ગાંધીધામ, તા. 27 : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસીએશન
અને કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસીએશન દ્વારા
ગાંધીધામમાં 13 વર્ષ બાદ રાષ્ટ્રીયકક્ષાની યુટીટી 87મી ઇન્ટરસ્ટેટ સબ-જુનિયર અને કેડેટ નેશનલ
ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બોયઝ સ્પર્ધાઓ પૂર્ણ થતાં હવે ગર્લ્સ વિભાગની મેચો ઉપર સૌએ
મીટ માંડી છે. આવતીકાલથી હરીશ સંગતાણી સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં એમ.પી. મિત્રા ઈન્ડોર
સ્ટેડીયમમાં અંડર-15 ગર્લ્સ ટીમ
ઈવેન્ટ્સ સાથે ટૂર્નામેન્ટનો તબક્કો શરૂ થશે.
શરૂઆત ટીમ મુકાબલાઓથી થશે અને સાથે જ અંડર-11 તથા અંડર-13 સિંગલ્સના ગ્રુપ સ્ટેજ પણ શરૂ
થશે, જેથી આગામી દિવસોમાં સતત સ્પર્ધાત્મકતા અને
ઉત્સાહ જળવાઈ રહેશે. વેસ્ટ બંગાળ અને મહારાષ્ટ્ર 465 પોઈન્ટ સાથે
ટોચના દાવેદાર તરીકે ઊભર્યા હતા. સિડિંગ માટે માત્ર ટોચના બે
ખેલાડીના પોઇન્ટ્સ ગણાતા હોવાથી બંને ટીમ વચ્ચે સમાનતા સર્જાઈ હતી. જેને ડ્રો દ્વારા
નક્કી કરવામાં આવી. પરિણામે બંગાળ ગ્રુપ-એમાં અને મહારાષ્ટ્ર ગ્રુપ-બીમાં ટોચ સ્થાને
છે. તેમના પાછળ કર્ણાટક (194 પોઇન્ટ) અને
પી.એસ.પી.બી.-એ (180 પોઇન્ટ) મજબૂત
પડકારક તરીકે નજરે પડે છે. ગ્રુપ-ડીમાં ટોચ પર રહેલું કર્ણાટક તનિશ્કા કાલભૈરવ અને
રાશિ રાવના અનુભવ પર આધાર રાખશે, જ્યારે
પી.એસ.પી.બી.એ ગ્રુપ-સીમાં આર્યા રેડકરની આગેવાની હેઠળ સંતુલીત ટીમ સાથે કોઈ પણ ટીમને
હરાવવાની ક્ષમતા ધરાવે છે. આગળના સ્તરે આસામ (125), રાજસ્થાન (115) અને ગુજરાત (111) ડાર્ક હોર્સ બની શકે છે. આસામ
ગ્રુપ-ઈમાં ટોચે પહોંચી છે. રાજસ્થાન (ગ્રુપ-એફ) અને ગુજરાત (ગ્રુપ-જી)ને તુલનાત્મક
રીતે ખુલ્લું મેદાન મળતાં તેઓ માટે નોકઆઉટ તબક્કામાં પહોંચવાની સારી તક છે. ગુજરાતની
ગર્લ્સ ટીમ પહેલાં ટીમ ઇવેન્ટમાં પ્રભાવ પાડવા આતૂર રહેશે તેમજ અંડર-15 ગર્લ્સ માટે પહેલાં ગ્રુપ સ્ટેજની
કસોટી રહેશે, ત્યારબાદ મુખ્ય ડ્રો શરૂ
થશે.