ગઢશીશા, તા. 5 : ગઢશીશા ખાતે પ્રાથમિક આરોગ્ય
કેન્દ્રને અપગ્રેડ કરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબદીલ કરાયું, પરંતુ હજુ પણ આ આરોગ્ય કેન્દ્રમાં અનેક ત્રુટિઓ
જોવા મળી રહી છે. આ ત્રુટીઓ નિવારાય, તો પંથકના 35થી 40 ગામના લોકોને ફાયદો થાય તેમ છે. અહીં એક્સ-રે, સોનોગ્રાફી તથા સિટીસ્કેન જેવા રિપોર્ટ માટે
પંથકના લોકોને ભુજ અથવા માંડવી સુધી લાંબા થવું પડે છે. કોરોનાકાળ બાદ નવા અને આધુનિક
અને ગામના સારા વિસ્તારમાં સરકાર દ્વારા આધુનિક ઢબે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ
કરાયું છે. પરંતુ આપતકાલીન સમયે અથવા જરૂરી સમયે આવા જરૂરી રિપોર્ટ માટે બહાર જવું
પડે છે જેની સુવિધા ટેકનિશિયન સાથે અહીં સ્થાનિકે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ
થાય તેવી લોકમાંગ પ્રબળ બની છે. હાલમાં અહીં એકસ-રે મશીન તો છે, પણ ટેકનિશિયન ન હોતા ધૂળ ખાઈ રહ્યું છે. જેની ભરતી સત્વરે કરાય તેવી માંગ લોકપ્રતિનિધિઓ
પાસે અવાર-નવાર કરાઈ છે છતાં કોઈ સકારાત્મક નિર્ણય નથી આવ્યો. - જૂનું દવાખાનું બિમાર હાલતમાં : પહેલાં જે
ઈમારતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત હતું,
તે ઈમારતની યોગ્ય સાર-સંભાળ ન લેવાતાં હાલ સાવ ખંડેર હાલતમાં પડયું છે,
જેમાં નવનિર્માણ કરી ડાયાલીસિસ સેન્ટર પ્રારંભ કરાય અથવા તબીબી સ્ટાફ
માટે ક્વાર્ટર બનાવાય, તો આ જગ્યા સચવાઈ જાય તેમ છે. સમયસર સુદૃઢ
તબીબી સેવા મળી રહે તે માટે અલગ-અલગ વિભાગના નિષ્ણાત સ્ટાફની ઘટ નિવારી લોકોને સુવિધા
મળે તે પણ મહત્ત્વનો મુદ્દો છે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતાં પ્રાથમિક આરોગ્ય
કેન્દ્રોમાં પણ પૂરતો સ્ટાફ મૂકી નાના ગામોને સમયસર તબીબી સેવા મળે તેવી માંગ પણ ગામડાંઓમાંથી
આવી રહી છે.