બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 14 : આઇ આશાપુરાનાં
દર્શનાર્થે માઈભક્તો માતાના મઢમાં પહોંચી રહ્યા છે. મઢ ખાતે ભાવિકોની ભારે ભીડ જામી
છે. ખાસ કરીને મંદિરમાં સવાર-સાંજ પરંપરાગત રીતે થતી પૂજા-આરતીનો લાભ લેવા હકડેઠઠ ભાવિકો
એકત્ર થાય છે. ધૂપની ધૂમ્રશેર, ઝાલરનો
ઝણકાર, ઘંટના ઘંટારવ અને શંખના નાદ વચ્ચે થતી પૂજા-આરતીના સમયે
ભારે ભક્તિભાવનો માહોલ ખડો થાય છે, તેમાં પણ જાગરિયાના હાથમાં
ડમ-ડમ વાગતી ડાકના ડણકારથી સમગ્ર મંદિર પરિસર ગાજે છે. આરતી ટાણે ડાકની અચૂક હાજરીની
પરંપરા ગામના 40 જાગરિયા પરિવાર
સાતથી આઠ પેઢીથી નિભાવી રહ્યા છે. માતાના મઢમાં તો આ પરિવારોનો આખો વાસ જાગરિયાવાસ
તરીકે ઓળખાય છે, જેમાં 40 જેટલા પરિવાર ખેત-મજૂરી સાથે
સંકળાઇ સવાર-સાંજ માની આરાધના વખતે વારસામાં મળેલી ડાક વગાડવાની પરંપરાને આજ સુધી ટકાવી
રહ્યા છે. દરેક પરિવારના ઘરમાં એક સભ્ય તો અવશ્ય ડાક વગાડવામાં માહેર છે અને એટલે જ
દરેક પરિવાર પાસે એક ડાક મોજૂદ છે. રાજાશાહી વખતથી લોકવાદ્ય વગાડી માની આરાધનામાં ભાગીદાર
થવાની પોતાની મળેલી પરંપરા સાથે નાતો નિભાવતાં આ પરિવારના મંગલભાઇ જાગરિયા જણાવે છે
કે, નોરતાં દરમ્યાન આઇ આશાપુરાની `પતરી'
લેવા કચ્છની રાજધાનીમાંથી રા'બાવાની નીકળતી ચામરયાત્રામાં
પણ ડાકની હાજરી અચૂક ગણાતી હતી. માની આરતીનો સમય થાય કે જાગરિયાવાસમાંથી જેનો વારો
હોય તે સલવાર ખમીસ માથે પાઘડી, કેડે શાલ કે ધોતિયાની પોડક (ભેઠ),
હાથમાં ડાક-દાંડી લઇ ખમ્મા...મા... ખમ્મા...મા... કરતાં માના દરબારે
હાજર થાય. ડાક પર દાંડી પડતાંની સાથે આરતીનો આરંભ થાય. ઢોલ, ઝાલર
અને ઘંટનાદ પણ જોડાય. ધૂપ-દીપ સાથે માનો દરબાર ભક્તિમય બને. ડાકના ડણક સાથે `વીસી'
પણ ગવાય. આરતી ટાણે જાગરિયા ડાક સાથે માતાજીના પ્રાગટય વખતે 20 વસ્તુનાં નામ એક જ શ્વાસે રાગ
સાથે વર્ણન કરતી સ્તુતિને `વીસી' કહેવાય છે. સાથે માતાજીની ઝૂલણી, દુહા, ભજન, ગીત વગેરે ગાવામાં આવે
છે અને તેના થકી જ માતાજી પ્રસન્ન થાય છે તેવું જાગરિયા લોકો માને છે. સવાર-સાંજ આશાપુરાની
થતી આરતી સમયે જાગરિયા ચાર પ્રકારના તાલે ડાક વગાડી મા આશાપુરાની આરતી સાથે સમસ્ત દેવી-દેવતાઓનું
પૂજન કરવામાં આવે છે, જેમાં પ્રથમ તાલે ગુરવા ગણપતિનું આહ્વાન
કરાય, બીજા તાલે માતાજીના ગુણગાન ગવાય, ત્રીજા તાલે કુળદેવીનું સ્મરણ થાય, તો ચોથા તાલે સૃષ્ટિના
36 કરોડ દેવી દેવતાઓને વંદન કરવામાં
આવે છે. આ જાગરિયા પરિવારોના ઘરોમાં મોજૂદ ડાક પોતાની હથરોટી દ્વારા જ નિર્માણ કરે
છે. મંગલભાઇ કહે છે કે, ડાક બનાવવા
માટે પહાડી પ્રદેશમાં થતી વનસ્પતિ કારેલ ખેર,
રોયડો, આંબો કે લૈનું લાકડું વધુ માફક આવે છે.
લાકડાંમાંથી તૈયાર ડાકની બંને બાજુએ લાકડાંની ગોળ રિંગ (મનર) પર પડ ચડાવવામાં આવે છે.
ડાકના અવાજને ઝીણો-જાડો કરવા બાંધવામાં આવતી દોરી અને દાંડી સાથે પિત્તળની ઝીણી ઘૂઘરીઓ
પણ બાંધવામાં આવે છે, જેથી વાગતી ડાકના તાલ સાથે ઘૂઘરીનો રણકાર
અનોખું સંગીત ઉત્પન્ન કરે છે. સદીઓથી ડાકના તાલે આઇ આશાપુરાની થતી આરતી સાથે સંકળાયેલા
સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત સમાજના જાગરિયા ભક્તોને
ડાક વગાડવાનું મહેનતાણું રૂપિયા દોઢથી શરૂ થઇ હાલે 3000 રૂા. સુધી પહોંચ્યું છે. આ
બક્ષિસનું માસિક મહેનતાણું ભલે મામૂલી છે પરંતુ પોતાના વંશપરંપરાગત માની થતી આરાધનાને
જાગરિયા પરિવારો અમૂલ્ય અવસર ગણે છે.