નવી દિલ્હી, તા. 27 : ઈરાન ઉપર
અમેરિકા અને ઈઝરાયલનાં આક્રમણ સાથે શરૂ થયેલા જંગને હવે એક માસ પૂરો થવા આવ્યો છે અને
હજી સુધી તનાવમાં ઘટાડાના કોઈ સંકેત મળી રહ્યા નથી. અમેરિકાના બટકબોલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પ દિવસ ઊગે ને નવો દાવો કરે છે અને સ્થિતિ સતત અનિશ્ચિત બની છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી
જો પરિવહન શરૂ નહીં થાય તો પાંચ દિવસમાં ઈરાનનાં ઊર્જા મથકોને નિશાન બનાવવાની મોટી
ધમકી આપનાર ટ્રમ્પે હવે ફરી એકવાર ઈરાન સાથે શાંતિ સમજૂતીની વાટાઘાટો સારી રીતે આગળ
વધી રહ્યાનો દાવો કરીને હોર્મુઝની ખાડી ખોલવા માટે પાંચ દિવસની મહેતલ લંબાવીને 10 દિવસ કરી નાખી છે. યુદ્ધને
લીધે દુનિયાભરમાં આર્થિક નુકસાનને લીધે ટ્રમ્પ દબાણમાં આવી ગયા છે. દરમિયાન પાકિસ્તાનના
વિદેશમંત્રી ઈશાક ડારે પણ પુષ્ટિ આપી હતી કે, અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતાના પ્રયાસમાં પાકિસ્તાન હાલ બન્ને દેશ વચ્ચે
સંદેશાવાહક તરીકે કામ કરી રહ્યું છે, જેમાં તેને તુર્કી અને ઈજિપ્તનો
સહકાર મળી રહ્યો છે. જો કે, શાંતિની વાટાઘાટોના અમેરિકાના તમામ
દાવાઓને ઈરાન તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ આપવામાં નથી આવી. ઈરાનના ઉપસ્વાસ્થ્ય
મંત્રી અલી જાફરીને આજે કહ્યું હતું કે, અમેરિકા અને ઈઝરાયલનાં
યુદ્ધમાં અત્યાર સુધીમાં તેમના દેશમાં 1937 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. બીજીબાજુ ઈરાન ઉપરાંત લેબેનોનમાં
ત્રાટકેલા ઈઝરાયલે આજે લેબેનોનમાં ઝહરાની નદીના દક્ષિણમાં સ્થિત તમામ સ્થાનિકોને સ્થળાંતર
કરી જવાની ધમકી આપી હતી. લેબેનોનમાં 2 માર્ચથી ઈઝરાયલના હુમલાઓમાં કુલ 1100 લોકો મૃત્યુ પામ્યા હોવાનું
જાણવા મળ્યું છે. દરમિયાન અમેરિકાએ ઈરાનના ત્રીજા અને મોટા શત્રાગારને નષ્ટ કરી નાખ્યાનો
દાવો કર્યો હતો. ટ્રમ્પે ઈરાનમાં ઊર્જા મથકો ઉપર હુમલાની યોજનાને પાછી ઠેલ્યા બાદ ઈઝરાયલે
ઈરાનમાં મિસાઈલનાં મથકને નિશાનમાં લેવા માંડયા હતાં. સામે છેડે ઈરાને પણ ઈઝરાયલમાં
હુમલામાં કોઈ ઘટાડો કર્યો નહોતો.