નવી દિલ્હી, તા. પ : પરમાણુ પરીક્ષણનો આદેશ આપીને દુનિયામાં ચિંતા પ્રસરાવી
દેનાર ડોનાલ્ડ ટ્રમ્પે હવે ફરીથી અણુશત્ર હરીફાઈનો આગાઝ કરી દીધો હોય તેવો ઘાટ ઘડાયો
છે. અમેરિકાની વાયુસેનાના ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડે આજે કેલિફોર્નિયાથી એક હથિયાર રહીત
મિનિટમેન-3 આંતરમહાદ્વીપીય
બેલિસ્ટિક મિસાઈલ (આઈસીબીએમ)નું પરીક્ષણ કર્યું હતું. આ પરમાણુ મિસાઈલનો સામાન્ય અખતરો
હોવાનું કહેવામાં આવે છે. આ મિસાઈલ માર્શલ દ્વીપ સમૂહ પાસેનાં રોનાલ્ડ રિગન બેલિસ્ટિક
મિસાઈલ ડિફેન્સ ટેસ્ટ સાઈટ ઉપર ઉતરી હતી. આ પરીક્ષણ ટ્રમ્પનાં પરમાણુ શત્રનાં પરીક્ષણ
સંબંધિત નિવેદનો બાદ કરવામાં આવ્યું હોવાથી ફરી એકવાર દુનિયામાં અણુયુદ્ધની ભીતિ છવાઈ
ગઈ છે. મિનિટમેન-3 સૌથી જૂની આઈસીબીએમ મિસાઈલ છે. જેનો ઉપયોગ 1970થી થઈ રહ્યો છે. આ જમીન ઉપરથી પ્રક્ષેપિત થાય
છે અને 13 હજાર કિ.મી. સુધીની મારણ ક્ષમતા ધરાવે છે. તેમાં
અણુબોમ્બ પણ લાદી શકાય છે પણ આજે આ પરીક્ષણ વખતે તેમાં આવા કોઈ શત્ર સામેલ કરવામાં
આવ્યા નહોતાં. અમેરિકા પાસે આશરે આવી 400 મિસાઈલ છે. જે રશિયા અને ચીન જેવા તેનાં પ્રતિદ્વંદ્વી દેશો વિરુદ્ધ રણનીતિનો
એક ભાગ છે. આને મિનિટમેન મિસાઈલ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે એક મિનિટમાં
જ ત્રાટકવા માટે તૈયાર થઈ જાય છે.