ગાંધીધામ, તા. 27 : ભચાઉ તાલુકાનાં રામપર ગામે
સમાજના પ્રમુખ બનવા મુદ્દે 32 જેટલા શખ્સે
એક ઘર પર બંદૂક, રિવોલ્વર, પિસ્ટલ, ધારિયા, તલવાર,
ધોકા, કુહાડી, પાઈપ વડે હુમલો
કર્યો હતો. આ ટોળાંએ વાહનોમાં નુકસાન કરી એક વ્યક્તિને મારી નાખવાના ઈરાદે ધારિયા વડે
હુમલો કર્યો હતો. ટોળાં દ્વારા હથિયારો સાથે હુમલા બાદ પોલીસ દ્વારા હથિયારો અંગેની
કડક ઝુંબેશ છતાં પોલીસના અસ્તિત્વને પડકારતો આ બનાવ હોવાનું સામે આવ્યું છે. પોલીસ
મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ રામપરના રામજી કેસર મણકાએ બનાવ અંગે ગુનો નોંધ્યો હતો. આ
ફરિયાદીના મોટા ભાઈ લગધીરભાઈને સમાજ દ્વારા પ્રમુખ બનાવવા માગતા હોય અને નારણ રવા સંઘારને
પ્રમુખ બનવું હોઈ જેનું મનદુ:ખ રાખી આરોપીઓએ આ ઘાતક હુમલો કર્યો હતો. શિકરા ગામેથી
આરોપી એવા નારણ રવા સંઘાર, વિરમ નારણ સંઘાર, કરણ વેરા સંઘાર, રામજી સના સંઘાર, રાહુલ હોથી છુછિયા, દિનેશ કાનજી સંઘાર, જિગર રામજી સંઘાર, સંજય લાખા શિણાય, કિશન રાજેશ સંઘાર, મનોજ જગા સંઘાર, પપ્પુ ઉર્ફે દેસર રણમલ સંઘાર, લાલજી ઉર્ફે ખીમજી સવા
સંઘાર, લાલજી કાનજી સંઘાર, રાજેશ પપ્પુ
ઉર્ફે દેશર સંઘાર, અર્જુન પપ્પુ ઉર્ફે દેસર સંઘાર, કરણ પપ્પુ ઉર્ફે દેસર સંઘાર, નવીન પેથા સિયારિયા,
અલ્પેશ જગા સંઘાર, વેરા ખીમા સંઘાર, લખમણ સના સંઘાર, આનંદ સુખદેવ મણકા, ધનજી નારણ સંઘાર, નરેન્દ્ર કાનજી સંઘાર, હિરેન નારણ સંઘાર, મહેશ વાઘા સિયારિયા, વનરાજ વાઘા સિયારિયા, સુરેશ જગા સંઘાર, મયૂર રામજી સંઘાર તથા અન્ય 3થી 4 શખ્સ વાહનોમાં
ફરિયાદીના ઘરે આવ્યા હતા. આ શખ્સોએ અચાનક ફરિયાદી તથા તેમના પરિવાર ઉપર અચાનક પથ્થરમારો
કર્યો હતો, જેમાં ફરિયાદીના માતાને
ઈજાઓ પહોંચી હતી. આ પરિવારને જાનથી મારી નાખવાના ઈરાદે ટોળાં પૈકીના શખ્સોએ બંદૂક,
જોટો, રિવોલ્વર, પિસ્ટલથી
ફાયરિંગ કર્યું હતું તેમજ નારણ મઘા સંઘારને જાનથી મારી નાખવાના ઈરાદે તેના ઉપર ધારિયા
વડે હુમલો કરાયો હતો. આ આરોપીઓએ તલવાર, લાકડી, ધોકા, કુહાડી, પાઈપ વડે ફરિયાદીના
પરિવારના વાહનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું. આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં
વાયરલ થયો હતો, બનાવ અંગે પોલીસે ગુનો નોંધી 24 જેટલા આરોપીને હથિયારો સાથે
પકડી પાડયા હોવાનું પી.આઈ. જે.એમ. ઝાલાએ જણાવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા હથિયારો
અંગે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને લોકોનાં ઘરોમાં જઈને હથિયારો જપ્ત કરવામાં
આવ્યા હતા. તેવામાં આટલી મોટી માત્રામાં હથિયારો સાથે એક પરિવાર ઉપર જીવલેણ હુમલો કરાતા
અનેક પ્રશ્નો ઉપસ્થિત રહ્યા હતા.