડીપીના લગભગ અડધા ભાગ જેટલી છે. સંપત્તિના વર્ગીકરણની
વાત કરીએ, તો એક લાખ કરોડ રૂપિયાથી વધુ 23 ધનિક યાદીમાં અપાયેલી કુલ મિલકતનો
28.9 ટકા ભાગ ધરાવે છે. દેશના 10 અબજોપતિની યાદીમાં આર્સેલર
મિત્તલના એલ.એન. મિત્તલ અને તેમનો પરિવાર આઠ પગલાં આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી
ગયા છે. તેમની મિલકતમાં 93 ટકાનો વધારો
થતાં તે 3.39 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે, તો વેદાંત રિસોર્સીઝના અનિલ અગ્રવાલ અને તેમના
પરિવારે 2.08 લાખ કરોડની
મિલકત સાથે નવમું સ્થાન મેળવ્યું છે. બીજીતરફ ટોરેન્ટ ફાર્મા.ના સમીર મહેતા અને તેમનો
પરિવાર જે.બી. કેમિકલ્સના વિલય પછી 1.89 લાખ કરોડ રૂપિયા સાથે 10મા સ્થાને પ્રવેશ્યા છે.