કોઈપણ લોકશાહી માટે મતદારયાદી ચાવીરૂપ બની રહે છે. તેમાં પણ ભારત જેવા કરોડો મતદારને સમાવતી આ યાદી
ક્ષતિ રહિત રહે તે અનિવાર્ય બની રહે છે. ભારતીય ચૂંટણીપંચે મતદારયાદીની ખાસ ગહન સમીક્ષા
(એસઆઈઆર)ની પ્રક્રિયા હાથ ધરી ત્યારથી તેની સામે સવાલ ખડા થતા રહ્યા છે. હવે સામે આવી
રહેલા મુદ્દા વિવાદની પરાકાષ્ઠા સમાન હોય તેમ જણાઈ રહ્યંy છે.
આમ તો મતદારયાદીમાંથી મૃત, સ્થાન બદલી ચૂકેલાઓના, બેવડી નોંધણી થયેલા અને અપાત્ર મતદારોના નામ કમી કરવા અને યોગ્ય મતદારોના નામો
ઉમેરવાની આ આખી પ્રક્રિયા સામે તેના આરંભથી જ સવાલ ઊભા થઈ રહ્યા છે. તાજેતરમાં સામે
આવેલી ચોંકાવનારી હકીકતો મુજબ બિહારથી બંગાળ સુધી એસઆઈઆરની કાર્યવાહી સામેનો વિવાદ
હવે રાજધાની દિલ્હી સુધી પહોંચ્યો છે. આ પ્રકરણમાં હવે માજી નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણી, માજી ઉપરાષ્ટ્રપતિ
જગદીપ ધનખડ, વિદેશ મંત્રી એસ. જયશંકર સહિતની ટોચની સંખ્યાબંધ
હસ્તીઓના મતદાર તરીકેના અસ્તીત્વ બાબતે નોટિસ અપાઈ છે. સ્વાભાવિક રીતે ચૂંટણીપંચની આ કાર્યવાહીએ ભારે ઉહાપોહ
જગાવ્યો છે. હવે ચર્ચા એ છેડાઈ છે કે, ટેકનિકલ અથવા રેકર્ડની
નોંધણી સમયની ઉણપોને કારણ આ ક્ષતિ હોઈ શકે છે. પણ તેનાથી કોઈને મતાધિકારથી વંચિત કરી
શકાય કે નહીં ? વળી આજકાલના સમયમાં લોકો પાસે જૂના દસ્તાવેજ ઉપલબ્ધ
હોતા નથી આવા લોકોની સંખ્યા નાનીસૂની નથી. ગરીબો, સ્થળાંતર કરતા
શ્રમજીવીઓ વૃદ્ધો પાસે તેમના જન્મને લગતા દસ્તાવેજો ઉપલબ્ધ હોતા નથી. વળી અમુક જણા
પાસેના દસ્તાવેજોમાં નામ કે જન્મ તારીખમાં નજીવા ફેરફારને લીધે તેમની મતદારયાદીમાં
નોંધણી જોખમમાં આવી પડે છે. ચૂંટણીપંચના આંકડા
મુજબ પશ્ચિમ બંગાળમાં મતદારયાદીમાંથી બકાત થયેલા 38 લાખથી વધુ લોકોએ અપીલ દાખલ
કરી છે, તેમાં પ્રથમ તબક્કામાં 1.26 લાખ અપીલની ચકાસણી કરતાં 90 ટકાના નામ મતદારયાદીમાં ફરી
સમાવાયા છે. હવે રાજકીય સવાલ એ ઊભો થઈ રહ્યો
છે કે, થોડા સમય અગાઉ યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં
આ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શક્યા હોત તો પરિણામ અલગ આવી શક્યું હોત ખરું
? આમ તો એસઆઈઆરના પ્રથમ તબક્કામાં
31 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના
13 કરોડથી વધુ મતદારોના નામ યાદીમાંથી
નીકળી ગયા છે. આમાં દિલ્હીના સૌથી વધુ 32 ટકા નામ મુસદ્દા યાદીમાં સ્થાન પામ્યા નથી. આવા 33 લાખથી વધુ લોકોને નોટિસ આપી છે, પણ મોટાભાગના કિસ્સામાં મતદારોની વિગતો 2002ની એસઆઈઆરની પ્રક્રિયાની સામે
મેળ ખાતી નથી. સ્પષ્ટ છે કે, દસ્તાવેજોમાં
સામાન્ય એવી ભૂલ હોઈ શકે છે. કોઈ વ્યક્તિ વ્યાવહારિક
કારણોસર પોતાના આધાર રજૂ કરી શકે નહીં તો તેને મતાધિકારથી વંચિત રાખી શકાય નહીં. ખરેખર
તો ચૂંટણીપંચે એસઆઈઆરની સફળતાને મતદારયાદીમાંથી કેટલા નામ દૂર કરાયા તેના માપદંડને
આગળ ધરવાને બદલે કોઈ પણ પાત્ર મતદારનું નામ યાદીમાંથી બકાત રહી જાય નહીં તેની ખરાઈ
કરવાની સફળતા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.