• સોમવાર, 02 માર્ચ, 2026

ભારાસરમાં છવાયો શૂટિંગ બોલીબોલ સ્પર્ધાનો રંગ

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 1 : ચોવીસીમાં ક્રિકેટ કરતાં પણ વધુ લોકપ્રિય શૂટિંગ વોલીબોલ સ્પર્ધાએ રવિવારે ભારે રંગ જમાવ્યો હતો. સ્પર્ધા નિહાળવા ચોવીસીના રમતરસિયા ઊમટી પડતાં મેદાનો ગાજ્યાં હતાં. ભારાસર સ્પોર્ટસ સેન્ટર આયોજિત આ સ્પર્ધાને 19 વર્ષથી રમતગમતપ્રેમી એવા વિશ્રામભાઇ જાદવા વરસાણી પોતાની કંપની વિજય કન્સ્ટ્રક્શન સિસલ્સ દ્વારા પ્રાયોજિત કરી રહ્યા છે. ગામની વચ્ચોવચ આવેલા વોલીબોલ ગ્રાઉન્ડમાં જુદી-જુદી બે નેટ પર સવારે કચ્છી લેવા પટેલ સમાજ પ્રમુખ અને સેવાકાર્યોમાં દાતા એવા વેલજીભાઇ પિંડોરિયા અને પ્રાયોજક વિશ્રામભાઇએ ટોસ કરાવતાં જણાવ્યું કે, બિનક્રિકેટ સ્પર્ધાઓ સર્વાંગી કૌશલ્યો ખિલવે છે. પ્રથમ વખત સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની બે ટીમ મેદાન પર ઊતરી હતી. આખો દિવસ સ્પર્ધાનો રોમાંચ માણવા ગામ ઉપરાંત ચોવીસીના રમતરસિયા ઊમટી પડયા હતા. બિનનિવાસી દાનવીર એવા વિશ્રામભાઇને બિરદાવતાં સમાજ પ્રમુખ વેલજીભાઇએ કહ્યું કે, વિદેશમાં રહીને પણ વતનપરસ્તી દાખવનાર વ્યક્તિ લેવા પટેલ સમાજનું ગૌરવ છે પ્રાયોજક દ્વારા વિજેતાને 25,000 રૂપિયાનું ઇનામ આપવાનું જાહેર કર્યું હતું, જ્યારે મહિલા ટીમને ચંદ્રકો અપાયા હતા. ગામના સરપંચ દેવજીભાઇ તથા ભારાસર સ્પોર્ટસ સેન્ટરના યુવા કાર્યકરોએ સમગ્ર આયોજનને અનેરા રૂપરંગથી સજાવ્યું હતું. સંકલન સેન્ટર પ્રમુખ ચેતનભાઇ હીરાણી અને તમામ સભ્યોએ કર્યું હતું. ભોજન વ્યવસ્થા લેવા પટેલ સમાજના નેજા હેઠળ ગામના યુવાનોએ કરી હતી. કચ્છની ઉપરાંત ભાવનગરની ટીમો પણ મેદાને ઊતરી હતી. પાનધ્રો, વિરાણી, ગાંધીધામ, કુન્દનપર અને સ્થાનિક ભારાસરની ટીમોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવ્યું હતું. - વિશ્રામભાઇ ખુદ રમતવીર છે : સેડાતા નજીક સૂર્યા વરસાણી એકેડેમી જે ન માત્ર ગુજરાત પણ રાષ્ટ્રકક્ષાના રમત મેદાનોથી સજ્જ છે, તેના સ્થાપક વિશ્રામભાઇ ભારાસરમાં ચોથું ધોરણ, અમદાવાદમાં ઇજનેર બન્યા બાદ પ્રથમ કેન્યા બાદમાં ટાપુરાષ્ટ્ર સિસલ્સમાં વિજય કંપની સ્થાપી હતી. વિશાળ બાંધકામ વ્યવસાયમાં હજારો કામદાર માટે રમતગમતનાં આયોજનો કરતા રહ્યા. વિશ્રામભાઇ પોતે દરિયાના પેટાળમાં તરણવીર છે અને અનેક સ્પર્ધાઓ જીતી ચૂક્યા છે. ન માત્ર ગામના વિકાસમાં, પણ કચ્છી લેવા પટેલ સમાજના શ્રેષ્ઠીવર્ય દાતા છે. તેજસ્વી છાત્ર-છાત્રાઓ માટે જ્ઞાતિબાધ સિવાય શિષ્યવૃત્તિ આપતા રહ્યા છે. સૂર્યા વરસાણીમાં જિલ્લાની અગ્રિમ અંગ્રેજી માધ્યમ શાળા ચલાવી રહ્યા છે. તેમના કાર્યોમાં સહપાઠી ધનજીભાઇ વરસાણી (દિલ્હી) મહત્ત્વનો સાથે આપી રહ્યા છે. સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયાએ વિશ્રામભાઇને કચ્છના ગૌરવ લેખાવ્યા હતા.   

Panchang

dd