• શનિવાર, 28 માર્ચ, 2026

ભગવાન રામના આદર્શોનું પાલન કરી પરિવાર, સમાજવ્યવસ્થા સુદૃઢ કરવા આહ્વાન

ભુજ, તા. 27 : શક્તિની આરાધના અને નવમા દિવસે શક્તિ-ભક્તિ અને સમર્પણના દાતા  મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના  જન્મોત્સવે તેમના આદર્શોનું પાલન કરી પરિવાર, સમાજવ્યવસ્થા સુદૃઢ કરવા આહ્વાન સાથે કચ્છભરમાં ઉજવણી કરાઈ હતી. - ભુજના પ્રાચીન ભગવાન શ્રીરામજીનાં મંદિરે ઉજવણી : ભુજ મધ્યે હમીરસરના કાંઠે અને રઘુનાથજીના આરે ભુજની સ્થાપના સમયના અતિ પ્રાચીન ભગવાન શ્રીરામજીનાં મંદિરમાં રામ જન્મોત્સવ ઊજવાયો હતો. સવારે પૂજારી પરિવાર દ્વારા શૃંગાર, મંગળાઆરતી, યજમાન પરિવાર સ્વ. ગાવિંદજી માધવજી ઠક્કર પરિવાર દ્વારા પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું, ધાર્મિકવિધિ ભરતભાઈ દવે દ્વારા સંપન્ન કરાવવામાં આવી હતી. સવારે હાટકેશ સેવામંડળ અને સંસ્કૃત પાઠશાળા દ્વારા ભજન સ્પર્ધા યોજાઈ હતી, સંચાલન વિભાકર અંતાણી અને આભારવિધિ વારિસ પટ્ટણીએ કર્યા હતા, ત્યારબાદ 10:30 કલાકે ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું પ્રસ્થાન રઘુનાથજી મંદિરથી કરાયું હતું. બપોરે 12 કલાકે ભગવાન શ્રીરામના જન્મનો જયઘોષ પૂજારી સુનીલ વ્યાસ દ્વારા કરાયો હતો. મહાઆરતીમાં કિશોરભાઈ વ્યાસ અને તેમના સાજિંદાઓ દ્વારા નોબતવાદન કરાયું હતું.  સાંજે મેકરણદાદા મહિલા મંડળ દ્વારા ભજન-ધૂન- સત્સંગનું આયોજન કરાયું હતું. આયોજન પૂજારી પરિવારના સંજય વ્યાસ અને શ્રી રઘુનાથજી નામ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણ પૂજારા, મંત્રી મહેશ કંસારા, ખજાનચી કિશોર જોબનપુત્રા, બાંધકામ સમિતિના ચેરમેન દિલીપ પૂજારા, રાજુ પુરોહિત, નીતિન મકવાણા, મનોજ ઠક્કર (ફોટો મેજિક), મનોજ આર. ઠક્કર, પીયુષ ઠક્કર, મયૂર વ્યાસ, જયેશ કોઠારી, જયેશ સોનેતા, દુષ્યંત વ્યાસ, મુકેશ રાઠોડ વગેરેએ જહેમત ઉઠાવી હતી. - મહાઆરતી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા : ભુજ લોહાણા યુવામંડળ દ્વારા વોકળા ફળિયા રામ મંદિરે  પૂજા-અર્ચના, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. રામમંગ્યા પરિવારના પ્રેમિલાબેન પ્રફુલ્લભાઈ તથા હેતલબેન અંકિતભાઈનો સહયોગ રહ્યો હતો. સમાજ પ્રમુખ ડો. મુકેશ ચંદે, ઉપપ્રમુખ હરેશ કતિરા, મંત્રી કમલ કારિયા, યુવા મંડળના પ્રમુખ નીલ સચદે, ઉપપ્રમુખ નમન ઠક્કર, રઘુવંશી સોશિયલ ગ્રુપના જયેશ સચદે, શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર, મહિલા મંડળના પ્રમુખ પલ્લવી ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દાતા પરિવારોનું સન્માન કરાયું હતું. યુવા મંડળના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી. - શોભાયાત્રા નીકળી : રામનવમી તથા ગુરુ ઓધવરામજીના 137મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે ઈશ્વર આશ્રમ વાંઢાય ખાતે શોભાયાત્રા નીકળી હતી. મહંત ભરતદાસ ગુરુ કરસનદાસ તથા હરિહર પરંપરાના સેવકો દ્વારા મંગલાઆરતી તથા પ્રાત:સ્મરણ ગાન કરાયું હતું. મહાપ્રસાદ યોજાયો હતો. સંચાલન ભરતદાસજી, કાનાભાઈ આયર, કરશનજી ડોલુભા, વિનોદ રામજિયાણી, ભૂપેશ ભાનુશાલી વિ.એ કર્યું હતું. રતનાલથી આયર સમાજના અગ્રણીઓ, ભુજથી ભાનુશાલી સમાજના અગ્રણીઓ, સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. - પંચામૃત - પંજરી પ્રસાદ વિતરણ : ભુજની એકતા સોસાયટીની બાજુમાં આવેલા બિહારીલાલ (દૂધેશ્વર) મહાદેવ મંદિરમાં ભગવાન શ્રીરામનું પૂજન, આરતી, પંચામૃત-પંજરી પ્રસાદ વિતરણ કરાયું હતું. આરતી-પૂજન ગુરુ વલ્લભપુરી ગોસ્વામીએ કર્યું હતું. આયોજન મૌનીબાપુ સેવા સમિતિએ સંભાળ્યું હોવાનું મંદિર સમિતિના અગ્રણી રૂપભાઈ ઠક્કર, નિકુંજભાઈ ધોળકિયાએ યાદીમાં જણાવ્યું હતું. - ગાંધીધામમાં હર્ષોલ્લાસ સાથે રામનવમી ઊજવાઇ : શહેરના ભારતનગર આશાપુરા મંદિરથી સનાતન શ્રીરામ સંગઠન તથા અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા રામલલાની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. નવ ઝાંખી સાથે પ્રારંભ થયેલ આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર 83 ઝાંખી સાથે નીકળી હતી, જેમાં નાની બાળકીઓએ તલવારબાજી કરી હતી તેમજ દિલ્હી વગેરેથી આવેલા કલાકારોએ આગ વગેરેના કરતબો કર્યા હતા. આ વેળાએ સંતો, મહંતોની શાહી રવાડી નીકળી હતી. શોભાયાત્રામાં દેવેન્દ્રગિરિ બાપુ, પ્રકાશ આનંદ મહારાજ, ભરત ડાડા, કૈલાશપુરી બાપુ, ચારણ ઋષિ બાપુ, રામકરણદાસજી મહારાજ, કૃષ્ણનંદજી મહારાજ, સ્વામી મંત્રેશાનંદજી, બેચરગર ગોસ્વામી, ધર્મગુરુ ધીરજડાડા માતંગ, ચંદુડાડા માતંગ, પચાણ દાદા માતંગ, મહેશદાસજી મહારાજ વગેરે સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સનાતન શ્રીરામ સંગઠનના રાજભા ગઢવી, મોહનભાઇ ધારશી, તેજાભાઇ કાનગડ, સુરેશ ગુપ્તા, મોમાયાભા ગઢવી, જીવાભાઇ હુંબલ, દામજીભાઇ ભાનુશાલી, રાજુ ચંદાણી, વિશાલ થાપા, હિંમતદાન ગઢવી, રાજીવસિંઘ રાજપૂત, શરદ શેટ્ટી, કિરણ પ્રજાપતિ તેમજ મહેશ્વરી મેઘવાળ સમાજના જીવરાજભાઇ ભાંભી અને વિવિધ સમાજના અને સંસ્થાઓના અગ્રણીઓ, હોદ્દેદારો, રાજકીય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં રામભકતો ઉપસ્થિત રહ્યા હતા. - નવી દુધઈ બન્યું રામમય : અંજાર તા.ના નવી દુધઈ-જૂની દુધઈ રામમય બન્યા હતા. સ્થાનિક લોહાણા મહાજન તથા લોહાણા ચોવીસી દ્વારા રામમંદિરેથી શોભાયાત્રા નીકળી હતી. રામલલાની મહાઆરતી દરિયાસ્થાનના પૂજારી રમણીકગિરિ બાપુ દ્વરા કરાઈ હતી. સમૂહ પ્રસાદ યોજાયો હતો. લોહાણા યુવક મંડળ તથા લોહાણા મહિલા મંડળે વ્યવસ્થા સંભાળી હતી. - કળશ સ્થાપન, ધ્વજારોહણ સહિત કાર્યક્રમો : ભુજ તા.ના ઝુરા ગામે સ્થાનિક ભાનુશાલી યુવા સર્કલ દ્વારા રામજન્મોત્સવ તથા ઓધવરામ બાપાનો 137મો પ્રાગટયોત્સવ ઊજવાયા હતા. કળશ સ્થાપન, મૂર્તિસ્નાન, ધ્વજારોહણ, શોભાયાત્રા, આરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. - માંડવીમાં શોભાયાત્રા : બંદરીય શહેરમાં રામનવમીની સવારે ભગવાન શ્રી રામજીના પ્રાગટય પર્વે ભગવાન સ્વામીનારાયણના અવતરણ દિને હિન્દુ યુવા સંગઠન ભારત તથા સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજીત શોભાયાત્રાને સ્વામીનારાયણ મંદિરે સંતો મહંતોની નીશ્રામાં પ્રસ્થાન કરાવાયું હતું. શોભાયાત્રા વેળાએ ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવેની ઉપસ્થિતિમાં વિવિધ હિન્દુ સમાજના પ્રમુખો, વરિષ્ઠો જોડાયા હતા. સવારે સ્વામીનારાયણ મંદિર પરિસરે શ્રીરામ શોભાયાત્રને હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ રઘુવિરસિંહ જાડેજાની દોરવણીમાં જ્ઞાનગિરિજી મઠના પીઠાધીશ મહંત બસંતગિરિજી, સ્વામીનારાયણ મંદિરના સ્વામી રઘુવીરચરણદાસજી, શાત્રી સ્વામી સદગુરૂસ્વરૂપ દાસજી, સ્વામી હરિવદનદાસજી આદિ સંતો-મહંતોના આશીર્વાદે સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. વિરામ સ્થળે ઉપસ્થિત બહોળી સંખ્યામાં આસ્થાળુઓ, ભાવિકો માટે આઝાદ ચોક ખાતે સંસ્થા દ્વારા મહાપ્રસાદ યોજાયો હતો. હિન્દુ યુવા સંગઠનના શહેર પ્રમુખ રાજાભાઈ પરમાર, તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી સચીન મહેશ્વરી, વિજય ચૌહાણ, નરેન સોનીભૌમિક માલમ, ધનરાજ ગઢવી, અરવિંદસિંહ જાડેજા વગેરેએ આયોજન સંભાળ્યું હતું. બાળકોએ વેશભૂષા સાથે આકર્ષણ જગાવ્યું હતું. - માંડવી લોહાણા મહાજન દ્વારા રામધૂન આરતી : લોહાણા મહાજન માંડવી દ્વારા રામમંદિર બાંડિયાવાળી ધર્મશાળામાં રામધૂન, મહાઆરતી, સમૂહ ફળાહાર યોજાયા હતા. દાતા જિતેન્દ્રભાઇ જમનાદાસ બાવળ પરિવાર (જિજ્ઞા રેસ્ટોરન્ટ-ભુજ) તથા શૈલેષભાઇ મડિયાર પરિવાર રહ્યા હતા. પ્રમુખ શૈલેષભાઇ મડિયાર, દિલીપભાઇ ઠક્કર, સુરેશભાઇ ઠક્કર, તરુણાબેન બાવળ, હર્ષાબેન મડિયાર, અલ્પાબેન તન્ના સહિતના ઉપસ્થિરત રહ્યા હતા. - નખત્રાણામાં સનાતની હિન્દુઓ ઊમટયા : નખત્રાણામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજિત વિરાટ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સનાતની હિન્દુ સમાજ ઉમટયો હતો. વક્તાઓએ મર્યાદા પુરુષોત્તમ રામના આદર્શોનું પાલન કરી પરિવાર અને સમાજ વ્યવસ્થા સુદ્દઢ કરવા આહ્વાન કર્યું હતું. સરદાર પટેલ ગ્રાઉન્ડથી નીકળેલી શોભાયાત્રા શહેરના માર્ગો પર ફરી હતી. હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ધર્મ મજબુત હશે તો રાષ્ટ્ર મજબુત બનશે માટે હિન્દુ ધર્મનું સન્માન કરવા આહ્વાન કર્યું હતું. આ શોભાયાત્રામાં બાળકોની વેશભુષાએ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગો મોટી વિરાણી રામ મંદિરના લઘુ મહંત સુરેશદાસજી, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, બિબ્બરના મુકુલદાસજી મહારાજ, બેરુના વીરનાથબાપુ, ભાગવતચાર્ય આશિષ મહારાજ, કૌશલ્યઈન્દ્ર જાડેજા, જયપાલસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પીયૂષ રૈયાણી આભારવિધિ નીતિન ભાદાણીએ કર્યા હતા.  - નખત્રાણામાં રામ પ્રાગટય ઉત્સવ : નખત્રાણા લોહાણા મહાજન દ્વારા શ્રીરામની જન્મ જયંતી પ્રસંગે ધર્મેશ કાન્તા કતિરા પાર્ટી પ્લોટ ખાતે આરતી, પૂજન, સત્સંગ તથા રામ પ્રાગટય ઉત્સવ, રાસોત્સવ, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રમુખ રાજેશ પલણના માર્ગદર્શનમાં ગૌમાતાને લીલાચારાનું નીરણ, શ્વાનને રોટલા, પક્ષીને ચણ વિ. સેવાકાર્યો કરાયા હતા. દાતા પ્રદીપભાઇ મોહનભાઇ સચદે-રસલિયા અને સ્વ. કુસુમબેન પોપટભાઇ કોઠારી હ. વાસંતબેન મુકેશભાઇ કોઠારી તથા સ્વાતિ શૈલેષભાઇ કોઠારી, નીતિનભાઇ રાજદે, શિવ રાજદે સહયોગી રહ્યા હતા. જગદીશભાઇ પલણ, વિશનજીભાઇ પલણ, ધર્મેશભાઇ કતિરા, મીરાંબેન ઠક્કર, ભાનુબેન આથા, રીનાબેન પલણ સહિત ઉપસ્થિત રહ્યા હતા. - મોટી વિરાણીમાં શોભાયાત્રા-હોમહવન : રવિભાણ આશ્રમ-રામમંદિર સંસ્થાન દ્વારા રામનવમીએ જગદ્ગુરુ 1008 સ્વામી રામકબીર શાંતિદાસજી મહારાજના સાંનિધ્યમાં શોભાયાત્રા, હોમહવન, રામ જન્મોત્સવ, આરતી, મહાપ્રસાદ, સત્સંગ પ્રવચન યોજાયા હતા. શાંતિદાસજીએ સનાતની ધર્મના નેજા હેઠળ એક બની રહેવા શીખ આપી હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લઘુમહંત સુરેશદાસ બાપુ, ભરતભાઇ સોમજિયાણી, મનોજ નાકરાણી, દીપક આઇયા, છગનલાલ આઇયા વિ. ઉપસ્થિત રહ્યા હતા. - મંગવાણા ઠાકર મંદિર પૂજન-અર્ચન : નખત્રાણા તાલુકાના મંગવાણામાં પ્રાચીન ઠાકર મંદિરે રામનવમી નિમિત્તે પૂજન-અર્ચન કરાયા હતા ભગવાનની આરતી-ભજનો રજૂ કરાયા હતા. વ્યવસ્થા હરેશભાઇ પંડયા, શૈલેષભાઇ પંડયા, સંગીતાબેન પંડયા સહિતનાએ વ્યવસ્થા સંભાળી હતી. - નેત્રા રામમંદિરે શોભાયાત્રા : નેત્રા રામમંદિરે રામજન્મ, આરતી, પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમ બાદ સાંજે રામમંદિરથી શોભાયાત્રા નીકળી હતી. વથાણ ચોકથી આશાપુરા મંદિરે અને ત્યારબાદ જોગમૈયા મંદિર થઇ પરત આવ્યા હતા. ભાવિકો ભક્તિભેર શોભાયાત્રામાં જોડાયા હતા. સમગ્ર નેત્રા રામમય બન્યું હતું. - વિથોણમાં બાઇકરેલી સહિતના કાર્યક્રમો : વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા રામનવમી પ્રસંગે વિથોણ પ્રખંડ દ્વારા બાઇકરેલી યોજાઇ હતી. ભાગવત કથાકાર જગદીશ મહારાજ તથા સંત મુક્તાનંદ મહારાજ દ્વારા પ્રસ્થાન કરાયું હતું. ડો. સુધીરભાઇ પાલેજા, સંત સુરેશદાસ મહારાજ, અક્ષયભાઇ ઠક્કર, નાજાભાઇ ભરવાડ, ચંદુભાઇ રૈયાણી, દિનેશભાઇ ગજ્જર, કિશોરભાઇ છાભૈયા, સંદિપભાઇ મોરેશિયા સહિતના જોડાયા હતા. - રવાપર રામના રંગે રંગાયું : રવાપર રામમંદિર અને લક્ષ્મીનારાયણ મંદિરે રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. મંદિરોમાં રામજન્મ, આરતી, પૂજન, પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સમગ્ર રવાપર રામના રંગે રંગાયું હતું. - નલિયામાં શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી  : અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવે સમગ્ર નગર રામમય બની ગયું હતું અને બપોરે 'રામ લલ્લા'ના પ્રાગટ્ય સમયે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.  ઐતિહાસિક રામ મંદિર ખાતે બપોરે 12 કલાકે ભગવાનના જન્મોત્સવ ટાણે ભવ્ય મહા આરતી યોજાઈ હતી, મંદિર પરિસર 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ ઉત્સવને મનાવવા માટે નલિયા વેપારી એસોસિએશન દ્વારા પણ સહયોગ અપાયો હતો. રામ જન્મોત્સવના માનમાં વેપારીઓએ સવારથી બપોર સુધી સ્વયંભૂ રીતે પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને ભક્તિના આ પર્વમાં જોડાયા હતા. - ભચાઉ નગર જય શ્રીરામના નાદથી ગુંજ્યું  : ભચાઉમાં રામનવમી રામ જન્મોત્સવ એ ભગવાન રામની પૂજા અર્ચના કરીને વિશાળ શોભાયાત્રા શહેરભરમાં ફરી હતી અને જય જય શ્રી રામના નાદ થી નગર ગુંજ ઉઠ્યું હતું. શહેરમાં રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ભગવાન શ્રીરામનો પ્રાગટ્ય મહોત્સવ ભક્તિ ભાવપૂર્ણ ઉજવવામાં આવ્યો હતો. જુના કોટ વિસ્તારમાં આવેલા દરિયા સ્થાન મંદિર પરિસરના રામ દરબાર, જલારામ બાપા જૂલેલાલ મંદિરે સવારથી દર્શન માટે ભક્તોની લાઈન લાગી હતી . ભગવાન રામ,માતા સીતા અને હનુમાનજીની વેશભૂષા પરિધાન બાળકોએ ધારણ કર્યા હતા, અલગ અલગ ઝાંખીઓ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે શહેરના અલગ અલગ માર્ગો ઉપર ફરી હતી. બપોરે ભગવાન શ્રીરામના પ્રાગટ્ય મહોત્સવની સમૂહ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.પારણું ઝુલાવાનો પ્રથમ લાભ કાંતિલાલ દયાળજી રામાણી પરિવારે લીધો હતો, મહાજન પ્રમુખ નરેન્દ્રભાઈ કોટક, ઉપપ્રમુખ રાજેશભાઈ કાથરાણી, મંત્રી બીપીનભાઈ સોમેશ્વર, અશોકભાઈ રાણા, હિતેશભાઈ ઠક્કર, અંબાલાલ ચંદે, પ્રવીણભાઈ ચંદે, નરોત્તમભાઈ સોમેશ્વર, ધીરુભાઈ કોટક, પ્રવીણચંદ્ર ઠક્કર, પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ ઠક્કર, નીરજભાઈ રાજદે, પત્રકાર મનસુખભાઈ ઠક્કર, હાર્દિક ઠક્કર,સુમિત ઠક્કર, બ્રિજેશ ઠક્કર વગેરે સેવા આપી હતી. ભાવનાબેન ઠક્કરવર્ષાબેન ચંદે,યુવક મંડળના પ્રમુખ પરેશભાઈ ઠક્કર, મંત્રી કિરણભાઈ કોટક વગેરે સેવા આપી હતી. - ભચાઉમાં ભગવાન રામની પ્રતિમાનું પૂજન : ભચાઉના નવા બસ સ્ટેન્ડ સામે પ્રવેશદ્વાર પાસે અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠાના દિવસે જ સ્થાપિત ભગવાન રામની પ્રતિમાની દાતાઓ તેમજ રઘુવંશીઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી.  ભચાઉ રઘુવંશી લોહાણા સમાજ દ્વારા વૈદિકમંત્રો સાથે પ્રતિમાનું પૂજન અર્ચન કરીને દર્શન કર્યા હતા. આ પ્રસંગે ભચાઉ લોહાણા મહાજન પ્રમુખ નરેન્દ્રભાઈ કોટક, મંત્રી બીપીનભાઈ સોમેશ્વર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. - સામખિયાળી નવરાત્રિ મંડળ દ્વારા ઉજવણી : સામખિયાળી નવરાત્રિ મંડળ દ્વારા રામનવમી પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બાળકો રામ, લક્ષ્મણ, સંતો સહિતની વેશભૂષામાં સજ્જ થયા હતા. મંડળ દ્વારા પ્રસાદનું વિતરણ કરાયું હતું. રામનામ સાથે ભક્તિભર્યો માહોલ સર્જાયો હતો. - રાપરમાં રામ-ઘનશ્યામ જન્મોત્સવની ઉજવણી : રાપરમાં રામ-ઘનશ્યામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આખું નગર ધજા, પતાકા અને કમાનોથી શણગારવામાં આવ્યું હતું. હિન્દુ યુવા સંગઠન અને રામ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા સવારે બાઈક રેલી, શોભાયાત્રા, પ્રાગટ્યોત્સવ-મહાઆરતીનું ગાંધી ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જે નગરનાં મુખ્ય માર્ગો પર ફરી પરત ગાંધીચોક ખાતે આવી હતી. બપોરે લોહાણા સમાજ દ્વારા શોભાયાત્રા,મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે બાર વાગ્યે  ઠાકર મંદિરોમાં રામ પ્રાગટ્યોત્સવ ઉજવાયો હતો. તો રાત્રે સ્વામીનારાયણ મંદિરમાં ઘનશ્યામ જન્મોત્સવ, રાસોત્સવ, મહાઆરતી, મહાપ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોમાં નગરપાલિકા પ્રમુખ ચાંદ ઠક્કર, ડો. ત્રિકાલદાસજી, નશાભાઈ દૈયા, મહેન્દ્રાસિંહ વાઘેલા, ભીખુભા સોઢા, ઉમેશભાઈ સોની, લાલજી કારોત્રા, મદુભા વાઘેલા, દિલીપભાઈ જાદવ, વિનુભાઈ થાનકી, કેશુભા વાઘેલા, બળવંતભાઈ ઠક્કર, ભરતભાઈ મઢવી, કમલાસિંહ સોઢા સહિત મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો, સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં સનાતની ભાવિક ભક્તો જોડાયા હતા. - ભાવિકો ઉમટયા : ચાલીસ વર્ષ પૂર્ણ કરી 41મા વર્ષમાં પ્રવેશ કરેલા રામરોટી અને છાશ કેન્દ્ર ખાતે રામનવમીની ઉજવણી કરાઈ હતી. ભગવાન રામની આરતીમાં ભાવિકો ઉમટયા હતા. અહીંના અન્નક્ષેત્રમાં મોટી સંખ્યામાં લોકો લાભ લે છે. - મહાયજ્ઞ સાથે સ્તુતિ-સ્તવનો : ભુજના ગૌરવપથ પર આવેલા મા ગાયત્રી મંદિરમાં ચૈત્રી નવરાત્રીનું અનુષ્ઠાન કરનારા પરિવારો માટે ચોવીસ કુંડી પૂર્ણાહુતી મહાયજ્ઞ સાથે સ્તુતી-સ્તવનોથી ભગવાન રામનો પ્રાગટયોત્સવ ઉજવાયો હતો. સમુહપ્રસાદમાં ભક્તજનો ઉમટયા હતા. - જીવદયા પ્રવૃતિઓ કરાઈ : ભુજમાં રહેતા કોઠારા પરિવાર દ્વરારા રામનવમી નિમિત્તે ભુજ અને માધાપરના વિસ્તારોમાં ગાયોને નીરણ, પક્ષીઓને ચણ સહિત જીવદયા પ્રવૃતિઓ કરાઈ હતી. વ્યવસ્થા પ્રબોધભાઈ મુનવર, નિકુંજભાઈ અબોટી, મનોજ સોનીવિક્રમસિંહ જાડેજા, વેરૂભા સોઢા વિ. સંભાળી હતી. - માધાપરમાં ઉજવણી : અહીંની રામ રેસીડેન્સીમાં રામ જન્મોત્સવની ઉજવણીમાં ભાવિકો ઉમટયા હતા. 

Panchang

dd