ભુજ, તા. 5 : કચ્છના સરહદી લખપત તાલુકાના
વિવિધ ગામડાઓમાં જઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા
કરી ગ્રામજનો સાથે સંવાદ-ખાટલા સભા યોજશે. શ્રી સંઘવી સાથે 30 વરિષ્ઠ આઈપીએસ અધિકારીની ટીમ
જોડાશે. ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ,
માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા સહિતના વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમીક્ષા
આ મુલાકાત દરમિયાન કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ 30 સિનિયર આઈપીએસ અધિકારીની ટીમ
ભારત-પાકિસ્તાન સરહદ પરના અલગ-અલગ ગામડાઓની મુલાકાત લેવાની છે. જેનો મુખ્ય ઉદ્દેશ સીમાવર્તી
વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે. નાયબ
મુખ્યમંત્રી ગુરુવારે તા. 6 નવેમ્બરના
સવારે ભુજ સર્કિટ હાઉસ પહોંચશે, જ્યાંથી
તેમના આ કાર્યક્રમનો વિધિવત પ્રારંભ થશે. આ
મુલાકાત દરમિયાન સીમાવર્તી ગામોના સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત, રાત્રિ ખાટલા સભા અને સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત,
સમગ્ર ટીમ ખાસ કરીને ગામડાઓની મહિલાઓ અને યુવાઓ સાથે સંવાદ કરીને તેમની
સમસ્યાઓ અને પડકારોને નજીકથી જાણવાનો પ્રયાસ કરશે. આ મુલાકાતનો હેતુ સીમાવર્તી ગામોની
સર્વગ્રાહી સમીક્ષા કરવાનો છે, જેમાં મુખ્યત્વે આરોગ્ય,
શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા અને સુરક્ષા સહિતના વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમીક્ષા
કરવામાં આવશે. સરહદી સુરક્ષાના વિષયો જેવા કે, એન્ટીનેશનલ એક્ટિવિટીઝ
અને બોર્ડર પેટ્રાલિંગ ઓપરેશન અંગે બીએસએફ અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરાયું
છે. સીમા સુરક્ષા દળના જવાનો સાથે સંવાદ સાધી સરહદની સુરક્ષાની સ્થિતિનો તાગ પણ મેળવવામાં
આવશે. આ મુલાકાતનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે, નાયબ મુખ્યમંત્રી
હર્ષ સંઘવી પોતે ગામના ભાતીગળ રહેઠાણ દેશી ભૂંગામાં જ રાત્રિરોકાણ કરશે. એટલું જ નહીં,
તેમણે તમામ સિનિયર ઉચ્ચ અધિકારીઓને પણ સર્કિટ હાઉસ કે હોટલને બદલે ગામમાં
જ રાત્રિરોકાણ કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય પાછળનો હેતુ ગામની સંસ્કૃતિ,
ગ્રામજનોની રહેણી-કહેણી તેમજ તેમની સમસ્યાઓને નજીકથી અનુભવીને તેના પર
અસરકારક રીતે કાર્ય કરવાનો છે.