ભુજ, તા. 27 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના
નિમિત્તે યુવાઓની સિદ્ધિને બિરદાવવા હેતુથી અહીંના જ્યુબિલી ગ્રાઉન્ડમાં કચ્છ મહિલા
વિકાસ સંગઠન દ્વારા બે દિવસીય `ફ્રીડમકપ-કિશોરી
લિગ' ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું.
આ ટૂર્નામેન્ટ માત્ર રમત બની ન રહેતાં કચ્છની કિશોરીઓમાં રહેલી પ્રતિભા, જુસ્સો અને આત્મવિશ્વાસને જીવંત રીતે ઉજાગર કર્યો હતો. 10 ગામની ટીમો ભાદરોઇ, આંબાર, ભીમાસર,
ભુજ સ્લમ, અંજાર, જવાહરનગર,
ખંભરા, સિનુગ્રા, નથ્થરકુઇ
અને મિંદિયાળાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમ દિવસે રમાયેલી લીગ મેચોએ સ્પર્ધાની ગરમી
વધારી, જ્યારે બીજા દિવસે સેમિફાઇનલ પછી તો આખી બાજી જ પલટાઇ
ગઇ હતી. સ્પર્ધામાં ઉપસ્થિત મહેમાનોમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ ડોરિયા સહિતના આગેવાનો હતા અને ખેલાડીઓને
પ્રોત્સાહિત કરી તેમની સિદ્ધિ બિરદાવી હતી. સ્કોરર તરીકે ધર્મેશ ચાવડા અને નિખિલ મહેશ્વરી
જોડાયા હતા. - ફાઇનલમાં
બાજી પલટાઇ ગઇ : ટૂર્નામેન્ટ
દરમ્યાન આંબાપરની પ્રાચિનો બેટિંગમાં દમદાર દેખાવ રહ્યો. ફાઇનલ પહેલાં બંને મેચમાં 100થી વધુ રન ખડકી દીધા હતા અને નોટઆઉટ રહીને તેણે ટીમને આગળ વધારી, પરંતુ ફાઇનલમાં તે માત્ર 18 રન પર આઉટ થતાં મેચનું ભાવિ
પલટાઇ ગયું. - વિજેતા ટીમે તકનો લાભ લીધો
: પોઇન્ટ ટેબલમાં ટોચ પર રહેલી આંબાપર ટીમ
ફાઇનલમાં મોટો સ્કોર ઊભો કરવામાં નિષ્ફળ રહી, જેના કારણે નથ્થરકુઇએ તકનો પૂરતો લાભ લીધો. નથ્થરકુઇ ટીમે શાનદાર પ્રદર્શન
સાથે આંબાપરને હરાવી ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો. બીજી બાજુ નથ્થરકુઇની જશુ આહીર અને
રિદ્ધિ આહીરે ઓલરાઉન્ડ પ્રદર્શનથી આખી સિરીઝમાં ટીમને આગળ ધપાવી. - ગજબનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ
: ભાઇઓના મુકાબલે બહેનોની આ મેચ અંગે નિખિલભાઈએ
પ્રતિભાવ આપતાં કહ્યું કે, ગામડાઓમાંથી
નીકળીને મેદાનમાં ઊતરેલી આ કિશોરીઓનું માત્ર રન અને વિકેટમાં પ્રદર્શન નહોતું,
પરંતુ સાચી ખેલદિલીની ભાવના દેખાડી હતી. અમે ખુદ મેચ રમીએ છીએ,
પણ આ દીકરીઓમાં ગજબનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.