• શનિવાર, 28 માર્ચ, 2026

ઇશ્વર ટ્રમ્પને સદ્બુદ્ધિ આપે : યુદ્ધ અટકે તો જ કલ્યાણ

તોરીલા ટ્રમ્પે ઈરાન સામેનાં યુદ્ધનાં ચાર અઠવાડિયાં પછી વાટાઘાટની તૈયારી દેખાડી છે. જો કે, યુદ્ધવિરામ માટે શરતો એવી છે કે, એમાં તેહરાને પોતાનાં કાંડાં કાપી આપવા પડે.વળી, એક તરફ શાંતિના પ્રયાસો અને બીજી તરફ હુમલા ચાલુ છે, પશ્ચિમ એશિયામાં અમેરિકા પોતાનાં દળોની સંખ્યા વધારી રહ્યું છે આથી ઈરાનનો ખટકાટ વાજબી છે. ઈરાન અને અમેરિકા એકબીજા પાસેથી જે ઇચ્છે છે એ આપવાની તૈયારી દેખીતી રીતે જ બેમાંથી એકેયની નથી. ઇતિહાસ સાક્ષી છે કે, ઇઝરાયલ-ઈરાન, રશિયા-યુક્રેન અથવા થાઈલેન્ડ-કમ્બોડિયા વચ્ચેના દૂઝતાં જખમ જેવા સંઘર્ષોનો અંત ઝટ કે આસાનીથી આવતો નથી. એમાંય વળી અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ તો વિક્ટરી ડિસીઝ એટલે કે, વિજયની બીમારીથી પીડાય છે, જેનું મુખ્ય લક્ષણ છે વિજય માટે પોતાની ક્ષમતાઓમાં આત્યંતિક આત્મવિશ્વાસ. ટ્રમ્પ રોજ નવા બણગાં ફૂંકે છે અને યુદ્ધવિરામની તૈયારીની વાત કર્યા પછી નેશનલ રિપબ્લિકન કોંગ્રેસનલ કમિટી દ્વારા વાશિંગ્ટનમાં યોજાયેલા ભંડોળ એકત્ર કરવા માટેના ડીનર કાર્યક્રમમાં કહ્યું કે- ઈરાને મને તેમના સર્વોચ્ચ લીડર બનાવવાની ઓફર કરી હતી, પણ મેં કહ્યું- નો, થેન્ક્સ. આ બધા વચ્ચે ઈરાનનો એક જ સૂર છે, તેહરાન અને વાશિંગ્ટન વચ્ચે કોઈપણ પ્રકારની વાતચીત થઈ નથી. આ લખાય છે ત્યારે ટ્રમ્પે ઇરાનને 10 દિવસની મહેતલ આપી છે. હોર્મુઝ ખાડીની નાકાબંધી પર નજર રાખનારા ઈરાનના નૌકાદળ કમાન્ડર અલીરઝા તાંગસિરીનો સફાયો કરી નાખ્યાનો દાવો ઇઝરાયલે કર્યો છે. એક તરફ, અમેરિકા યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરી રહ્યું છે અને બીજી તરફ ઇઝરાયલના ટાર્ગેટેડ હુમલા ચાલુ છે, એ જોતાં ઈરાન વળતો જવાબ આપશે જ. આથી, ટ્રમ્પ તેહરાન સાથે વાટાઘાટ પહેલાં નેતાન્યાહુને હુમલા રોકવા સમજાવવાની પહેલ કરે એ જરૂરી છે. ઈરાન-અમેરિકા વચ્ચે વિશ્વાસનો પાયો રચાય એ માટે આ અનિવાર્ય છે. અમેરિકાનો આ પહેલાંનો અનુભવ રહ્યો છે કે, યુદ્ધ શરૂ કરવું આસાન છે, રોકવું મુશ્કેલ અને તેમાંથી પૂરેપૂરો હાથ ખેંચી લેવો એ સમય માગી લેતી કવાયત છે- કોરિયા, વિયેતનામ, ક્યુબા અને અફઘાનિસ્તાન આનાં ઉદાહરણો છે, ઈરાકમાંથી પાંચ મહિનામાં નીકળી જવાનો આત્મવિશ્વાસ હોવા છતાં નવ વર્ષ સુધી તેમાં અટવાયેલા રહ્યા.અમેરિકાએ વાટાઘાટની વાત વહેતી મૂકી ત્યાં જ શેરબજારમાં અફરાતફરીને બ્રેક લાગી અને ક્રૂડતેલના ભાવ બેરલદીઠ સો ડોલરની આસપાસ સ્થિર થવા લાગ્યા. જો કે, 27મી ફેબ્રુઆરીએ હતા એના કરતાં ક્રૂડના ભાવ હજી પણ ચાળીસેક ટકા ઉપર છે અને આની અસર હવે દુનિયાભરમાં વત્તા-ઓછા અંશે વર્તાવા લાગી છે. વિશ્વભરના વિશ્લેષકોનો મત છે કે, યુદ્ધ ચાલતું રહ્યું તો આ દર દોઢસો ડોલરની આસપાસ પહોંચી જશે અને તેનાં પગલે વૈશ્વિક મંદીનાં પગરણ થશે, ખાસ તો એવા દેશોની હાલત કફોડી થશે, જેઓ હજી પણ કોવિડ-19ને પગલે આવી પડેલી મંદી જેવી સ્થિતિમાંથી માંડ ઊભા થઈ રહ્યા છે. વળી, જો યુદ્ધવિરામ અથવા શત્રવિરામ થાય તો પણ વિશ્વના અર્થતંત્ર પર તેની અસરમાંથી વિરામ ઝટ નહીં મળે, આથી યુદ્ધ અટકે એમાં જ સૌનું કલ્યાણ છે. 

Panchang

dd