નખત્રાણા, તા. 5: અહીં મામલતદાર રાકેશ પટેલના
અધ્યક્ષસ્થાને નખત્રાણા તાલુકા સંકલન ફરિયાદ નિવારણ સમિતિની મળેલી બેઠકમાં ગત બેઠકના
સૂચિત પ્રશ્નોનું નિવારણ તેમજ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તથા સામાજિક ન્યાય સમિતિ
તા.પં. ચેરમેન લીલાવંતીબેન મહેશ્વરી દ્વારા રજૂ થયેલા પ્રશ્નોના નિવારણ માટે સંબંધિત
તંત્રના અધિકારી સમક્ષ રજૂઆત કરાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જાડેજાએ સંકલન બેઠકના
અધ્યક્ષને ઉદ્દેશીને લખેલા આઠ મુદ્દા પૈકી તાલુકામાં છેલ્લા છ માસનાં ઘરેલું તથા ખેતીવાડી
માટે વીજ જોડાણ મેળવવા તથા કનેક્શન ફેરબદલી અંગે જૂના અને જર્જરિત વીજવાયરો અને થાંભલાઓની
કામગીરી બાબતે ઝૂંપડાં વીજળીકરણ યોજના અંતર્ગત ડીસ સ્કીમ હેઠળ કામગીરી અંગે, વિથોણ ખેતીવાડી એ.જી. ફીડરમાં સૂર્યોદય યોજના
શરૂ ન થવાના કારણ અંગે, ખેતીની ડ્રીપ પદ્ધતિ યોજના અંતર્ગત વીજ
જોડાણ અંગે અનિયમિત એસ.ટી. બસ રૂટની સેવા સંદર્ભે ક્યા ક્યા ગામોમાં કેટલી અરજી મળી,
કેટલી કામગીરી થઈ છે, કેટલી કામગીરી બાકી છે,
કેટલા સમયમાં અપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે, કેટલી ગ્રાન્ટ અપાઈ છે, કેટલી બાકી છે વિગેરે વિગતવાર
માહિતી આપવા જણાવાયું હતું. પ્રાંત અધિકારી કચેરીના સભાખંડમાં મળેલી બેઠકમાં કાર્યક્રમના
પ્રારંભે શિવજી પાયણે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને બેઠકના એજન્ડાની રૂપરેખા વર્ણવી
હતી. શ્રી પટેલ દ્વારા ફરિયાદ નિવારણ માટે આવેલા પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓને
પ્રશ્નોતરી કરી યોગ્ય કામગીરી દ્વારા અરજદારોના પ્રશ્નો ઉકેલવા ભલામણ કરી હતી. આ પ્રસંગે
લીલાબેન દ્વારા પ્રાંત અધિકારીને ઉદ્દેશી લખેલા પત્રમાં તરા ગામથી લાખાડી તરફના માર્ગમાં
ગાંડા બાવળની ઝાડી કટિંગ કરાવવા, તરાથી મંજલ રસ્તા સમારકામ તેમજ
માધાપર (મંજલ)થી મંજલ તરફના રસ્તે પેચીંગ કામ, ઝાડી કટિંગ કરવા
રજૂઆત કરાઈ હતી. ઉપસ્થિત આર એન બી પંચાયતના અધિકારીઓને રસ્તાના મરંમત કામો સત્વરે પૂર્ણ
કરવા સૂચના અપાઈ હતી. એ.ટી.વી.ટી. સદસ્ય ધર્મેન્દ્ર ગોસ્વામીએ ખેડૂતોને બોર-કૂવા માટે
બે ગુંઠા જમીન મંજૂર કરવા, દૂરસંચાર બીએસએનએલની કથળેલી સેવાઓથી
બેંક, પોસ્ટ, પંચાયતી વહીવટી કામમાં પડતી
મુશ્કેલી નિવારવા રજૂઆત કરાઈ હતી. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય, પોલીસતંત્ર સહિતના
ઉપસ્થિત અધિકારીઓને શ્રી પટેલે લોકોના વિકાસલક્ષી પ્રશ્નો સત્વરે નિવારવા સૂચનો કર્યાં
હોવાનું યાદીમાં જણાવાયું હતું.