ગાંધીધામ / ભુજ, તા. 14 : અંજારના સાપેડા
નજીક માતાના મઢ પદયાત્રાએ જતાં બે સહોદરને અજાણી ટ્રકએ હડફેટમાં લેતાં મોટા ભાઈ દિવ્યેશ
રમેશબહાદુર સોની (ઉ.વ. 22)નું મોત થયું
હતું. બીજીબાજુ ગળપાદર નજીક નેક્સા શો-રૂમથી એરપોર્ટ જતા માર્ગ પર ટ્રેઈલર (ઘોડો)એ
બાઈકને ટક્કર મારતાં વિનોદ રમેશ મકવાણા નામના
યુવાને જીવ ખોયો હતો તેમજ કંડલામાં ટ્રેઈલર હડફેટે એક્ટિવાચાલક રામારાવ અય્યારાવ કોનેરૂ
નામના યુવાને છેલ્લા શ્વાસ લીધા હતા તથા ભચાઉ નજીક અજાણ્યા વાહનની હડફેટે બાઈકસવાર
ગુલામમુસ્તફા ફકીર નામના યુવાનનું મોત થયું હતું,
જ્યારે ભુજમાં પીજીવીસીએલથી જ્યુબિલી સર્કલને જોડતા રોડ પર કેએલસી હોસ્પિટલની
સામે અડધી રાત્રે બાઈકચાલક સુખપરનો યુવાન મુકેશ નાથા કોડિયાર પોતાના ઘરે જતો હતો ત્યારે સ્પીડબ્રેકર પર સંતુલન ગુમાવતાં ગંભીર ઈજાના
પગલે તેનું કરુણ મોત નીપજ્યું હતું. મેઘપર બોરીચી લીલાશાહ કોલોનીમાં રહેનાર દેવાંગ
નામના કિશોરે માતાના મઢ ચાલતા જવાની માનતા રાખી હતી. જેથી ગત તા. 4-10ના રાત્રે 8ના અરસામાં તે તથા તેનો મોટો ભાઇ દિવ્યેશ
પગપાળા જવા નીકળ્યા હતા. આ બંને અંજાર-ભુજ ધોરીમાર્ગ પર સાપેડા બાયપાસ રોડ પર પહોંચ્યા
હતા, ત્યારે અજાણી ટ્રકએ દિવ્યેશને હડફેટમાં લીધો
હતો.તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેણે તા. 13-10ના છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ અંગે રમેશબહાદુર રામબહાદુર સોનીએ
ફરિયાદ નોંધાવી હતી. બીજો બનાવ ગળપાદર નજીક નેકશા શો-રૂમથી એરપોર્ટ જતા રોડ પર દરગાહ
પાસે પુલિયા પર બન્યો હતો, ગાંધીધામની
બીટકો કંપનીમાં કામ કરનાર ફરિયાદી રાજારામ
સ્વરૂપસિંહ ચૌહાણ તથા વિનોદ મકવાણા કંપનીના કામથી વેલસ્પન કંપનીમાં જઇ રહ્યા
હતા દરમ્યાન પાછળથી આવતા સફેદ રંગના નવા ટ્રેઇલર (ઘોડો)એ બાઇકને હડફેટમાં લેતાં વિનોદને
ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું. જ્યારે ફરિયાદીને ઇજાઓ પહોંચી હતી.
વધુ એક જીવલેણ બનાવ કંડલામાં નકટી પુલ પહેલાં બન્યો હતો. કિડાણામાં રહેનાર રામારાવ
નામનો યુવાન એક્ટિવા નંબર જી.જે.-39-એચ.- 1273થી પોતાના
ઘરે જઇ રહ્યો હતો દરમ્યાન ટ્રેઇલર નંબર જી.જે.-12-બી.વાય.- 4435એ એક્ટિવાને
ટક્કર મારતાં આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના
તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગત તા. 10-10ના સાંજના અરસામાં બનેલા આ બનાવ અંગે ધર્મરાજ અય્યારાવ કોનેરૂએ
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જીવલેણનો ચોથો બનાવ ગત તા. 27/8નાં ભચાઉ નજીક આર.ટી.ઓ. ચેકપોસ્ટથી
એમ.ડી.એસ. કંપની તરફ જતા માર્ગ ઉપર બન્યો હતો. જંગીમાં રહેનાર ફરિયાદી ઈરફાન ઈસ્માઈલ
ફકીર તથા તેના કાકાનો દીકરો ભાઈ ગુલામ ફકીર જંગીથી ભચાઉ આવી રહ્યા હતા. દરમ્યાન પાછળથી
અજાણ્યા વાહને બાઈક નંબર જી.જે.-39-એફ.-5408ને હડફેટમાં લેતાં ગુલામને
ગંભીર ઈજાઓ થતાં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. જ્યારે ફરિયાદીને ગંભીર ઈજાઓ થતાં તેને
સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. દરમ્યાન, તા. 14/10ના રાતે 1.30 વાગ્યાના
અરસામાં સુખપરનો અંદાજે 25થી 30 વર્ષનો યુવાન મુકેશ કોડિયાર
મોટરસાઈકલથી ભુજના કેએલસી હોસ્પિટલની બાજુમાંના માર્ગેથી પોતાના ઘરે સુખપર જઈ રહ્યો
હતો ત્યારે માર્ગ વચ્ચે આવેલા બમ્પને લીધે તેનો સંતુલન ગુમાવતાં નીચે પટકાયા હતા. ગરબા
રમીને આ માર્ગ પરથી પસાર થતાં ખેલૈયાઓ તેની મદદે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ
મુકેશને જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો અને તેનું મોત નીપજ્યાની વિગતો હોસ્પિટલની
પોલીસ ચોકીમાં લખાવાઈ હતી.