• શનિવાર, 28 માર્ચ, 2026

ઊર્જા સુરક્ષા અને નાગરિકહિતને પ્રાથમિકતા

નવી દિલ્હી, તા. 27 (પીટીઆઈ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, પશ્ચિમ એશિયાના સંઘર્ષથી ઉદ્ભવતી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે આર્થિક અને વ્યાપારી સ્થિરતા જાળવી રાખવી, ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી, ઉદ્યોગ અને પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવી અને નાગરિકોનાં હિતોનું રક્ષણ કરવું એ સરકારની ટોચની પ્રાથમિકતાઓ છે.  મુખ્યમંત્રીઓની વર્ચ્યુઅલ બેઠકની અધ્યક્ષતા કરતાં મોદીએ કહ્યું હતું કે, પરિસ્થિતિ પર સતત દેખરેખ અને અનુકૂલનશીલ વ્યૂહરચનાઓની જરૂર છે, તેમણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સતત સંદેશાવ્યવહાર અને સંકલન, માહિતીની સમયસર આપ-લે અને સંયુક્ત નિર્ણય લેવાની હાકલ કરી હતી. મુખ્યમંત્રીઓને સપ્લાય ચેઇનનું સુગમ સંચાલન સુનિશ્ચિત કરવા અને સંગ્રહખોરી અને નફાખોરી સામે કડક પગલાં લેવાનો અનુરોધ કરતાં મોદીએ ખોટી માહિતી અને અફવાઓ ફેલાવવા સામે ચેતવણી આપી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગભરાટ અટકાવવા માટે સચોટ અને વિશ્વસનીય માહિતીનો સમયસર પ્રસાર જરૂરી છે. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતને સમાન વૈશ્વિક વિક્ષેપોનો સામનો કરવાનો અગાઉનો અનુભવ છે, કોવિડ-19 રોગચાળા દરમિયાન કેન્દ્ર અને રાજ્યોએ સપ્લાય ચેઇન, વેપાર અને દૈનિક જીવન પરની અસરોને ઘટાડવા માટે `ટીમ ઇન્ડિયા' તરીકે સાથે મળીને કામ કર્યું હતું.  બેઠકમાં ભાગ લેનારા મુખ્ય પ્રધાનોમાં એન. ચંદ્રાબાબુ નાયડુ (આંધ્રપ્રદેશ), યોગી આદિત્યનાથ (ઉત્તરપ્રદેશ), રેવંત રેડ્ડી (તેલંગાણા), ભગવંત માન (પંજાબ), ભૂપેન્દ્ર પટેલ (ગુજરાત), ઓમર અબ્દુલ્લા (જમ્મુ અને કાશ્મીર), સુખવિંદરસિંહ સુખુ (હિમાચલ પ્રદેશ) અને પેમાલ ખંડુ (હિમાચલ પ્રદેશ)નો સમાવેશ થાય છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર હતા. ચૂંટણી છે તેવા રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા નહોતા. 

Panchang

dd