ભુજ, તા. 5 : તાલુકાના દેશલપર ગામે 25 વર્ષીય યુવાન પરિણીતા સોનલબા નટુભા સોઢા બીમાર
હોતાં અને કેન્સરના શક-વહેમના લીધે ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો, જ્યારે ભુજ તાલુકાના ભારાસરમાં પણ 17 વર્ષીય કિશોર એવા ક્રિષ્ના મગન જોગણિયાને કોઈ બાબતે
માતાએ ઠપકો આપતાં આવી નાની બાબતે ગળેટૂંપો ખાઈને અંતિમ પગલું ભરી લેતાં અરેરાટી વ્યાપી
છે. મૂળ કોટડી મહાદેવપુરી હાલે દેશલપર ગામે રહેતા યુવા પરિણીતા સોનલબાનો લગ્નગાળો છ
વર્ષનો હતો. તેઓની થોડા સમયથી તબિયત બરાબર રહેતી ન હતી, આથી તેમને કેન્સર થયાનો શક-વહેમ
હોવાથી ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. પતિ નટુભા રામસંગજી તેને સારવાર
અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે પતિ નટુભાએ માનકૂવા પોલીસ સમક્ષ વિગતો જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો
ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી હતી. બીજી તરફ ભારાસરમાં કિશોર વયના ક્રિષ્નાને તેની
માતાએ કોઈ બાબતે ઠપકો આપતાં તેને મનમાં લાગી આવતાં ગઈકાલે સાંજે પોતાના ઘરે ટૂંપો ખાઈ
લીધો હતો. આથી તેને પિતા મગન જોગણિયા સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ
આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બે અરેરાટીભર્યા બનાવથી પરિવાર તથા ગામમાં
ગમગીની છવાઈ હતી.