• મંગળવાર, 01 જુલાઈ, 2025

ડાક વીમાના ખાતેદારો પર અચાનક જીએસટીની ચાબૂક

ભુજ, તા. 30 : કચ્છ સહિત દેશભરમાં ટપાલ વિભાગની પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (પીએલઆઇ) અને રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (આરપીએલઆઇ)એ બે પોલિસીમાં જે ખાતેદારો નિયત સમયમાં પ્રીમિયમ ન ભરી શક્યા હોય તેમના ડિફોલ્ટના વ્યાજ-દંડની રકમ પર 18 ટકા જીએસટીને લઇને ખાતેદારોમાં ભારે કચવાટ ફેલાયો છે. ખાતેદારોને આવા 18 ટકા જીએસટીની અગાઉથી જાણ નહોતી, ઉપરાંત જીએસટી વિભાગે 2017થી 2024 સુધીના આવા ડિફોલ્ટની રકમ પરના 18 ટકા જીએસટીની કુલ આઉટ સ્ટેન્ડિંગ રકમ નવા પ્રીમિયમમાં ઉમેરી નાખી છે એટલે હવે ખાતેદારો જૂની રકમ ઉપરાંત નવા પ્રીમિયમની રકમ ભરે તો તેની પોલિસી ચાલુ રહી શકે. કચ્છમાં પણ ટપાલ વીમાનો વ્યાપ બહુ સારો છે અને ગયા નાણાકીય વર્ષમાં જ 1270 જેટલી પોલિસી દ્વારા રૂા. 68 લાખનું પ્રીમિયમ વસૂલી રૂા. 54 કરોડનું વીમા કવચ આપવામાં આવ્યું હતું. ખાતેદારોએ એવી ફરિયાદ કરી હતી કે સરકારે કમસેકમ જૂના વર્ષોના જીએસટીના લેણાં વસુલવા જોઇએ નહીં. માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર જીએસટી વિભાગે ઇન્ડિયા પોસ્ટ પાસેથી આ ડિફોલ્ટ પરના વેરાની રકમ અગાઉ જ વસૂલી લીધી છે. કચ્છમાંથી પણ લગભગ રૂા. 22 લાખ આ પેટે પોસ્ટ તંત્ર દ્વારા આપી દેવાયા છે અને હવે ખાતેદારોના નવા પ્રીમિયમમાં આ રકમ ઉમેરાઇને આવી રહી છે પણ તે એક જ વાર ભરવાની હશે. સૂત્રોએ કહ્યું કે, જીએસટી અમલી હોવા છતાં પોસ્ટ વિભાગના પ્રોગ્રામમાં જીએસટી રકમ ઉઘરાવવાની સુવિધા ન હોવાથી એ રકમ ખાતેદારો પાસેથી ઉઘરાવીને જીએસટી વિભાગને મોકલાઇ નથી ! હવે જ્યારે ખાતેદારોને વધારાની રકમ જાણ થઇ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે તેઓ નારાજ થઇ રહ્યા છે. ઘણા કિસ્સામાં તેઓ એજન્ટો પર પણ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. હવે પોસ્ટના સેન્ટ્રલ સર્વરમાંથી જ નવું પ્રીમિયમ જનરેટ થઇ રહ્યું છે. ખરેખર પોસ્ટ ખાતાએ જે તે સમયે ખાતેદારોને કે એજન્ટોને કે કર્મચારીઓને આવી જાણ કરી દેવી જોઇતી હતી.

Panchang

dd