નવી દિલ્હી, તા. 14 : તહેવારના
દિવસોમાં જ દેશના સામાન્ય માણસને મોંઘવારીની માર પડી છે. છૂટક બાદ જથ્થાબંધ મોંઘવારી
પણ વધીને 11.39 ટકા સાથે પાંચ મહિનાની ટોચ પર પહોંચી ગઇ છે. કેન્દ્ર સરકારનાં
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે બુધવારે નવા આંકડા જારી કર્યા હતા. ઓગસ્ટ મહિનામાં જથ્થાબંધ
મોંઘવારી 9.92 ટકા હતી. ખાવા-પીવાની વસ્તુઓ, ઇંધણ, ઊર્જા તેમજ ઉત્પાદિત
વસ્તુઓની કિંમતોમાં વધારો આવતાં સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી વધી છે. મોંઘવારી દર
11.39 ટકા થવાનો મતલબ એ થયો કે, જે સામાન જથ્થાબંધ બજારમાં 100 રૂપિયાનો મળતો, તેના
માટે હવે 111.39 રૂપિયા
ચૂકવવા પડશે. ખાવા-પીવાની ચીજોની મોંઘવારી ઓગસ્ટના 7.5 ટકામાંથી વધીને સપ્ટેમ્બર મહિનામાં વધીને 8.66 ટકા થઇ ગઇ હતી. ઇંધણ અને વીજળીમાં
જથ્થાબંધ મોંઘવારી દર ઓગસ્ટના 22.93 ટકામાંથી
વધીને સપ્ટેમ્બરમાં 25.85 ટકા થઇ ગયો
હતો. કાચા માલની કિંમતો 7.76 ટકામાંથી 8.67 ટકા, કારખાનાંઓમાં નિર્મિત સામાનની મોંઘવારી 8.37 ટકામાંથી 9.76 ટકા થઇ ગઇ હતી.